અસંગ (ચોથી શતાબ્દી) : બૌદ્ધ દર્શનના વિજ્ઞાનવાદના પ્રવર્તક આચાર્ય. જન્મ પુરુષપુર(પેશાવર)માં બ્રાહ્મણકુળમાં. એમનું ગોત્ર કૌશિક. એમના નાના ભાઈ અભિધર્મકોશકાર વસુબન્ધુ હતા. પહેલાં તો સૌત્રાન્તિક વલણ ધરાવતા હતા, પણ પછી તે મહાયાની થયા હતા.
એમના ગુરુ મૈત્રેયનાથ યોગાચાર-વિજ્ઞાનવાદના પ્રસ્થાપક છે. ‘મહાયાન-સૂત્રાલંકાર’ આ ગુરુ-શિષ્યની કૃતિ છે. મૂળ ભાગ મૈત્રેયનાથનો ને ટીકાભાગ આચાર્ય અસંગનો મનાય છે. એમાં અસંગે સૌત્રાન્તિકના ક્ષણિકવાદ, સર્વાસ્તિવાદના પુદ્ગલનૈરાત્મ્ય અને નાગાર્જુનની શૂન્યતાનું પ્રતિપાદન કરી બધાનો વિજ્ઞાનવાદની પરિધિમાં રહી સમન્વય કર્યો છે. વસ્તુત: અસંગનું દર્શન વિજ્ઞાનવાદી અદ્વયવાદ છે. ઉપરાંત ‘યોગાચારભૂમિ’, ‘અભિધર્મસમુચ્ચય’, ‘મહાયાનસમ્પરિગ્રહ’ અને ‘વજ્રયચ્છેદિકા’ એમની કૃતિઓ છે. પ્રથમ બેનો ચીની અનુવાદ શુઆનશ્ર્વાંગે (હ્યુ એન ત્સંગે) કર્યો છે, જ્યારે છેલ્લી બેનો ચીની અનુવાદ અનુક્રમે પરમાર્થે અને ધર્મગુપ્તે કર્યો છે. પ્રથમ બેના તિબેટી અનુવાદો પણ છે.
નગીનભાઈ જીવણલાલ શાહ