આંત્રાંકુરો (intestinal villi) : ખોરાકના પાચન અને શોષણ માટે વિસ્તાર વધારવા માટે નાના આંતરડાના અંદરના પડની નાની નાની ગડીઓ. નાના આંતરડામાં ત્રણ પ્રકારની ગડીઓ છે : મોટી ગડીઓ (plicae circularis), આંત્રાંકુરો અને અંકુરિકાઓ (microvilli). આ ત્રણ પ્રકારની ગડીઓ વડે 2.5 સેમી. વ્યાસવાળા 6.35 મીટર લાંબા નાના આંતરડાની અંદરની દીવાલનું ક્ષેત્રફળ આશરે ત્રણ લાખ તેર હજાર ચો.સેમી.માંથી વધીને વીસ કરોડ ચો.સેમી. થાય છે. આંતરડાનું અંદરનું પડ શ્લેષ્મકલા (mucosa), અવશ્લેષ્મકલા (submucosa) તથા સ્નાયુપડ (muscularis) – એમ ત્રણેય પડ કાયમી મોટી ગડીઓ બનાવે છે, જ્યારે આંત્રાંકુર ફક્ત શ્લેષ્મકલાની જ ગડીઓ બનાવે છે (આકૃતિ અ, આ). તેમની લંબાઈ 0.5થી 1 મિમી. જેટલી હોય છે અને તેમની સંખ્યા 40 લાખથી 50 લાખ જેટલી થાય છે. એક ચો. મિમી. જગ્યામાં 20થી 40 આંત્રાંકુરો આવેલા હોય છે. તેના કારણે નાના આંતરડાની અંદરની દીવાલ પક્વાશય (duodenum) જેવી લાગે છે. પક્વાશયમાં આંત્રાંકુરો પાન જેવા, મધ્યાંત્ર(jejunum)માં ગોળ તથા ઓછા અને અંતાંત્ર(ileum)માં તે ડમ્બેલ જેવા અને સંખ્યાબંધ હોય છે. આંત્રાંકુરનું બહારનું પડ અધિચ્છદ-(epithelium)ના સ્તંભકોષો(columnar cells)નું બનેલું છે. આ કોષોની આંતરડાના પોલાણ તરફની દીવાલ પીંછી (brush-border) જેવી હોય છે. તેના પર પીંછીના વાળ જેવી 0.1 માઇક્રો મિમી x 1.0 માઇક્રો મિમીના કદની અંકુરિકાઓ આવેલી હોય છે. અધિચ્છદ કેટલાક કોષો સ્તંભકોષોને બદલે કલશકોષો (goblet cells) હોય છે. આ કોષ શ્લેષ્મ(mucus)નું ઉત્પાદન કરે છે. સ્તંભકોષો પચેલા ખોરાકનું શોષણ કરે છે. આંત્રાંકુરોની મધ્યમાં ધમનિકા (arteriole), લઘુશિરા (venule) અને કેશવાહિનીઓથી બનાવેલું જાળું તથા લસિકાવાહિનિકા (lacteal) આવેલાં છે. મેદ (ચરબી) વગરનો શોષાયેલો ખોરાક કેશવાહિનીઓમાં તથા મેદવાળો શોષાયેલો ખોરાક લસિકાવાહિનિકાઓમાં પ્રસરણ (diffusion) દ્વારા પ્રવેશે છે. કેશવાહિનીમાંથી આહારનાં આ દ્રવ્યો નિવાહિકા શિરા (portal vein) દ્વારા યકૃતમાં થઈને રુધિરાભિસરણમાં પ્રવેશે છે. લસિકાવાહિનિકાઓમાંનો દૂધ જેવો શોષાયેલો આહાર વક્ષનલી (thoracic duct) દ્વારા સીધો રુધિરાભિસરણમાં પ્રવેશે છે.
આંત્રાંકુરમાં કેશવાહિનીઓ અને લસિકાવાહિનિકાની આસપાસ વર્તુળાકારે સ્નાયુતંતુઓ આવેલા છે. તેમના સંકોચન-શિથિલીકરણ-(contraction-relaxation)થી આંત્રાંકુરનાં આકાર અને કદ બદલાય છે તથા વાહિનીઓ નિચોવાઈ જાય છે અને તેમાંનો શોષાયેલો ખોરાક મોટી નસોમાં ઠલવાય છે. આંત્રાંકુરચાલક (villikinin) નામનો આંતરડાનો સ્થાનિક અંત:સ્રાવ (hormone) આંત્રાંકુરોને સંકોચે છે. ખોરાકની હાજરીથી થતી અન્ય ભૌતિક અને રાસાયણિક ક્રિયાઓ પણ આંત્રાંકુરોને સંકોચે છે અથવા શિથિલ કરે છે. આંત્રાંકુરો લોલકની જેમ ડોલે છે અને આ લોલકગતિ પચેલા ખોરાકના શોષણ માટે ઉપયોગી હોય છે. લોહીની ઊણપ કે ઑક્સિજનની ઊણપ થાય તો આંત્રાંકુરોનું સંકોચન થતું અટકે છે. આંત્રાંકુરના વિકારો અપશોષણ(malabsorption)ના વિકારો સર્જે છે.
શિલીન નં. શુક્લ
ચંદ્રહાસ એ. દેસાઈ