મહાત્માર પોરા રૂપકોંવરલોઈ (1969) : અસમિયા ભાષાનો આત્મચરિત્રાત્મક સંસ્મરણોનો નિબંધસંગ્રહ. આ નિબંધોમાં લેખક લક્ષ્મીનાથ ફૂકને (જ. 1894; અ. 1975) તેમની 50 વર્ષની સુદીર્ઘ અને વૈવિધ્યપૂર્ણ કારકિર્દીમાં તેમના અંગત સંપર્કમાં આવેલી અને અસમિયા સાહિત્ય, કલા, સંસ્કૃતિ, પત્રકારત્વ, રાજકારણ અને વ્યાપારના ક્ષેત્રે વિખ્યાત નીવડેલ 15 વ્યક્તિવિશેષો ઉપરાંત મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહરુનાં ગુણદર્શનભર્યાં રેખાચિત્રો આલેખ્યાં છે.
તેઓ કવિમાંથી પત્રકાર બન્યા હતા અને વિવિધ સામયિકો તથા દૈનિકોના તંત્રી-પદનો કાર્યભાર સંભાળ્યો હતો; એ કારણે તેઓ જાહેર જીવનના અનેક અગ્રણીઓના નિકટવર્તી સંપર્કમાં પણ આવ્યા હતા.
આ નિબંધો – રેખાચિત્રોમાં લેખકે દરેક વ્યક્તિવિશેષના માનવીય ગુણો પ્રગટ કર્યા છે; એટલું જ નહિ, પરંતુ એક અગ્રેસર પત્રકાર તરીકેની તેમની લાંબી કારકિર્દીમાં મળેલી પોતાની સફળતા સાથે નિષ્ફળતાને પણ ખેલદિલીપૂર્વક સ્વીકારી છે. ફૂકનનાં આ બધાં સંસ્મરણો ભારતીય સાહિત્યમાં મૂલ્યવાન ઉમેરણ હોવાથી તે ગ્રંથને 1970ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર અપાયો હતો. આ કૃતિમાં રજૂ થયેલી લેખકની અવલોકનની વેધકતા, તેમાંની વસ્તુસામગ્રીની વૈવિધ્યસભરતા અને શૈલીની સરળતાને લીધે તે આધુનિક અસમિયા સાહિત્યમાં મહત્વની લેખાઈ છે.
બળદેવભાઈ કનીજિયા