મહેસાણા : ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 36´ ઉ. અ. અને 72° 24´ પૂ. રે.. આજુબાજુનો આશરે 4,501 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્ય અને ઉત્તરમાં બનાસકાંઠા જિલ્લો, પૂર્વમાં સાબરકાંઠા જિલ્લો, દક્ષિણમાં ગાંધીનગર અને અમદાવાદ જિલ્લા તથા પશ્ચિમમાં પાટણ જિલ્લો આવેલા છે.
ભૂપૃષ્ઠ : જિલ્લાનો મોટો ભાગ, તેના ખેરાળુ તાલુકાના થોડાક ટેકરાળ પૂર્વ ભાગને બાદ કરતાં, લગભગ સમતળ સપાટ મેદાની વિસ્તાર છે. મેદાની વિસ્તારનો ઢોળાવ ઈશાનથી નૈર્ઋત્ય તરફનો છે. જિલ્લાનો પૂર્વ ભાગ વનસ્પતિથી સમૃદ્ધ છે. જિલ્લાની જમીનો રેતાળ-ગોરાડુ પ્રકારની છે, પરંતુ સ્થાનભેદે તે ખનિજ-દ્રવ્યોમાં તેમજ ફળદ્રૂપતામાં જુદી પડે છે. જિલ્લાના મહેસાણા, કલોલ, વિજાપુર અને વીસનગર તાલુકાઓની જમીનો ફળદ્રૂપ છે. ત્યાંનું ભૂગર્ભજળ ખૂબ જ મીઠું છે, પરંતુ વધુ પડતા વપરાશને કારણે તે ઊંડું ઊતરી ગયું છે. કલોલ અને કડી તાલુકાઓની કેટલીક જમીનો મધ્યમ કાળી પણ છે. તે ડાંગર અને કપાસના પાક માટે અનુકૂળ પડે છે.
જળપરિવાહ : સાબરમતી અને રૂપેણ આ જિલ્લાની મુખ્ય નદીઓ છે. સાબરમતી મહેસાણા અને સાબરકાંઠાને જોડતી પૂર્વ, જ્યારે રૂપેણ મહેસાણા અને પાટણને જોડતી પશ્ચિમ સરહદ રચે છે. અરવલ્લી પર્વતોમાંથી નીકળીને આવતી સાબરમતી વિજાપુર તાલુકામાં થઈને, ગાંધીનગર–અમદાવાદ જિલ્લામાં થઈને ખંભાતના અખાતને મળે છે. રૂપેણ તારંગાની ટેકરીઓમાંથી નીકળે છે; ખેરાળુ, વીસનગર, મહેસાણા તાલુકાઓમાં થઈને વહે છે, ત્યાંથી પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં થઈને કચ્છના રણમાં સમાઈ જાય છે. જિલ્લામાં થોડાંક તળાવો પણ છે, તે પૈકીનું મોટામાં મોટું તળાવ ખેરાળુ તાલુકામાં આવેલું ‘ચીમનાબાઈ સરોવર’ છે.
ખેતી–પશુપાલન : બાજરી, જુવાર, ઘઉં, ડાંગર, તુવેર, ચણા, કપાસ, એરંડા અને મગફળી આ જિલ્લાના મુખ્ય કૃષિપાકો છે. કૂવા ખેતીને અપાતી સિંચાઈનો મુખ્ય સ્રોત છે, તેમ છતાં થોડા પ્રમાણમાં નહેરો અને તળાવો દ્વારા પણ સિંચાઈ થાય છે. જિલ્લાના છેક ઉત્તર ભાગમાં સાબરકાંઠાની સરહદ નજીક ધરોઈ બંધ આવેલો છે. ગાયો, ભેંસો, બળદો, ઘેટાં-બકરાં, ઊંટ અને ગધેડાં આ જિલ્લામાં જોવા મળતાં મુખ્ય પાલતુ પશુઓ છે. મરઘાંઉછેર પણ થોડા પ્રમાણમાં થાય છે. અહીં 15 જેટલાં પશુ-દવાખાનાં, 34 કૃત્રિમ ગર્ભાધાન-કેન્દ્રો તથા પ્રાથમિક સારવાર-કેન્દ્રોની સુવિધા ઊભી કરવામાં આવી છે. તાલુકાઓ અને ગામડાંઓમાં મળીને કુલ 678 જેટલી સહકારી દૂધ-મંડળીઓ દૂધનો પુરવઠો ભેગો કરીને મહેસાણા ખાતે આવેલી દૂધસાગર ડેરીને પહોંચાડે છે.
ઉદ્યોગો : મહેસાણા જિલ્લો ચિનાઈ માટીના ઉત્પાદનમાં રાજ્યભરમાં મોખરે છે, ત્યાંથી અગ્નિજિત માટી (fireclay) પણ નીકળે છે. આ ઉપરાંત અહીં ગ્રૅનાઇટ, ટ્રૅપ-ખડકો, કંકર, ઈંટોની માટી, બેન્ટોનાઇટ (ભૂતડો), સાદી માટી અને રેતી પણ મળે છે. આ જિલ્લામાં મોટા પાયા પર ખનિજતેલ અને કુદરતી વાયુના ભંડારો મળે છે અને તેનું ઉત્પાદન લેવાય છે. આ જિલ્લામાં 116 જેટલા સુતરાઉ કાપડના, 40 ખાદ્યાન્નના, 34 રસાયણો – રાસાયણિક પેદાશોના, 26 અધાત્વિક ખનિજ-પેદાશોના, 16 સમારકામ-સેવાના, 9 રબર-પ્લાસ્ટિક-ખનિજતેલની અને કોલસાની પેદાશોના તથા 9 લાકડાં અને તેમની પેદાશો(રાચરચીલું અને લાકડાંનાં માળખાં)ના એકમો કાર્યરત છે. જિલ્લાના આશરે 70 % લોકો સુતરાઉ કાપડ અને ખાદ્યાન્નના ઉદ્યોગોમાં, 15 % લોકો અધાત્વિક પેદાશના ઉદ્યોગોમાં રોકાયેલા છે. 1978માં અહીં જિલ્લા ઔદ્યોગિક કેન્દ્ર (district industrial centre) સ્થપાયું છે, તે નવા ઉદ્યોગકારોને ધિરાણ આપે છે. આ ઉપરાંત અહીં નાના પાયા પરના ઘણા એકમો કામ કરે છે. 1996 મુજબ આ જિલ્લામાં 12 જેટલા મોટા પાયા પરના ઉદ્યોગો કાર્યરત છે.
આ જિલ્લામાં નાળિયેર, ખાદ્યાન્ન, સિંગતેલ, રૂ, લાકડાનાં પાટિયાં, કાપડ, દૂધ, ગોળ, ખાંડ, લાકડાં, લોખંડના સળિયા અને પતરાં, રંગો, રસાયણો, સિમેન્ટ, પથ્થરો, વાસણો, પૂંઠાનાં પાટિયાં, યંત્રો અને તેના ભાગો, કેરોસીન, ડીઝલ, ખનિજતેલની પેદાશો, તમાકુ, કાચા હીરા, તાંબા-પિત્તળનાં પાત્રો તથા અન્ય ઉપભોક્તા-ચીજવસ્તુઓની આયાત કરવામાં આવે છે. અહીંથી નિકાસ થતી ચીજવસ્તુઓમાં રૂ, તેની ગાંસડીઓ, સૂતર, તેલીબિયાં, લોખંડ-પોલાદનું રાચરચીલું, લોખંડની–સિમેન્ટની પાઇપો, સિમેન્ટના થાંભલા, હાથસાળનું કાપડ, આયુર્વેદિક ઔષધો, જીરું, ઇસબગુલ, રાઈ, તમાકુ, બાજરી, ઘઉં, સાબુ, કૃષિઓજારો, છીંકણી, દૂધ અને તેની પેદાશો, સુશોભન માટેનાં લૅમિનેટેડ પતરાં તથા ઍલ્યુમિનિયમ-તાંબાપિત્તળનાં વાસણોનો સમાવેશ થાય છે.
પરિવહન : જિલ્લામાં (પાટણ જિલ્લા સહિત) 437 કિમી. લંબાઈના રેલમાર્ગો આવેલા છે અને તેના પર 73 જેટલાં રેલમથકો છે. મહેસાણા અને પાટણ જિલ્લાઓના ભેગા થઈને કુલ 2,322 કિમી.ના સડકમાર્ગો છે. જિલ્લાનાં નગરો અને ગામડાંઓમાં રાજ્ય-પરિવહનની બસસેવા ઉપલબ્ધ છે.
પ્રવાસન : મહેસાણા, વડનગર, વિજાપુર અને પિલુદ્રા આ જિલ્લાનાં મુખ્ય પ્રવાસ-સ્થળો છે. મહેસાણામાં ઘણાં મંદિરો અને મસ્જિદો છે. તે પૈકી તોરણવાળી માતા, બ્રહ્માણી માતા, અંબાજી માતા તથા સોમનાથ મહાદેવનાં મંદિરો વધુ જાણીતાં છે. એક સુંદર જૈન મંદિર તથા જૂની ગણાતી બોતેર કોઠાની વાવ જોવાલાયક છે. વાવમાંથી મળતા શિલાલેખ પર સંવત 1731(ઈ. સ. 1675)નું લખાણ જોવા મળે છે. મહેસાણામાં આવેલી સાગર ડેરી ગુજરાત રાજ્યના ડેરી-ઉદ્યોગમાં બીજા ક્રમે આવે છે. વડનગરમાં અર્જુનબારી, નદીઓલ, આમતોલ, ઘાસકોલ, પઠોરી અને અમરતોલ નામના છ દરવાજા આવેલા છે. સ્વયંભૂ લિંગ ધરાવતું અહીંનું હાટકેશ્વરનું મંદિર નગરના પશ્ચિમ ભાગમાં આવેલું છે. સ્વામિનારાયણનું વિશાળ મંદિર અને બે જૈન મંદિરો પણ આ નગરમાં આવેલાં છે. અહીં આવેલા ભવ્ય કીર્તિસ્તંભો અથવા તોરણો (કમાનો) શહેરની ઓળખની સાક્ષી પૂરે છે. તેમાં બેનમૂન ભારતીય સ્થાપત્યની કલાકારીગરીની ઝાંખી થાય છે. પાંચમી સદીમાં અહીં થઈ ગયેલા જૈન સાધુ ભદ્રબાહુએ તેમનું ‘કલ્પસૂત્ર’ વડનગરમાં રહીને લખેલું હોવાનું કહેવાય છે. અકબરના સમયમાં થઈ ગયેલી તાનારીરી(બંને ગાયિકા બહેનો)નાં સ્થાનક અહીંના માણકેશ્વર મહાદેવ પાસે નગરની દક્ષિણે આવેલાં છે.
વિજાપુરમાં મહેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર અને તેની બાજુમાં આવેલી વાવ જોવાલાયક સ્થળો ગણાય છે. અહીં વિદ્યાવાસિની માતાનું પણ એક મંદિર છે. આ ઉપરાંત આ નગરમાં નવ જૈન મંદિરો તેમજ પાંચ મસ્જિદો છે. જૈન મુનિશ્રી બુદ્ધિસાગરજી મહારાજનું આ જન્મસ્થળ છે. તેઓશ્રી અહીં જ રહેતા હતા, 1925માં તેમનો દેહવિલય થયેલો. વિજાપુર સરકારી અતિથિગૃહની પાછળ તેમની સમાધિ આવેલી છે. પિલુદ્રા પ્રાચીન સૂર્યમંદિરના અવશેષો માટે જાણીતું છે. સ્થાપત્યકલાના નમૂનારૂપ અહીંનાં તોરણો આ સૂર્યમંદિરના એક ભાગરૂપ હોવાનું ગણાય છે. આ ઉપરાંત અહીં શીતળા માતાનું મંદિર પણ આવેલું છે. પ્રવાસીઓને આકર્ષવા માટેનાં જલક્રીડાકેન્દ્રો (water resorts) પણ ઊભાં થયાં છે.
તારંગા (મહેસાણા જિલ્લો) : અહીં લગભગ 365 મીટર ઊંચા પર્વત પરથી બૌદ્ધ દેવી તારાની મૂર્તિ મળી આવવાથી આ સ્થળ તારંગા તરીકે પ્રસિદ્ધ થયું. આ સ્થળે આવેલું એક જ શિલામાંથી કંડારાયેલા અજિતનાથની સુંદર પ્રતિમાવાળું ભવ્ય જૈન દેરાસર અસંખ્ય યાત્રાળુઓને આકર્ષે છે.
મહુડી (મહેસાણા જિલ્લો) : મહેસાણા જિલ્લાના વિજાપુરથી 8 કિમી. અને ગુજરાતના પાટનગર ગાંધીનગરથી 45 કિમી.ની અંતરે સાબરમતીના કિનારે આવેલું આ પ્રાચીન જૈન તીર્થધામ મધુપુરી તીર્થ તરીકે પણ ઓળખાય છે. જૈનોના 52 વીરો પૈકીના 30મા વીર શ્રી ઘંટાકર્ણ વીરની અહીં પ્રતિષ્ઠા કરવામાં આવી હોવાથી તેનું ધાર્મિક મહત્વ ઘણું છે. અહીંની ઘંટાકર્ણ મહાવીરની મૂર્તિને અર્પીને પછી તેનો (સુખડીનો) પ્રસાદ મંદિરના પટાંગણમાં જ વહેંચી દેવો પડે છે. મહુડીમાં ઘંટાકર્ણ મંદિરની નજીક ખડાયતા વણિકોનું કોટ્યર્ક મંદિર છે. ત્યાં સૂર્યમંદિરના અવશેષો છે.
ભોયણી (મહેસાણા જિલ્લો) : મહેસાણાથી 40 કિમી. દૂર ભોયણી ગામમાં ભગવાન શ્રી મલ્લિનાથની સુંદર પ્રતિમા ધરાવતું વિશાળ જૈન દેરાસર છે. સમગ્ર દેરાસર અને અંદરનો સભામંડપ તથા સ્તંભો, ઝુમ્મરો વગેરે ખૂબ કલાત્મક હોઈ શ્રદ્ધાળુઓ તેમજ શિલ્પ-કલાપારખુઓને આ સ્થળ સમાન રીતે આકર્ષે છે.
મહેસાણા ગામની બહાર અમદાવાદના મુખ્ય માર્ગ પર આવેલું કલાપૂર્ણ ગગનચુંબી શિખરવાળું જૈન ધર્મના વર્તમાન (વિહરમાન) તીર્થંકર શ્રી સીમંધર સ્વામીની 3.68 મીટર ઊંચી પદ્માસનસ્થ બિરાજમાન પ્રતિમાવાળું મનોહર શૈલીનું, ભારતમાં પ્રથમ ગણી શકાય એવું, અદ્યતન મંદિર એક તીર્થસ્થળ બન્યું છે.
શંખેશ્વર (મહેસાણા) : જૈનો માટે પાલિતાણા પછી મહત્વનું તીર્થધામ શંખેશ્વર ગણાય છે. પ્રાચીન કાળમાં એ શંખપુર તરીકે પ્રસિદ્ધ હતું. અહીંના મુખ્ય મંદિરમાં પાર્શ્વનાથજીની મનોહર મૂર્તિ પ્રતિષ્ઠિત છે.
જૈનોનાં અન્ય તીર્થધામોમાં મહેસાણા જિલ્લાના કમ્બોઈ ગામે સોળમી સદીનું પાર્શ્વનાથજીનું પ્રાચીન દેરાસર, મહેસાણા જિલ્લામાં સિદ્ધપુર નજીક મેત્રાણા ખાતે આદીશ્વર ભગવાનનું સુંદર દેવસ્થાન આવેલું છે. અહીં હસનપીર નામના દાઉદી વોરા કોમના શહીદનો રોજો છે. સુંદર સફેદ આરસથી બંધાયેલું આ સ્થાનક લગભગ 600 વર્ષ જૂનું મનાય છે.
મીરાંદાતાર (મહેસાણા જિલ્લો) : અહીં સિદ્ધપુર તાલુકાના ઉનાવા ગામે પુષ્પાવતી નદીને કાંઠે એક ઓલિયાની પુરાતન દરગાહ છે. મુસ્લિમોને એ સ્થાન માટે ઘણી શ્રદ્ધા છે; પરંતુ અન્ય ધર્મના શ્રદ્ધાળુઓ પણ અહીં બાધા ઉતારવા અને દરગાહ પર ચાદર ચઢાવવા આવે છે
શેલાવી (મહેસાણા જિલ્લો) : ચાણસ્માથી લગભગ 21 કિમી.ના અંતરે અહીં દાઉદી વોરા કોમની બે જૂની દરગાહો છે, જેની બાધા માનવા સંખ્યાબંધ ભાવિકો આવે છે.
વસ્તી : મહેસાણા જિલ્લાની કુલ વસ્તી 18,22,673 જેટલી છે, તે પૈકી આશરે 50 % જેટલા પુરુષો અને 50 % જેટલી સ્ત્રીઓ છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ આશરે 66 % અને 34 % જેટલું છે. અનુસૂચિત જાતિ-જનજાતિની સંખ્યા આશરે 9 % જેટલી છે. જિલ્લામાં ગુજરાતી, હિન્દી, સિંધી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. મુખ્ય વસ્તી હિન્દુ, મુસ્લિમ અને જૈનોની છે. જિલ્લામાં સાક્ષરતાનું પ્રમાણ 68 % જેટલું છે. મહેસાણા, કડી, વડનગર ખાતે કૉલેજ-શિક્ષણની સારી સગવડ છે. અહીંનાં બધાં જ નગરોમાં પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ છે. જિલ્લાનાં નગરો અને મોટાં ગામડાંઓમાં તબીબી સેવાની સગવડો છે. તેમાં દવાખાનાં, ચિકિત્સાલયો, કુટુંબનિયોજન-કેન્દ્રો, પ્રાથમિક સ્વાસ્થ્ય-કેન્દ્રો અને ઉપકેન્દ્રો, પ્રસૂતિગૃહો અને બાલકલ્યાણ-કેન્દ્રો આવેલાં છે. વહીવટી સરળતા માટે જિલ્લાને આઠ તાલુકાઓ અને 622 ગામો આવેલાં છે.
મહેસાણા (નગર) : મહેસાણા જિલ્લાનું વડું વહીવટી મથક અને ઉત્તર ગુજરાતનું મહત્વનું શહેર. ભૌગોલિક સ્થાન 23° 36´ ઉ. અ. અને 72° 24´ પૂ. રે. . આ શહેર અરવલ્લી હારમાળા અને કચ્છના નાના રણ વચ્ચેના નીચાણવાળા સમતળ સપાટ પ્રદેશમાં આવેલું છે. તેની સ્થાપના બારમીથી ચૌદમી સદી દરમિયાન ચાવડા રજપૂતો દ્વારા થયેલી છે. એમ કહેવાય છે કે અગાઉ આ નગરને ચાર દરવાજા હતા, પરંતુ તે પૈકીનો માત્ર એક જ દરવાજો આજે જોવા મળે છે. વડોદરાના રાજવી સયાજીરાવ ત્રીજાએ બંધાવેલો અહીંનો રાજમહેલ આ નગરનું મુખ્ય ભૂમિચિહ્ન (landmark) ગણાય છે.
અહીં અનાજ, તેલીબિયાં અને કપાસના ખરીદવેચાણનું પીઠું (બજાર) આવેલું છે. આ નગરમાં રસાયણો અને હાથવણાટના કાપડનું ઉત્પાદન લેવાય છે. અહીં ગુજરાતની બીજા ક્રમે આવતી દૂધની પેદાશોનું ઉત્પાદન કરતી સાગર ડેરી આવેલી છે. આ ઉપરાંત તે પશ્ચિમ રેલવિભાગનું અગત્યનું રેલજંકશન પણ છે. રાજ્યના ધોરી માર્ગો અહીંથી પસાર થાય છે.
ગિરીશભાઈ પંડ્યા