મહુડો : દ્વિદળી વર્ગમાં આવેલા સેપોટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Madhuca indica J. F. Gmel. syn. M. latifolia Mach; Bassia latifolia Roxb. (સં. મધુક; હિં. મહુવા, મોહવા; બં. મૌલ; મ. મોહાંચા વૃક્ષ; ગુ. મહુડો; તે. ઇપ્પા; ત. મધુકં, એલુપા; મલ. ઇરૂપ્પા, પૂનમ; સાંથાલ-માતકોમ; અં. બટર ટ્રી, ઇલુપાટ્રો) છે. આ પ્રજાતિનાં સહસભ્યોમાં ચીકુ અને બોરસલીનો સમાવેશ થાય છે. તે ભારતના લગભગ બધા મેદાની પ્રદેશોમાં અને 1,200 મી.ની ઊંચાઈ સુધીનાં નીચલાં પહાડી ક્ષેત્રોમાં ઊગે છે. તે દક્ષિણ ભારત અને હિમાલયની તળેટીમાં વધારે પ્રમાણમાં થાય છે. કેટલાંક વનમાં તો આ પ્રજાતિનાં વૃક્ષ વધારે પ્રમાણમાં જોવા મળે છે. ગુજરાતમાં રાજપીપળા, દાહોદ, ડાંગ અને વલસાડના વિસ્તારોમાં તે થાય છે. ભારતમાં તેની સાત જેટલી જાતિઓ થાય છે, જેમાંની 5 જાતિઓ M. indica J. F. Gmel; M. longifolia (Koenig) Mach.; M. malabarica Parker; M. bourdillonii (Gamble) H. J. Lam અને M. (butyracea) ખૂબ જ પ્રચલિત છે. M. caloneura અને M. lobbii ઓછી જાણીતી જાતિઓ છે. જોકે M. indica અને M. longifoliaને હવે નવા નામકરણ પ્રમાણે M. longifolia ગણવામાં આવે છે તથા ઉપર્યુક્ત બંને જાતિઓને તેની var. latifolia અને var. longifoliaમાં વર્ગીકૃત કરવામાં આવી છે.
તે સદાહરિત મોટું બહુશાખિત ઘટાદાર વૃક્ષ-સ્વરૂપ ધરાવે છે. તેના તમામ ભાગો ક્ષીર ધરાવે છે. તેની છાલ જાડી ભૂખરીથી માંડી ઘેરી બદામી અને શલ્કી હોય છે. તેના પુખ્ત ભાગો ગુલાબી-સફેદ હોય છે. પર્ણો શાખાના છેડે સમૂહમાં ગોઠવાયેલાં, રેખીય-ભાલાકાર (linear-lanceolate), 7.5 સેમી.થી 12.5 સેમી. લાંબાં અને 2.5 સેમી.થી 4.5 સેમી. પહોળાં અને પરિપક્વતાએ અરોમિલ (glabrous) હોય છે. પુષ્પો શાખાના છેડે સમૂહોમાં ઉદભવે છે. વજ્રપત્રો નાનાં, રાતાં, રોમિલ અને બે ચક્રમાં ગોઠવાયેલાં હોય છે. પ્રત્યેક ચક્રમાં બે વજ્રપત્રો હોય છે. દલપત્રો 8, માંસલ, પીળાં, કુંભાકાર (urceolate) અથવા અંડ-ભાલાકાર (ovate-lanceolate), સુગંધીદાર, એકચક્રીય, યુક્ત અને શીઘ્રપાતી (coducous) હોય છે. પુંકેસરો 24થી 26, દલપુંજનલિકા સાથે જોડાયેલાં અને ત્રિચક્રીય હોય છે. બીજાશય રાતા રોમ વડે આવરિત હોય છે. ફળ અનષ્ઠિલ (berry) પ્રકારનું, અંડાકાર, લગભગ 5.0 સેમી. લાંબું અને ચકચકિત પીળું હોય છે. બીજ સામાન્યત: એક કે બે અને ચપટાં હોય છે.
મહુડો સામાન્ય રીતે શુષ્કતા તથા હિમનો સહિષ્ણુ છે; પરંતુ તીવ્ર પરિસ્થિતિમાં તેને નુકસાન પહોંચે છે. તે વધારે પ્રકાશમાં સારી રીતે થાય છે અને છાંયડામાં તેની વૃદ્ધિ અવરોધાય છે. તે બધા જ પ્રકારની ગોરાડુ (loamy) જમીનમાં થાય છે. તેને અતિશય વરસાદની અસર થતી નથી અને જલાક્રાન્ત (waterlogged) ભૂમિમાં પણ થાય છે. હરણ અને ઢોર તેના નાના છોડનાં પર્ણો ચરે છે. શુષ્ક ઋતુમાં કાપણી કરવાથી તેની ઝાડી (coppice) સારી બને છે. મધ્ય ભારતમાં લૉરેન્થેસી કુળના પરોપજીવીઓ દ્વારા તેના વૃક્ષને નુકસાન થાય છે.
તેનું નૈસર્ગિક પ્રસર્જન બીજ દ્વારા થાય છે. તેનું કૃત્રિમ પ્રસર્જન સીધેસીધાં બીજ ઉગાડીને કે ક્યારીઓમાં તેના રોપ તૈયાર કરીને કરવામાં આવે છે. બીજને જુલાઈ-ઑગસ્ટમાં વાવવામાં આવે છે.
મહુડાને ગેરુ [Scopella echinulata (Niessl) Mains syn. Uromyces echinulatus Niessl.], સફેદ પોચો સડો (Polystictus steinhelianus Berk. & Lev), થડનો અંદરનો સડો [Fomes caryophylli (Racib.) Bres] અને મૂળ તથા થડનો સડો (Polyporus gilvus Schw.) જેવા રોગો લાગુ પડે છે.
Achea janata Linn., Anuga multiplicans wlk., Bombotelia nugatrix Guen, Metanastria hyrtaca Cram. અને Rhodoneuraની કેટલીક જાતિઓની ઇયળો મહુડાનાં પર્ણો ખાઈ જાય છે. Acrocercopsની બે જાતિઓ પર્ણોને કોતરીને ડાઘ ઉત્પન્ન કરે છે. તાજાં કાપેલાં વૃક્ષ અને લીલાં લાકડાં ઉપર Xyleborus spp. અને Polygraphus bassiae Beeson. જેવાં વેધકો (borer) દ્વારા આક્રમણ થાય છે. ઊધઈ (Odontotermes obesus Ramb.) અને છાલવેધક (Xyloctonus scolytoides Eichh.) છાલનો નાશ કરે છે. Schistoceros anobioides waterh. અને Xylocis tortilicornis Lesne. જેવાં વેધકો દ્વારા મૃત વૃક્ષના રસકાષ્ઠને નુકસાન પહોંચે છે. મહુડા પર Unaspis acuminata Green. નામનું રસચૂષક (sap sucker) આક્રમણ કરે છે.
મહુડાનાં તાજાં બીજમાં ઍસિડમૂલ્ય લગભગ 3.5 જેટલું તેમજ જૂના અને ખરાબ રીતે સંગ્રહેલાં બીજમાં 60 જેટલું ઊંચું હોય છે. યોગ્ય રીતે સંગ્રહેલાં બીજમાંથી કાઢવામાં આવેલું તેલ પીળા રંગનું હોય છે અને તેનો સ્વાદ ખરાબ હોતો નથી. ભારતમાં વર્ષના મોટાભાગના સમયમાં તે પ્રવાહી સ્થિતિમાં રહે છે અને શિયાળામાં માખણ જેવા ઘન સ્વરૂપમાં ફેરવાય છે. ગુજરાતમાં મહુડાના તેલના બંધારણમાં રહેલા ફૅટી ઍસિડનું પ્રમાણ આ પ્રમાણે છે : મિરિસ્ટિક 16.3 %, પામિટિક 27.1 %, સ્ટિયરિક 2.0 % ઍરેકિડિક ઑલિક 41.05 % અને લિનોલિક 13.6 %.
મહુડાના તેલનો ઉપયોગ મુખ્યત્વે ધોવાના સાબુ બનાવવામાં થાય છે. તેના તેલમાંથી બનાવેલ સાબુ સંગ્રહ દરમિયાન બગડી જતા હોય છે, કારણ કે અસાબુનીકારકીય (unsaponifiable) દ્રવ્યમાં ઉપચયનીય (oxidisable) ઘટકોની હાજરી હોય છે. તેથી મહુડાના તેલનો નાહવાના સાબુના ઉત્પાદનમાં ઉપયોગ કરવામાં આવતો નથી, છતાં તેનો ઉપયોગ કરવો હોય તો યોગ્ય પ્રતિ-ઉપચાયક (anti-oxidant) દ્વારા તેનું રક્ષણ કરવું જોઈએ. સાબુનીકરણ (saponification) પૂર્વે તેલને બાષ્પની ચિકિત્સા આપવામાં આવે અને પ્રક્રમણ (processing) દરમિયાન ગમ બેન્ઝોઇન અને તમાકુ અથવા લવિંગનો નિષ્કર્ષ ઉમેરવામાં આવે તો તેલ ઊંચી ગુણવત્તાવાળા સાબુના ઉત્પાદનમાં વાપરી શકાય છે. કેટલાક ગ્રામીણ પ્રદેશોમાં મહુડાના તેલનો રાંધવામાં ઉપયોગ થાય છે.
પરિષ્કૃત (refined) તેલનો ઊંજક (lubricating), ગ્રીઝ અને ફૅટી આલ્કોહૉલ બનાવવામાં ઉપયોગ થાય છે. તેલનો ઉપયોગ મીણબત્તીઓ બનાવવા, શણ-ઉદ્યોગમાં ગણન (batching) તેલ તરીકે અને સ્ટિયરિક ઍસિડના ઉત્પાદનમાં કાચા માલ તરીકે થાય છે.
મહુડાનું તેલ પ્રશામક (emollient) ગુણધર્મો ધરાવે છે અને ત્વચાના રોગો, સંધિવા અને માથાના દુખાવામાં ઉપયોગી છે. તે રેચક હોવાથી કબજિયાત અને મસામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. બીજ સ્તન્યવર્ધક (galactagogue) છે.
ફળના તેલને ડોળિયું કહે છે. તે દીવા સળગાવવાના કામમાં આવે છે. કેટલાક વેપારીઓ તેને ઘી સાથે મિશ્ર કરે છે. તે ઘીમાં મળી જાય છે અને તેના જેવું જ કણીદાર દેખાય છે.
મહુડાના ખોળમાં ભેજ 7.2 %થી 11.1 %; તેલ 8.0 %થી 13.3 %; પ્રોટીન 15.0 %થી 17.4 %; કાર્બોદિતો 48.7 %થી 54.6 %; રેસો 5.3 %થી 5.9 % અને ભસ્મ 6.4 %થી 6.8 % હોય છે. તે 4.6 % જેટલું ઝેરી અને કડવું માઉરિન નામનું સૅપોનિન ધરાવે છે. સૅપોનિનની હાજરીને કારણે ખોળ પશુ-ખોરાક માટે અયોગ્ય ગણાય છે. તેનો ખોળ ખાતર તરીકે એકલો અથવા અન્ય ખોળ અને એમોનિયમ સલ્ફેટ સાથે મિશ્ર કરી વપરાય છે. તે નાઇટ્રોજન (N) 2.5 %; ફૉસ્ફરસ (P2O5) 0.97 % અને પોટૅશિયમ (K2O) 2.15 % ધરાવે છે. સૅપોનિનની હાજરી જમીનમાં ઝડપી નાઇટ્રીકરણ (nitrification) અટકાવે છે. તેથી અન્ય બીજના ખોળના સામાન્ય સમય કરતાં થોડાંક અઠવાડિયાં પહેલાં મહુડાનો ખોળ જમીનમાં આપવામાં આવે છે. મહુડાનો ખોળ કીટનાશક (insecticidal) અને મત્સ્યનાશક (piscicidal) ગુણધર્મો ધરાવે છે. અળસિયાના ઉપદ્રવ સામે તેના ખોળમાં રહેલા સેપૉનિનની ખાસ પ્રક્રિયાને કારણે લૉન, ગોલ્ફના મેદાન અને ટેનિસ-કૉર્ટમાં વાપરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં શિકાકાઈ(Acacia concinna)ની સાથે વાળ ધોવામાં તેનો ઉપયોગ થાય છે.
મહુડાના પુષ્પના માંસલ, આછા પીળાશ પડતા રંગના દલપુંજ (મહુડાં) માર્ચ અને એપ્રિલ દરમિયાન જમીન પર ખરી પડે છે. તે મહુડાંને એકઠાં કરી સ્વચ્છ કરવામાં આવે છે અને ત્યારપછી ખુલ્લામાં સૂકવવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન તે કદમાં સંકોચાય છે અને રતાશ પડતા બદામી રંગનાં બને છે. શુષ્કન(drying)ને પરિણામે તેની લાક્ષણિક સુગંધીમાં વધારો થાય છે. એક વૃક્ષ દ્વારા લગભગ 36 કિગ્રા.થી 72 કિગ્રા. મહુડાંનું ઉત્પાદન થાય છે.
આ મહુડાં શર્કરાઓ, પ્રજીવકો અને કૅલ્શિયમનો સારો સ્રોત ગણાય છે. એક નમૂનાનું રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : ભેજ 18.6 %; પ્રોટીન 4.4 %, લિપિડ 0.5 %, કુલ શર્કરાઓ 72.9 %, રેસો 1.7 % અને ભસ્મ 2.7 %. ખનિજ તત્વોનું પ્રમાણ : ફૉસ્ફરસ 140 મિગ્રા., કૅલ્શિયમ 140 મિગ્રા. અને લોહ 15 મિગ્રા/100 ગ્રા. હોય છે. તે મૅગ્નેશિયમ અને તાંબું ધરાવે છે. મહુડાંમાંથી મળી આવતી શર્કરાઓમાં સુક્રોઝ, માલ્ટોઝ, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ ઍરેબિનોઝ અને રહેમ્નોઝનો સમાવેશ થાય છે.
મહુડાંમાં પ્રજીવકો આ પ્રમાણે હોય છે : કૅરોટીન (પ્રજીવક ‘એ’ તરીકે) 39 આઇ. યુ.; એસ્કૉર્બિક ઍસિડ 7 મિગ્રા; થાયેમિન 32 માઇક્રોગ્રામ; રાઇબોફ્લેવિન 878 માઇક્રોગ્રામ અને નાયેસિન 5.2 મિગ્રા/100 ગ્રા. . તે ફૉલિક ઍસિડ, પૅન્ટોથેનિક ઍસિડ. બાયોટિન અને ઇનોસિટોલ ધરાવે છે. મહુડાંમાં ખરાબ સુગંધીવાળું એક બાષ્પશીલ તેલ, ઍન્થોસાયનિન, બીટાઇન, મૅલિક ઍસિડ અને સક્સિનિક ઍસિડના ક્ષારો હોય છે. તે કૅટાલેઝ, ઑક્સિડેઝ, ઇન્વર્ટેઝ, માલ્ટેઝ, ઍમાઇલેઝ અને ઇમલ્સિન નામના ઉત્સેચકો ધરાવે છે.
મહુડાનાં ફૂલ કાચાં અથવા રાંધીને તળીને કે પકવી(baking)ને ખાવામાં આવે છે. તેનાં ફૂલ નિસ્યંદિત મદ્યની બનાવટમાં વપરાય છે. તાજો બનાવેલો દારૂ જલદ, ધૂમિલ (smoky) અને દુર્ગંધવાળો હોય છે. પુન: નિસ્યંદિત અને કાળજીપૂર્વક બનાવાયેલો દારૂ સારી ગુણવત્તાવાળો હોય છે અને આઇરિશ વ્હિસ્કી સાથે ખૂબ સામ્ય ધરાવે છે. નવો ગાળેલો દારૂ ઝેરી હોય છે. તેનાથી હોજરીમાં બળતરા થાય છે. વ્યક્તિ વ્યાકુળ બને છે, નિદ્રા બગડે છે, માથું દુખે છે અને તાવ પણ આવી શકે છે : યોગ્ય માત્રામાં લેવાથી લાળરસ વધુ સ્રવે છે, જઠરની રક્તવાહિનીઓ પહોળી થાય છે. પાચકરસ વધે છે અને ખોરાક જલદી પચે છે. તે હૃદયનું પ્રત્યક્ષ પોષણ કરે છે. તે વધારે પ્રમાણમાં લેવાથી વિપરીત અસરો ઉત્પન્ન કરે છે.
તેનાં ફૂલોનો એસિટિક ઍસિડ અને ઍસિટોનના ઉત્પાદનમાં ઉપયોગ કરવામાં આવે છે. તેનાં ફૂલોનું ગરમ શરબત બનાવાય છે. તે સોનેરી પીળું હોય છે અને તાજાં ફૂલની સુગંધ ધરાવે છે, તે જામ, મીઠું માંસ અને મધની અવેજીમાં ઉપયોગમાં લેવાય છે. ફૂલોનો ઉપયોગ પશુ-ખોરાક તરીકે પણ થાય છે.
આયુર્વેદ અનુસાર મહુડાં મધુર, શીત, વાતુલ, વીર્યવર્ધક, પૌષ્ટિક, તૂરાં અને કડવાં છે અને કૃમિ, પિત્ત, દાહ, શ્રમ તથા વ્રણનો નાશ કરનાર છે. તેનાં ફૂલ મધુર, વૃષ્ય, હૃદ્ય, ધાતુવર્ધક, ગુરુ, સ્નિગ્ધ અને વિકાસી છે અને પિત્ત, દાહ અને વાયુનો નાશ કરનાર છે. તેનાં કાચાં ફળ શીત, શુક્રલ, ગુરુ, સ્નિગ્ધ, રસકાળે અને પાકકાળે મધુર, મલસ્તંભક, બલકર અને ધાતુવર્ધક છે અને રક્તરોગ, વાયુ, પિત્ત, દમ, તૃષા, ઉધરસ, ક્ષતક્ષય તથા રાજ્યક્ષ્માનો નાશ કરે છે.
તેનો ઉપયોગ અપસ્માર, ઉન્માદ, સન્નિપાત અને અપતંત્રક વાયુ ઉપર; કંઠ-સર્પ ઉપર; ધાતુ પુષ્ટ થઈ કામોત્તેજન થવા માટે અને સર્પના વિષ ઉપર થાય છે. તેનાં ફૂલ Escherichia coli સામે પ્રતિજીવાણુક (antibacterial) સક્રિયતા દર્શાવે છે. તેનાં ફૂલોમાંથી મળતું મધ ખાદ્ય છે અને આંખના રોગોમાં વપરાય છે.
મહુડાનું કાષ્ઠ ઇમારતી લાકડા તરીકે ઉપયોગી છે. તેનું રસકાષ્ઠ (sapwood) રતાશ પડતા સફેદથી માંડી બદામી સફેદ હોય છે; અંત:કાષ્ઠ (heart wood) આછા લાલ રંગથી માંડી રતાશ પડતું બદામી હોય છે. કાષ્ઠ સુરેખ (straight) અથવા છીછરું અંતર્ગ્રથિત (interlocked), કણીદાર (grained), બરછટ(coarse)થી માંડી સમ (even), ગઠિત (textured), ખૂબ મજબૂત, કઠોર અને ભારે [વિ. ગુ. 0.95થી 0.97; વજન 992.8 કિગ્રા./ઘમી.] હોય છે.
તે ઉચ્ચતાપસહ (refractory) હોય છે અને તેમાં તિરાડો કે ફાટ પડે છે. તે ટકાઉ હોય છે અને 10થી 15 વર્ષ સુધી સારું રહે છે. સાગના સંદર્ભમાં તેના ગુણધર્મોની ટકાવારી આ પ્રમાણે છે : વજન 135; પાટડા તરીકેનું સામર્થ્ય (strength) 75; પાટડા તરીકેની દુર્નમ્યતા 80; સ્તંભ તરીકેની ઉપયુક્તતા 75; આઘાત-અવરોધશક્તિ 100; આકારની જાળવણી 50; અપરૂપણ (shear) 120 અને કઠોરતા 165.
તેના કાષ્ઠનો ઉપયોગ પાટડાઓ, બારી-બારણાંનાં ચોકઠાં અને સ્તંભ બનાવવામાં થાય છે. તે રાચરચીલું, ગાડી, ખરાદીકામ, રમતગમતનાં અને સંગીતનાં સાધનો, તેલ અને ખાંડના દાબકો (presses), વહાણના બાંધકામમાં, હોડીઓ, પુલ અને કૂવાના બાંધકામમાં વપરાય છે. સારું સંશોષિત (seasoned) કાષ્ઠ કૃષિનાં સાધનો, રેલવે-સ્લીપરો, ઢોલ અને કોતરકામમાં ઉપયોગી થાય છે. તેનો બળતણ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે.
મહુડાનાં ફળો કાચાં કે રાંધીને ખાવામાં આવે છે. ગાય, ભેંસ, ઘેટાં, બકરાં, વાંદરાં અને પોપટ પણ આ ફળો ખાય છે. પાકા ફળનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 73.64 %; પ્રોટીન 1.37 %; લિપિડ (ઈથર-નિષ્કર્ષ) 1.61 %; કાર્બોદિતો 22.69 % અને ખનિજદ્રવ્ય 0.69 %; કૅલ્શિયમ 45 મિગ્રા.; ફૉસ્ફરસ 22 મિગ્રા; લોહ 1.1 મિગ્રા.; કૅરોટીન (પ્રજીવક ‘એ’ તરીકે) 512 આઇ. યુ. અને એસ્કૉર્બિક ઍસિડ 40.5 મિગ્રા/100 ગ્રા. ફળમાં ટૅનિનની હાજરી પણ હોય છે. ફળ પાકવાના સમયે તેમાં સ્ટાર્ચ પુષ્કળ હોય છે. ફળ તોડ્યા પછી બે કે ત્રણ દિવસમાં સ્ટાર્ચનું જલાપઘટન થઈ શર્કરાઓ ઉત્પન્ન કરે છે. ફળના માવામાં રહેલી શર્કરાનો સ્રોત આલ્કોહૉલીય આથવણ માટે ઉપયોગી છે. એક ટન શુષ્ક બીજરહિત ફળોમાંથી 130 લિટર જેટલો શુદ્ધ આલ્કોહૉલ મેળવી શકાય છે.
ફળના બાષ્પનિસ્યંદનથી 0.03 % જેટલું તેજાનાની સુગંધ ધરાવતું ચમકીલા પીળા રંગનું બાષ્પશીલ તેલ ઉત્પન્ન થાય છે.
છાલમાં કાપ મૂકવાથી સ્રવતા ક્ષીરરસની જમાવટથી ગટા પર્ચા સાથે સામ્ય ધરાવતી રબર જેવી નીપજ ઉત્પન્ન થાય છે. તેમાં કૂચુક (કાચું રબર) 12.2 %થી 19.9 %; રાળ 48.9 %થી 75.8 % અને અદ્રાવ્યો 11.9 %થી 38.9 % જેટલાં હોય છે. છાલમાં 17 % જેટલું ટૅનિન હોય છે અને તેનો ઉપયોગ રંગકામ તથા ચર્મશોધનમાં થાય છે. છાલનો ઉપયોગ સંધિવા, ચાંદાં, ખૂજલી, રક્તસ્રાવ, કાકડા અને મધુપ્રમેહમાં થાય છે. ઘોડાને હોજરીના દુખાવામાં તે ઉપયોગી છે.
યોગેશ ડબગર
ભાલચન્દ્ર હાથી
બળદેવભાઈ પટેલ