અસંયોગી જનન (વનસ્પતિશાસ્ત્ર) (apomixis) : ફલીકરણ વગરનું પ્રજનન. વનસ્પતિઓમાં સંતતિઓનું એકાંતરણ એટલે કે બે અવસ્થાઓ વારાફરતી જોવા મળે. એક તે જન્યુજનક જેમાં નર જન્યુ અને માદા જન્યુના મિલનથી યુગ્મક (zygote) બને અને તેમાંથી પુખ્તભ્રૂણ બને. બીજી અવસ્થા તે બીજાણુજનક જેમાં બીજાણુઓ (spore) બને. બીજાણુ પોતે જ ફલન વિના સ્વયં વનસ્પતિ રચવાની ક્ષમતા ધરાવે છે. આ પ્રક્રિયા નીચેના આલેખથી સમજી શકાય.
કેટલીક વનસ્પતિના જીવનક્રમ દરમિયાન તે બે અવસ્થા દાખવે છે : એક જન્યુજનક કે જાતીય અવસ્થા અને બીજી બીજાણુજનક. આ ચક્ર સંતતિઓનું એકાંતરણ (alternation of generation) કહેવાય છે. જન્યુઓના સંયોજન કે જોડાણ કે મિલન વગર જન્યુજનક અવસ્થામાંથી વિકૃતિ વડે (mutation) બીજાણુજનક અવસ્થાનું ઉત્પન્ન થવું તે પ્રક્રિયાને/પદ્ધતિને અસંયોગી જનન (apomixis) અને પ્રજનનથી થયેલ વનસ્પતિને અસંયોગી જનનાત્મક (apomictic) કહે છે. એ રીતે બે અવસ્થાઓ વચ્ચેનું સામાન્ય એકાંતરણ અટકી જાય છે.
જાતીય કે લિંગીય પ્રજનન ઉત્ક્રાંતિની દૃષ્ટિએ ઘણું મહત્વનું પગથિયું છે. તે આવૃતબીજધારી વનસ્પતિમાં (ઉચ્ચ કક્ષાની) ઘણું વિકાસ પામેલું જોવા મળે છે. જાતીય પ્રજનનઅંગો બે પ્રકારની જન્યુજનક અવસ્થાઓમાં ઉત્પન્ન થાય છે :
- નરજન્યુજનક અવસ્થા (પુંકેસરમાં) અને
- માદાજન્યુજનક અવસ્થા (સ્ત્રીકેસરમાં)
નરજન્યુજનક અવસ્થા નરજન્યુઓ ઉત્પન્ન કરે છે, તે એકકીય (haploid) સંખ્યામાં રંગસૂત્રો ધરાવે છે. તે જ પ્રમાણે આવૃતોમાં 95 % વનસ્પતિઓ બીજાશયના અંડકમાં આઠ કોષકેન્દ્રો ધરાવતી માદાજન્યુજનક અવસ્થા ઉત્પન્ન કરે છે. તેના કોષો નીચે મુજબ છે : બે સહાયક કોષો (synergids), એક અંડકોષ (egg cell અથવા oosphere અથવા female gamete), ત્રણ પ્રતિધ્રુવકોષો (antipodal cells) અને બે કોષકેન્દ્રો ધરાવતો એક મધ્યસ્થકોષ (central cell) ઉપરનાં બધાં એકકીય રંગસૂત્રો ધરાવે છે.
તે બધા એકકીય કોષો ફલન થયા વિના પણ ભ્રૂણ રચવાની ક્ષમતા ધરાવે છે. આ પ્રકારની પ્રક્રિયા એ ગર્ભવિદ્યાની જટિલ સમસ્યા છે.
કુદરતમાં એકકીય સહાયક કોષોમાંથી ગર્ભની ઉત્પત્તિ એપોનોજેટોનમાં અને અંડકોશમાંથી ગર્ભની ઉત્પત્તિ ચિયા(carex)માં માલૂમ પડી છે. પ્રતિધ્રુવીય કોષોમાંથી ભ્રૂણની ઉત્પત્તિ ડુંગળી(Allium cepa)માં જોવા મળે છે. પરાગરજ અને મધ્યસ્થ કોષમાંથી ગર્ભોની ઉત્પત્તિ જવલ્લે જ જોવા મળે છે.
મુકુંદ દેવશંકર ભટ્ટ
સરોજા કોલાપ્પન