અસંયોગી જનન (પ્રાણીશાસ્ત્ર)

January, 2001

અસંયોગી જનન (પ્રાણીશાસ્ત્ર) (parthenogenesis) : અફલિત જનનકોષનો થતો સ્વયંસ્ફુરિત વિકાસ.

અસંયોગી જનનની ઘટના એ ગર્ભવિદ્યાની જટિલ સમસ્યા છે. તેની સૌપ્રથમ શોધ બોનેટે 1762માં કરી; તેણે શોધ્યું કે ઉનાળા દરમિયાન મશી કીટકો ફક્ત અફલિત અંડકોષોમાંથી ઉત્પન્ન થાય છે. અસંયોગી જનનની ઘટના પ્રાણીઓમાં તેમજ વનસ્પતિમાં પણ જોવા મળે છે. અસંયોગી જનન દરમિયાન અંડકોષનો વિકાસ શુક્રકોષની સહાય વિના થાય છે. અસંયોગી જનન દરમિયાન ઉત્પન્ન થતા અંડકોષની સંરચના અને ફલિત અંડકોશની સંરચનામાં બાહ્યાકારની દૃષ્ટિએ સ્પષ્ટ તફાવત જોવા મળે છે. ઉ.ત., ડેફનિયામાં શિયાળા દરમિયાન ઉત્પન્ન થતા ફલિત શિયાળુ અંડકોષની ફરતે રક્ષણાત્મક આવરણ હોય છે, જે ઉનાળા દરમિયાન ઉત્પન્ન થતા અંડકોષ કરતાં ભિન્ન હોય છે. આ ઉપરાંત અસંયોગી જનનથી ઉત્પન્ન થયેલાં પ્રાણીઓ અને લિંગી પ્રજનનથી ઉત્પન્ન થયેલાં તેવાં જ પ્રાણીઓમાં બાહ્યાકારની દૃષ્ટિએ પણ તફાવત જોવા મળે છે. કીડી અને મધમાખીમાં અસંયોગી જનનથી ઉત્પન્ન થયેલાં પ્રાણીઓ હમેશાં નર માલૂમ પડ્યાં છે. રોટિફેરા પ્રાણીઓમાં ઘણી પેઢીઓ સુધી ફક્ત અસંયોગી જનનની ઘટના જોવા મળે છે.

એકલ અને બેવડું અસંયોગી જનન : એકલ અસંયોગી જનનમાં અંડકોષનો વિકાસ ફલન વગર, રંગસૂત્રોના અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા થાય છે. ઉ.ત., મધમાખી, કીડી વગેરે; જ્યારે બેવડા અસંયોગી જનનમાં અંડકોષનો વિકાસ ફલન વગર અને રંગસૂત્રોના અર્ધીકરણની પ્રક્રિયા વગર થાય છે. ઉ.ત., ડેફનિયા, ગોળ કૃમિ વગેરે.

કેટલાંક પ્રાણીઓમાં અસંયોગી જનનમાં અંડકોષ સ્વયંક્રિયાશીલ બનીને એકાએક વિકાસ પામે છે, જ્યારે બીજાં કેટલાંક પ્રાણીઓમાં અસંયોગી જનનમાં અંડકોષને ક્રિયાશીલ બનાવવા શુક્રકોષની હાજરી જરૂરી બને છે.

કુદરતી અસંયોગી જનન પ્રાણીસૃષ્ટિના રોટિફેરા, ગોળ કૃમિ, ચપટા કૃમિ, સ્તરકવચી, બહુપાદ, અષ્ટપાદ અને કીટકવર્ગનાં પ્રાણીમાં સારા પ્રમાણમાં જોવા મળે છે. કૉકેસસમાં મળી આવતી લેસર્ટાસેક્સીકોલા ઑમેનિકા નામની ગરોળીમાં સ્વયંસ્ફુરિત અસંયોગી જનનનો વિચિત્ર કિસ્સો જોવા મળે છે. કુદરતમાં આ પ્રાણીઓમાં માત્ર માદા દ્વારા જ વંશવૃદ્ધિ અસંયોગી જનનથી થાય છે. જ્યારે આ પ્રજાતિમાં પ્રગલ્ભ નર જોવા મળતા નથી અને જો ગર્ભ નર તરીકે વિકાસ પામે તો તે શરૂઆતના વિકાસના તબક્કામાં જ મૃત્યુ પામે છે. સ્પાયરોગાયરા, કારા વગેરે વનસ્પતિમાં પણ તે જોવા મળે છે.

કૃત્રિમ અસંયોગી જનન : સાગરગોટા, રેતીકીડા, દેડકાં વગેરે પ્રાણીઓના પરિપક્વ અંડકોષ ઉપર વિશિષ્ટ ભૌતિક અને/અથવા રાસાયણિક પ્રક્રિયા કરવાથી તેનો વિકાસ પુખ્ત પ્રાણી તરીકે થાય છે. આ ઘટનાને કૃત્રિમ અસંયોગી જનન કહે છે. ઓ. હર્ટવિગ અને આર. હર્ટવિગે સાગરગોટાના પરિપક્વ અંડકોષ ઉપર પોટૅશિયમ, સોડિયમ, કૅલ્શિયમ અને મૅગ્નેશિયમના ક્લોરાઇડો, બ્યૂટિરિક ઍસિડ, લૅક્ટિક ઍસિડ, ઈથર, આલ્કોહૉલ અને બેન્ઝીન વગેરેની પ્રક્રિયા કરવાથી અંડકોષનો વિકાસ થયો. તાપમાનમાં ફેરફાર કે વીજપ્રવાહ આપવાથી પણ આવાં જ પરિણામો મળ્યાં છે. દેડકાના પરિપક્વ અંડકોષમાં કાચની પાતળી સોયથી છિદ્ર પાડવામાં આવતાં કૃત્રિમ અસંયોજનનથી પુખ્તતા પ્રાણીમાં વિકસે છે.

આમ અસંયોગી જનન પ્રજનનની સામાન્ય પદ્ધતિ છે, જે લિંગી પ્રજનનની ગેરહાજરીમાં, સજીવોના વંશનું સાતત્ય જાળવી રાખે છે. તેના થોડાક સમયના ગાળામાં મોટી સંખ્યામાં સજીવો ઉત્પન્ન થાય છે. પ્રાણીના વંશમાં ઉત્પન્ન થતી ખરાબ વિકૃતિ તેના દ્વારા દૂર કરી શકાય છે, તેવી જ રીતે તેનાથી ઉત્પન્ન થતી વિકૃતિ પ્રાણીના વંશમાં ઉપયોગી લક્ષણોનો સંચાર કરે છે. વળી તેનાથી પ્રાણીના વંશમાં થતા વંધ્યત્વને રોકી શકાય છે.

યોગેશ મણિલાલ દલાલ