મહેતા, ભાનુસુખરામ નિર્ગુણરામ (જ. 1 જૂન, 1867; અ. 20 જાન્યુઆરી, 1948) : ગુજરાતી સાહિત્યના ક્ષેત્રે ચરિત્રકાર અને સંપાદક. વડનગરા નાગર ગૃહસ્થ પરિવારમાં જન્મ. વતન સૂરત. બાલ્યકાળમાં જ પિતાની છત્રછાયા ગુમાવતાં મોસાળમાં ઉછેર. તેઓ વડોદરા કૉલેજમાંથી ઍગ્રિકલ્ચરની પહેલી પરીક્ષામાં ઉત્તીર્ણ; પછી અભ્યાસ છોડી દીધો. માતાનું અવસાન થતાં 1891માં જામનગરની હાઈસ્કૂલમાં શિક્ષક. તે પછી રાજકોટની રાજકુમાર કૉલેજમાં 1904 સુધી; ત્યારબાદ રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં વિજ્ઞાનશિક્ષક. ત્યાંથી છોટાઉદેપુરના રાજાના અંગત મંત્રી. પણ ત્યાં હવામાન અનુકૂળ ન લાગતાં પાછા રાજકોટમાં આવી મિડલ સ્કૂલના હેડમાસ્તર બન્યા. પછીથી ધ્રાંગધ્રા રાજ્યમાં ગયેલા. 1914માં કાઠિયાવાડ છોડીને તેઓ સૂરત ગયા. પછી વડોદરામાં રહીને વિવિધ સાહિત્યપ્રવૃત્તિઓ કરવા માંડી. તેમણે વડોદરામાં રહી થોડો સમય ‘ચંદ્રપ્રકાશ’ નામનું માસિક ચલાવ્યું. છેલ્લે દેવગઢબારિયાની રણજિતસિંહ હાઈસ્કૂલમાં હેડમાસ્તર. એમણે શૈક્ષણિક પાઠ્યપુસ્તકોમાં વિજ્ઞાનના પાઠો લખેલા. એમની સાહિત્યપ્રવૃત્તિના પ્રેરક રમણભાઈ નીલકંઠ હતા.
વિજ્ઞાન ભાનુસુખરામનો પ્રિય વિષય હતો. તેને લગતાં અનેક સંદર્ભ-પુસ્તકો એમણે લખ્યાં છે. એમાં ‘સામાન્ય પદાર્થજ્ઞાન’, ‘ઉષ્ણતા’, ‘પદાર્થવિજ્ઞાન’, ‘ભૌતિકશાસ્ત્ર અને આરોગ્યવિજ્ઞાન’, ‘પ્રાણીસૃષ્ટિ’ ઇત્યાદિનો સમાવેશ થાય છે. વિજ્ઞાન સાથે ‘જગતની ભૂગોળ’, ‘દરિયાકાંઠો’, ‘ઋતુના રંગ’ જેવાં ભૂગોળને લગતાં પુસ્તકો પણ પ્રસિદ્ધ કર્યાં હતાં. આ પ્રવૃત્તિમાં એમની શૈક્ષણિક ર્દષ્ટિ છતી થાય છે. 1925માં એમણે ‘આયુર્વેદનો સંક્ષિપ્ત ઇતિહાસ’ પ્રસિદ્ધ કર્યો. ‘ધ મૉડર્ન ગુજરાતી ઇંગ્લિશ ડિક્શનરી’ એ એમનું તે સમયનું ઉત્તમ કાર્ય હતું. એ જ રીતે ‘શ્રી સયાજી વૈજ્ઞાનિક શબ્દસંગ્રહ’નું નિર્માણ એ બીજું મહત્ત્વનું કાર્ય હતું.
મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એમના અભ્યાસનો વિષય હતો. આથી 1908માં તેમણે તેમના પ્રિય કવિ પ્રેમાનંદની કેટલીક રચનાઓનું સંપાદન ‘પ્રેમાનંદની પ્રસાદી’–એ નામે કર્યું. તે પછી પ્રેમાનંદનાં ‘સભાપર્વ’, ‘મામેરું’, ‘ભીષ્મપર્વ’, ‘રણયજ્ઞ’ ઇત્યાદિનાં અલગ સ્વતંત્ર સંપાદનો પણ એમણે કર્યાં. પ્રેમાનંદની કવિતા ઉપરાંત અન્ય તત્કાલીન કવિતા પ્રત્યેના ખેંચાણે એમણે અન્ય મધ્યકાલીન રચનાઓનાં પણ અનેક શ્રદ્ધેય સંપાદનો કર્યાં હતાં. એમાં ભાલણકૃત ‘ધ્રુવાખ્યાન’ અને વિષ્ણુદાસકૃત ‘સભાપર્વ’, ‘નળાખ્યાન’, ‘કુંવરબાઈનું મામેરું’ અને ‘હૂંડી’નો સમાવેશ થાય છે. પ્રાચીન ગુજરાતી કાવ્યકૃતિઓનું સંપાદન કરીને ભાનુસુખરામ મહેતાએ અનુગામી સંપાદકો, સંશોધકો માટે એક કેડી તૈયાર કરી આપી હતી.
મધ્યકાલીન ગુજરાતી કાવ્યકૃતિઓના સંપાદન સાથે, કેટલાક કવિઓનાં જીવનચરિત્ર પણ સંશોધન કરીને તૈયાર કર્યાં. તેમાં ‘પ્રેમાનંદ’, ‘મીરાંબાઈ’ અને ‘વિષ્ણુદાસ’નો સમાવેશ થાય છે. સુધારકયુગના મહીપતરામનું જીવનચરિત્ર પણ એમણે આપ્યું છે. પોતાના વતન સૂરત વિશે પણ એક પુસ્તક તેમણે પ્રકાશિત કર્યું હતું.
પ્રફુલ્લ રાવલ