આંબાહળદર : એકદળી વર્ગમાં આવેલા સાઇટેમિનેસી કુળના ઝિન્જીબરેસી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Curcuma amada Roxb. syn. C. aromatica Salish (સં. વનહરિદ્રા, આમ્લનિશા, આમ્રનિશા, આમ્રગંધા; મ. રાનહળદ; હિં. જંગલી હલ્દી, આંબીહલ્દી, વનહલ્દી; બં. વનુહલુદ; ત. કસ્તૂરમંજલ; તે. કસ્તૂરી પસુળુ; અં. વાઇલ્ડ ટર્મેરિક, કોચીન ટર્મેરિક) છે. હળદર તેની એક જુદી જ જાતિ (C. longa Linn.) છે. ગાંઠામૂળી કાચી કેરી જેવી વાસ ધરાવતી હોવાથી તેને આંબાહળદર કહે છે.
તે એક વિશાળ, બહુવર્ષાયુ વનસ્પતિ છે. તેનું પ્રકાંડ ભૂમિગત ગાંઠામૂળી (rhizome) પ્રકારનું, પંજાની જેમ શાખિત અને સુગંધિત હોય છે. સામાન્ય હળદર કરતાં તેની ગાંઠામૂળી મોટી અને કઠણ હોય છે. તે અંદરની બાજુએથી આછા પીળા રંગની કે સફેદ હોય છે. પર્ણ સાદાં અને મોટા પર્ણદંડવાળાં હોય છે. પર્ણપત્ર (leaf lamina) વિવિધરંગી હોય છે. પુષ્પનિર્માણની ક્રિયા એપ્રિલ-મેમાં થાય છે. પુષ્પવિન્યાસ શુકી (spike) પ્રકારનો હોય છે. નિપત્ર (bract) નીચેની બાજુથી વળેલાં, ઉપરની સપાટીએથી લીલાં અને નીચેની સપાટીએથી રાતાં હોય છે. બાહ્યપરિદલચક્ર અને અંત:પરિદલચક્ર ત્રણ ત્રણ પરિદલપત્રોનું બનેલું હોય છે. અંત:પરિદલચક્ર યુક્ત અને ગુલાબી રંગનું હોય છે. પુંકેસર ફક્ત એક જ ફળાઉ અને બાકીનાં વંધ્ય ઓષ્ઠક (labellum) સ્વરૂપે જોવા મળે છે. આંબાહળદરની બીજી બે જાતિઓ ગુજરાતમાં મળે છે. C. indora Blatt. કચ્છ સિવાય આખા ગુજરાતમાં છાયાવાળી જગાઓમાં અને C. pseudomontana Grah. પાવાગઢ પાસે માચીના ડુંગરાળ પ્રદેશોમાં મળે છે. તેની જાળવણી જરૂરી છે. તે બંગાળ, કોંકણ અને પહાડી વિસ્તારોમાં થાય છે.
સામાન્ય હળદરની જેમ આંબાહળદર મસાલાના ઉપયોગમાં આવતી નથી. બંગાળવાળી આંબાહળદર દીપન અને વાતહર છે. આયુર્વેદ અનુસાર, તેના ગુણો હળદર જેવા છે. તે કડવી, ખાટી, રુચિપ્રદ, લઘુ, અગ્નિદીપક, ઉષ્ણ, તૂરી અને સારક છે તેમજ કફ, ઉગ્ર વ્રણ, ઉધરસ, રક્તદોષ, દમ, હેડકી, તાવ, સન્નિપાતજ્વર, શૂળ, વાયુ, કંડૂ (ખાજ) અને મુખરોગનો નાશ કરે છે. ઠેસ વાગી પડવાથી, લોહી ગંઠાયા ઉપર, શીતળાથી શરીર ઉપર ચાઠાં ઊઠે છે તે ઉપર, બાળકના જન્મ પછી 10થી 15 દિવસની અંદર તેના અંગ ઉપર ફોલ્લા ફૂટે ત્યારે તેમજ ખસ અને કૃમિ થાય ત્યારે ઉપયોગમાં લેવાય છે.
ચંદ્રકુમાર કાંતિલાલ શાહ
શોભન વસાણી