આંદામાન અને નિકોબાર ટાપુઓ : બંગાળના ઉપસાગરની દક્ષિણ પૂર્વમાં આવેલા ટાપુઓનો એક દ્વીપસમૂહ. તેના 3000 જેટલા ટાપુઓમાં 365 મુખ્ય છે. ભૌ. સ્થાન તે 120.00 ઉ. અ. અને 120 45´ પૂ. રે. આજુબાજુનો 8249 ચો. કિમી. જેટલો વિસ્તાર તે આવરી લે છે.
આ ટાપુસમૂહ ભારતના પૂર્વ કિનારાથી 1,200 કિમી. જેટલો દૂર છે. આ ટાપુઓનો વહીવટ મધ્યસ્થ સરકાર હસ્તક છે. મુખ્ય શહેર પૉર્ટ બ્લેર દક્ષિણ આંદામાનમાં આવેલું છે.
આંદામાન ટાપુઓ ઉપર ઉત્તર-દક્ષિણ સમાંતર રીતે નાનીમોટી પર્વતમાળાઓ આવેલી છે, જેનું સૌથી ઊંચું શિખર માઉન્ટ સેડલ 750 મીટર ઊંચાઈએ છે. આ ટાપુઓની કુલ જમીનના 85 % ભાગમાં ગીચ જંગલો આવેલાં છે.
ઇતિહાસ : આંદામાનના મૂળ વતનીઓ 19મી સદી સુધી તો આધુનિક વિશ્વની સંસ્કૃતિથી તદ્દન અજાણ હતા અને પથ્થરયુગની સંસ્કૃતિમાં જીવતા હતા. 19મી સદીમાં ગોરાઓના સંપર્કમાં આવ્યા ત્યારે તેમને ખેતી અને અગ્નિ અંગે જ્ઞાન મળ્યું. આદિવાસી પ્રજા વૃક્ષનાં ફળ અને મૂળિયાં તથા મચ્છી ખાઈ જીવન વિતાવતી હતી. તેમની આધુનિક ભાષા કોઈ ભાષાના વર્ગમાં આવી શકતી નથી. જંગલો સાફ કરીને થતી ખેતીમાં કઠોળ, સોપારી, નાળિયેર વગેરેનો પાક લેવાય છે. પૉર્ટ બ્લેરમાં બ્રિટિશ સરકારે મોટી જેલ બાંધી હતી, જ્યાં આજીવન કેદની સજાવાળા અને ભારતની સ્વાતંત્ર્યચળવળમાં ભાગ લેનાર અગ્રણી કેદીઓને રાખવામાં આવતા. વીર સાવરકર 1911થી 1937 સુધી પૉર્ટ બ્લેરમાં કેદી હતા. ત્યાં પહોંચવું ભારે મુશ્કેલ હોવાથી તે કાળાપાણીની સજા તરીકે પણ ઓળખાતી. ભારતીય સ્વાતંત્ર્ય-ચળવળના આ વીરો અંગ્રેજ સરકારની નજરે રાજ્યદ્રોહના ગુનેગારો હોવાથી તેમને આ સજા થતી. આ સેલ્યુલર જેલ પાસે ભારત સરકારે શહીદ સ્મારકનું નિર્માણ કર્યું છે.
હાલ ટાપુઓના વિકાસ માટે રસ્તાઓ બંધાય છે અને એકથી બીજા ટાપુ ઉપર જવા માટે સ્ટીમરની સુવિધા શરૂ થયેલી છે.
આ ટાપુસમૂહની વસ્તી 3,79,944 (2011) છે.
હેમન્તકુમાર શાહ