જૈમિનિ ભારત : કન્નડનો લોકપ્રિય ગ્રંથ. તેના આધારે કેટલાય યક્ષગાન પ્રસંગો રચાયા છે. મૂળ સંસ્કૃત ‘જૈમિનિ ભારત’નો સંગ્રહાનુવાદ છે. મૂળ સંસ્કૃતમાં 68 અધ્યાયોમાં વર્ણવાયેલું કાવ્ય કન્નડમાં 35 સંધિઓમાં સંગૃહીત છે. કન્નડ ‘જૈમિનિ ભારત’ના રચયિતા લક્ષ્મીશે કથાના નિરૂપણમાં મોટે ભાગે મૂળનું અનુસરણ જ કર્યું છે. પણ સંગ્રહ કરવામાં જ એમની પ્રતિભાનો પરિચય થાય છે. મૂળ ગ્રંથમાં ધાર્મિક મહત્વના પણ કાવ્યબંધ માટે અનાવશ્યક જે જે અંશો હતા તે બધા લક્ષ્મીશે અનુવાદમાં છોડી દીધા છે. તેને સ્થાને નવાં પ્રસંગોચિત વર્ણનો મૂક્યાં છે.
કન્નડ ‘જૈમિનિ ભારત’માં વીર, શૃંગાર અને ખાસ કરી ભક્તિરસ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. મૂળના પુરાણપ્રધાન કથનનું સ્થાન કાવ્યપ્રધાન અંશોએ લઈ લીધું છે. શૃંગારનાયિકા પ્રભાવતી, વિપરીત સ્વભાવવાળી ચંડી, હઠીલી જ્વાલા વગેરે સ્ત્રીપાત્રોના ચિત્રણમાં કવિએ પોતાની પ્રતિભા બતાવી છે.
આ કાવ્ય વાર્ધિક ષટ્પદીમાં રચાયું છે. તે છંદોથી યુક્ત પ્રૌઢ શૈલીનું છે, પણ તેમાં સહજતા છે. વિવિધ પ્રકારના પ્રાસાનુપ્રાસ, શ્લેષ, શબ્દ-ચમત્કાર આદિને લીધે કાવ્ય અત્યંત આકર્ષક થયું છે. અહીંતહીં લાગે કે વર્ણન બહુ લાંબાં થઈ ગયાં છે, ખાસ કરી શૃંગાર અને યુદ્ધનાં વર્ણન.
‘જૈમિનિ ભારત’નાં પાત્રોને 2 ભાગમાં વહેંચી શકાય : (i) મૂળ મહાભારતના પાંડવો અને (ii) અશ્વને બાંધી પોતાનું પરાક્રમ અને સાથે સાથે કૃષ્ણભક્તિ બતાવનાર રાજાઓનો વર્ગ. કાવ્યમાં પ્રસંગવશ આવનારી સીતાનું ચિત્રણ અસામાન્ય છે.
લક્ષ્મીશના કાવ્યનો ઉદ્દેશ હતો શ્રીકૃષ્ણના મહિમાનું વર્ણન કરવું. કવિએ પોતે જ કહ્યું છે કે આ ‘કૃષ્ણચરિતામૃત’ તથા ‘પુણ્યદાયક’ છે. આ કાવ્યમાં ચિત્રિત બધાય વીર પુરુષો કૃષ્ણભક્ત છે. ભાગવત સંપ્રદાયના કવિ હોવાના હિસાબે લક્ષ્મીશે આમાં ભક્તિને જ પ્રાધાન્ય આપ્યું છે. વાસ્તવમાં ‘જૈમિનિ ભારત’ એક કથા નહિ પણ કથાઓની માળા છે.
લોકપ્રિયતાની ર્દષ્ટિએ તે કુમાર વ્યાસના મહાભારત પછીનું સ્થાન પામે છે અને અત્યારે પણ કર્ણાટકના ગામે ગામે આ કાવ્ય ગવાય છે.
એચ. એસ. પાર્વતી
અનુ. નટવરલાલ યાજ્ઞિક