મહંમદી, નસરીન (જ. 1937, કરાંચી; અ. 1990, વડોદરા) : ભારતીય મહિલા ચિત્રકાર. પિતા અશરફ અને માતા ઝૈનબનું સાતમું સંતાન. કરાંચી અને મુંબઈમાં શાળાનો અભ્યાસ કર્યા પછી 1954માં લંડન જઈ નસરીને સેંટ માર્ટિન સ્કૂલ ઑવ્ આર્ટમાંથી 1957માં ચિત્રકલાનો અને ડિઝાઇનનો ડિપ્લોમા મેળવ્યો. આ પછી એક વરસના બહેરીનના વસવાટના પરિણામે ત્યાંની મરુભૂમિ નસરીનનાં ચિત્રોનો મુખ્ય વિષય બની. 1958માં મુંબઈ આવી ભૂલાભાઈ ઇન્સ્ટિટ્યૂટમાં ચિત્રસાધના ચાલુ રાખી અને ત્યાં જ 1961માં પોતાનું પ્રથમ વૈયક્તિક પ્રદર્શન યોજ્યું. 1961માં ફ્રેન્ચ સરકારની સ્કૉલરશિપ મળતાં નસરીને પૅરિસમાં મંસ્યર ગિલાર્ડ્ઝ અટેલિયર (Monsieur Guillards Atelier) ખાતે ગ્રાફિક કલાનો વિશૅરા અભ્યાસ કર્યો. ભારત પાછાં આવી મુંબઈની શેમૂલ્ડ ગૅલરીમાં ગ્રાફિક કલાનું વૈયક્તિક પ્રદર્શન કર્યું. 1964માં મકબૂલ ફિદા હુસેન સાથે રાજસ્થાનનો પ્રવાસ કર્યો. 1966માં બ્રિટિશ કાઉન્સિલે નસરીનની કલાના બહેરીન ખાતેના વૈયક્તિક પ્રદર્શનને પુરસ્કૃત કર્યું. 1970થી 1971 સુધીના દિલ્હીનિવાસ દરમિયાન ત્યાંની કુણિકા શેમૂલ્ડ ગૅલરીમાં તેમણે વૈયક્તિક પ્રદર્શન કર્યું. 1972થી 1988 સુધી નસરીને વડોદરાની મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં કલાનું અધ્યાપન કર્યું. 1974માં અને 1977માં મુંબઈની જહાંગીર આર્ટ ગૅલરીમાં તેમનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શન યોજાયાં. 1976માં તેમને લલિત કલા અકાદમીનો રાષ્ટ્રીય ઍવૉર્ડ મળ્યો. દિલ્હીની બ્લૅક પૅર્ટ્રિજ ગૅલરીમાં પણ તેમનાં ચિત્રોનું વૈયક્તિક પ્રદર્શન યોજાયું. 1981માં જાપાન, ફિલિપાઇન્સ, કૅનેડા અને અમેરિકાનો પ્રવાસ કર્યો તથા દિલ્હીની શ્રીધરાણી ગૅલરીમાં અને 1982માં મુંબઈની પૃથ્વી ગૅલરીમાં પોતાની ચિત્રકલાનાં વૈયક્તિક પ્રદર્શન યોજ્યાં. એ જ વરસે લંડન ખાતે ‘ફેસ્ટિવલ ઑવ્ ઇન્ડિયા’ના ભાગરૂપે યોજાયેલા કન્ટેમ્પરરી ઇન્ડિયન આર્ટ પ્રદર્શનમાં તેમણે ભાગ લીધો. 1985માં પૅરિસમાં યોજાયેલ ઇન્ડિયન આર્ટિસ્ટ્સ ઇન ફ્રાન્સ પ્રદર્શનમાં પણ તેમણે ભાગ લીધો. 1987માં દિલ્હીની આર્ટ હેરિટેજ ગૅલરીમાં તથા 1988માં મુંબઈની જહાંગીર આર્ટ ગૅલરીમાં તેમણે પોતાનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શન કર્યાં.

નસરીનની કલાના પ્રારંભિક તબક્કામાં રણપ્રદેશ અને સમુદ્રકાંઠો એ બે વિષયો કેન્દ્રસ્થાને છે. પૅરિસ-વસવાટ પછી મહંમદીની કલા ઉત્તરોત્તર સૌમ્ય અને સૂક્ષ્મ બનતી ગઈ અને આખરે તેણે અલ્પતમવાદી (minimalist) રૂપ ધારણ કર્યું. આ છેલ્લા તબક્કાની કલા ગ્રાફિક ડિઝાઇનની ખૂબ નજીક છે અને તેમાં માત્ર ફૂટપટ્ટીથી દોરેલી રાખોડી અને કાળી પાતળી રેખાઓ છે. આ કૃતિઓ પૂર્ણતયા અમૂર્ત છે.

મૃત્યુ પછી 1991માં મહંમદીની કલાનું વડોદરાની મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સના પ્રદર્શન ભવનમાં પશ્ચાદ્વર્તી (રિટ્રોસ્પેક્ટિવ) પ્રદર્શન યોજાયું હતું. 1995માં નસરીનના જીવન અને કલા વિશે ‘નસરીન ઇન રિટ્રોસ્પેક્ટ’ નામનું પુસ્તક પણ પ્રકાશિત થયું છે.

અમિતાભ મડિયા