આંતરિક ઊર્જા (internal energy) : વિશ્વની કોઈ નિરાળી પ્રણાલી(isolated system)માંના અણુઓમાં સમાયેલી સ્થિતિજ (potential) અને ગતિજ (kinetic) ઊર્જાઓ. આવી પ્રણાલીમાંના અણુઓની સ્થાનાંતરીય (translational), કંપનીય (vibrational), ઇલેક્ટ્રૉનિક (electronic) અને ન્યૂક્લિયર (nuclear) ઊર્જાને આંતરિક ઊર્જા કહે છે. નિરાળી પ્રણાલીમાંની ઊર્જા નિયત (constant) હોય છે; કારણ કે આ પ્રણાલીમાં બહારથી ઊર્જા દાખલ થઈ શકતી નથી, અથવા અંદરથી ઊર્જા બહાર જઈ શકતી નથી. આથી આવી પ્રણાલીમાં સમાયેલી ઊર્જાને આંતરિક ઊર્જા (E અથવા U) કહેવામાં આવે છે. આંતરિક ઊર્જાનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી; પરંતુ આંતરિક ઊર્જાનો ફેરફાર (ΔE) માપી શકાય છે. ઊર્જાનો આ ફેરફાર પ્રારંભિક અને અંતિમ સ્થિતિ ઉપર આધારિત હોય છે, પણ પથ ઉપર આધાર રાખતો નથી. ઉષ્માગતિશાસ્ત્ર(thermo-dynamics)ના પ્રથમ નિયમમાં સમાવિષ્ટ કરવામાં આવેલ પ્રણાલીની અવસ્થાનો તે એક વિશિષ્ટ ગુણધર્મ છે. આંતરિક ઊર્જામાં ફેરફાર કરવા માટે બાહ્યાવરણ (surrounding) સાથે ઊર્જાનું સ્થાનાન્તરણ થવું જરૂરી છે, જે મુખ્ય ત્રણ પ્રકારે થાય છે : દ્રવ્યમાન-સ્થાનાંતર (mass transfer), ઉષ્મા-સ્થાનાંતર (heat transfer) અથવા કાર્યરૂપાંતર, બંધ પ્રણાલીમાં દ્રવ્યમાન અને તાપમાન નિયત રહે, તો આંતરિક ઊર્જા બાહ્યાવરણ પર કાર્ય કરવામાં વપરાય છે, જે નીચેના સમીકરણથી દર્શાવી શકાય :
ΔE = WAD
જ્યાં ΔE = આંતરિક ઊર્જામાં ફેરફાર, WAD = સ્થિરઉષ્મી (સમોષ્મી) કાર્ય (adiabatic work).જો આ ફેરફારમાં Q ઉષ્મા બાહ્યાવરણમાંથી શોષાતી હોય અને તેના વડે W કાર્ય થતું હોય તો
E = Q – W થાય.
અચળ દબાણે પ્રણાલીએ શોષેલી ઉષ્મા (pV) અને આંતરિક ઊર્જા(E)નો સરવાળો એટલે એન્થાલ્પી (H) જે,
H = E + pV
વિધેયના રૂપમાં દર્શાવી શકાય.
ઈન્દ્રવદન મનુભાઈ ભટ્ટ
એરચ મા. બલસારા