જૈવરાસાયણિક નિક્ષેપો (biochemical deposits) : જીવંત જીવનસ્વરૂપોની પ્રવૃત્તિઓ દ્વારા થતી રાસાયણિક પ્રક્રિયાઓને પરિણામે તૈયાર થતા નિક્ષેપો. જીવનસ્વરૂપોની ક્રિયાત્મક પ્રવૃત્તિઓ દ્વારા સીધી કે આડકતરી રીતે પરિણમતા અવક્ષેપિત નિક્ષેપોનો પણ આ પર્યાય હેઠળ સમાવેશ થાય છે; જેમ કે, બૅક્ટેરિયાજન્ય લોહધાતુખનિજનિક્ષેપો અને ચૂનાખડકો. પાણીમાં રહેલા દ્રાવ્ય ઘટકો વચ્ચે અવક્ષેપણ થવાના સંજોગો હેઠળ પ્રક્રિયાઓ થાય તો રાસાયણિક નિક્ષેપ બની શકે છે; આ પ્રકારનું અવક્ષેપણ અકાર્બનિક હોઈ શકે અથવા મૃદુશરીરી પ્રાણીઓનાં કવચમાંથી પણ જીવરાસાયણિક નિક્ષેપો જામી શકે. ઘણાંખરાં અપૃષ્ઠવંશી પ્રાણીઓ સમુદ્રજળમાંથી કૅલ્શિયમ કાર્બોનેટ શોષીને પોતાનાં રક્ષણ-કવચ તૈયાર કરતાં હોય છે, તેમના મૃત્યુ બાદ કવચજથ્થાના એકત્રીકરણથી આવો નિક્ષેપ તૈયાર થતો હોય છે. સમુદ્રતળના કેટલાક વિસ્તારોમાં ખૂબ જ સૂક્ષ્મ કૅલ્શિયમ કાર્બોનેટનો પંક જમા થયેલો જોવા મળે છે, જે ઘનિષ્ઠ બનતાં સૂક્ષ્મદાણાદાર સખત ચૂનાખડકમાં પરિણમે છે; જોકે આ પ્રકારના પંકની ઉત્પત્તિ માટે વિવાદ પ્રવર્તે છે. કેટલાક તે અકાર્બનિક અવક્ષેપ હોવાનો દાવો કરે છે, તો બીજા તે જીવજન્ય હોવાનું જણાવે છે; કહે છે કે તે નાનાં કવચોનાં દળાયેલાં સ્વરૂપો છે અને ઉમેરે છે કે તેમાં કૅલ્શિયમ કાર્બોનેટના સ્ફટિકમય સ્વરૂપ ઍરેગોનાઇટની સોયોની હાજરી હોય છે જે ભૂરા-લીલા રંગની લીલ દ્વારા થયેલા સ્રાવમાંથી તૈયાર થાય છે. પ્રવાળ-ખડકો અને લીલના ખરાબા સાથે એક પ્રકારનો કૅલ્શિયમ કાર્બોનેટ નિક્ષેપ પણ સંકળાયેલો જોવા મળે છે. ગ્લૉબિજરીના સ્યંદન અને ટેરપૉડ સ્યંદન એ પ્રાણીઓનાં કવચમાંથી બનેલો ઊંડા જળનો કૅલ્શિયમ કાર્બોનેટ નિક્ષેપ છે. મધ્યમ ઊંડાઈવાળા સમુદ્રજળનાં પ્રાણીઓ પાણીમાં તરતાં રહેતાં હોય છે; પરંતુ તેમના મૃત્યુ બાદ તે તળિયે જમા થાય છે. ચૉકખડકો આ રીતે જમાવટ પામેલો ખડકપ્રકાર ગણાય.
આ બધા જ પ્રકારના કૅલ્શિયમ કાર્બોનેટ નિક્ષેપો એક કે બીજા જીવનસ્વરૂપને કારણે બનતા હોવાથી તેમને જીવરાસાયણિક નિક્ષેપો તરીકે ઓળખાવાય છે. જુઓ જીવજન્ય નિક્ષેપો.
ગિરીશભાઈ પંડ્યા