ઇકેડા હાયાટો (જ. 3 ડિસેમ્બર 1899, તાકેહારા, જાપાન; અ. 13 ઑગસ્ટ 1965, ટોક્યો, જાપાન) : જાપાનના વડાપ્રધાન તથા બીજા વિશ્વયુદ્ધ પછીના ગાળામાં દેશના આર્થિક પુનરુત્થાનના પ્રણેતા. ઇકેડાએ ઇમ્પીરિયલ યુનિવર્સિટી લૉ સ્કૂલમાંથી 1925માં સ્નાતક પદવી પ્રાપ્ત કરીને દેશના નાણાખાતામાં કારકિર્દીની શરૂઆત કરી હતી. પછી નાણાખાતાના ઉપમંત્રીપદે કામ કર્યું. 1949ની સામાન્ય ચૂંટણીમાં તેઓ દેશની પ્રતિનિધિ સભા (House of Representatives)માં ચૂંટાયેલા અને યોશિદા શિગેરુ મંત્રીમંડળમાં નાણાપ્રધાન બન્યા હતા. યોશિદા વિચારસરણી(Yoshida School)ના બે મુખ્ય પુરસ્કર્તાઓમાં એક ઇકેડા હતા. તેઓ ‘સમતોલ નાણાપ્રબંધ’ (balanced financing)ના હિમાયતી હતા. બીજા વિશ્વયુદ્ધ પછીના તીવ્ર ફુગાવાને અંકુશિત કરવા માટે તેમણે અખત્યાર કરેલી કડક અને મજબૂત નાણાસંકોચનનીતિ (deflation) સફળ નીવડી હતી. વિદેશ વ્યાપારખાતાના મંત્રી તરીકે તેમણે અમલમાં મૂકેલી વ્યાપારનીતિને લીધે આંતરરાષ્ટ્રીય વ્યાપારના ક્ષેત્રમાં જાપાનની સ્થિતિ ઘણી મજબૂત બની. સરકારમાં મંત્રીપદની સાથે તેઓ પોતાના રાજકીય પક્ષ લિબરલ પાર્ટીના મહામંત્રી તથા રાજકીય બાબતોની સંશોધન સમિતિના અધ્યક્ષ પણ હતા. 1960માં તેઓ પક્ષના પ્રમુખ બન્યા અને તેની રૂએ દેશના વડાપ્રધાન બન્યા. આ પદ પર ઑક્ટોબર, 1964 સુધી કાર્ય કર્યા પછી નાદુરસ્ત સ્વાસ્થ્યને કારણે તેઓએ સ્વેચ્છાએ રાજીનામું આપ્યું હતું.
બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા સાથે શાંતિકરાર કરવામાં ઇકેડાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. 1963માં તેઓએ ‘આંશિક અણુશક્તિ પ્રયોગ પ્રતિબંધ કરાર’ (Partial Nuclear Test Ban Treaty) પર હસ્તાક્ષર કર્યા હતા.
દેશમાં આર્થિક વિકાસની સાથે દક્ષિણ તથા દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો સાથે જાપાનના આર્થિક તથા ટૅક્નિકલ સંબંધો વિકસાવવાની દિશામાં તેમણે કરેલી કામગીરી પ્રશંસનીય નીવડી હતી.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે