મહેતા, તારક જનુભાઈ (જયેન્દ્ર રાય)

January, 2002

મહેતા, તારક જનુભાઈ (જયેન્દ્ર રાય) (જ. 26 ડિસેમ્બર 1929, અમદાવાદ) : ગુજરાતી નાટ્યકાર અને હાસ્યલેખક. 1958માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે એમ. એ. ફિલ્મક્ષેત્રમાં પગપેસારો શક્ય ન બનતાં નાટ્યલેખન શરૂ કર્યું. સમાંતરે ભારત સરકારના ફિલ્મ્સ ડિવિઝનમાં 1960થી ’86માં નિવૃત્તિ સુધી (પ્રથમ વર્ગના રાજ્યપત્રિત) કૉમેન્ટરીલેખક તરીકે સેવા આપી.

તારક જનુભાઈ મહેતા

1971થી ‘ચિત્રલેખા’ સાપ્તાહિકમાં પ્રગટ થતી તેમની નિયત પાત્રસૃષ્ટિને કેન્દ્રમાં રાખીને લખાતી લેખમાળા ‘દુનિયાને ઊંધાં ચશ્માં’-એ દેશ-વિદેશમાં અપાર લોકચાહના અપાવી. તેમનાં આ લખાણોમાં વાર્તાત્મકતા અને નાટ્યાત્મકતાના સંમિશ્રિત અંશો એકરસ થયેલા હોવાને કારણે હાસ્યસાહિત્યનું નવું જ સ્વરૂપ પ્રગટ થયું. સામાન્ય જનસમાજના માનસની અચ્છી જાણકારી અને લોકોની પોતાની ભાષામાં લેખન એ તેમનો વિશેષ રહ્યો છે. એ સાથે તેઓ એમાં પ્રસંગોપાત્ત, પોતાના દેશ-વિદેશના પ્રવાસમાં આવતાં સ્થળોનાં વર્ણનો અને હળવા અનુભવોને પણ સાંકળી લેતા હોવાથી લખાણોની વિશ્વસનીયતા ર્દઢ થાય છે.

તેઓ મૂળભૂત રીતે તો સર્જનાત્મક નાટ્યલેખક અને વાર્તાકાર છે. એનો સીધો ઉન્મેષ એમના લેખોમાં અનુભવાય છે.

એમનાં લખેલાં કુલ 5 મૌલિક નાટકોમાંથી ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ પ્રહસનને ગુજરાત-મહારાષ્ટ્રની સરકારો તરફથી અભિનય, નિર્દેશન તેમજ લેખનનાં કુલ 14 જેટલાં પારિતોષિકો મળ્યાં છે. એ ઉપરાંતનાં બીજાં 4 નાટકો તે ‘પશુમાં પડી એક તકરાર’, ‘એક મૂરખને એવી ટેવ’, મહર્ષિ અરવિંદનાં જીવન અને તત્વજ્ઞાન પર આધારિત એકમાત્ર ગુજરાતી ત્રિઅંકી નાટક ‘નવું આકાશ, નવી ધરતી’ અને ‘તરણા ઓથે ડુંગર’ છે. આ પૈકી 4 ત્રિઅંકી નાટકો મરાઠીમાં અનૂદિત થઈને ભજવાયાં છે. વળી એમણે ‘સપ્તપદી’, ‘મોસમ છલકે’, ‘હૅલો ઇન્સ્પેક્ટર’, ‘જૂઠ બોલે કૌવા કાટે’, ‘સખા સહિયારા’, ‘અમે, તમે ને રતનિયો’ સહિત કુલ 40 જેટલાં નાટ્યરૂપાંતરો આપ્યાં છે અને તેમાંનાં અનેક ઇન્ડિયન નૅશનલ થિયેટરે (આઇ. એન. ટી.) ભજવ્યાં છે. વીસેક જેટલાં એકાંકી એમણે લખ્યાં છે. એમની હાસ્યલેખો પર આધારિત ટેલિવિઝન શ્રેણીઓમાં મુખ્યત્વે ‘સાસુજીના અખતરા’ અને ‘જૂઠણ જરીવાલા’ રહસ્યકથા પર આધારિત ‘દહેશત’ ઘણી જ લોકચાહના પામી હતી. 45 જેટલી હાસ્ય-વાર્તાઓનું સર્જન તેમણે કર્યું છે અને એમાં ‘તારક-તરંગ’, ‘વાર્તાવિનોદ’, ‘રિટર્ન ટિકિટ’ ધ્યાનાર્હ છે. ‘મોટા ઘરની દીકરી’ કે ‘કરો કંકુના’ (નવનીત સેવક સાથે) જેવી ફિલ્મો તો ‘લાખો ફૂલાણી’ જેવી ગુજરાતી ફિલ્મોનાં હાસ્ય-ર્દશ્યો તેમણે લખ્યાં છે. નોકરીની રૂએ વર્ણનાત્મક દસ્તાવેજી સ્ક્રિપ્ટો તો તેમણે અનેક લખી છે. ‘ઍક્શન રિપ્લે’ શીર્ષકની તેમની બે ભાગમાં પ્રકટ થયેલી આત્મકથા, તેમાં વર્ણવેલા નિખાલસ અને નિર્ભીક પ્રસંગોને કારણે ભારે ચર્ચાસ્પદ બની હતી.

આઇ. એન. ટી., નાટ્યસંસ્થા સાથે તેઓ 1956થી 1980ની સાલ સુધી પ્રથમ અભિનેતા, પછી લેખક અને તે પછી અભિનેતા-દિગ્દર્શક તરીકે સંકળાયેલા રહ્યા. એ રીતે તેમનું નાટ્યક્ષેત્રે નક્કર અને કીમતી પ્રદાન રહ્યું.

ચાલીસેક જેટલાં હાસ્યપ્રધાન પુસ્તકોના લેખક રહેલા તારક મહેતાને વિવિધ પુસ્તકો માટે ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત સરકાર તરફથી 6 જેટલાં પારિતોષિકો મળ્યાં છે.

છેલ્લા કેટલાક સમયથી કાયમ માટે મુંબઈ છોડી મૂળ વતન અમદાવાદમાં સ્થાયી થયા છે.

રજનીકુમાર પંડ્યા