મસ્તિષ્કી રુધિરાભિસરણ અને તેના વિકારો

January, 2002

મસ્તિષ્કી રુધિરાભિસરણ અને તેના વિકારો

મગજમાં લોહીનું પરિભ્રમણ અને તેના વિકારો થવા તે. મગજને મહાધમની(aorta)ની શાખાઓમાંથી ઉદભવતી 4 ધમનીઓ, ડાબી અને જમણી અંત:શીર્ષગત ધમનીઓ (internal carotid arteries) તથા ડાબી અને જમણી મણિકાગત ધમનીઓ (vertebral arteries) વડે લોહીનો પુરવઠો મળે છે. તે ઑક્સિજન તથા પોષણ લાવે છે તથા તેનો કચરો દૂર કરે છે.  તેમના વિકારોમાં તેમનામાં લોહી ગંઠાઈ જવું, મગજમાં લોહી વહી જવું, નસ ફાટી જવી, વહીને આવેલા લોહીના ગઠ્ઠા કે અન્ય પદાર્થ વડે અવરોધ થવો વગેરેનો સમાવેશ થાય છે. તેને કારણે મગજના કોઈ ભાગને લોહી મળતું બંધ થાય છે જેને પરિણામે થોડા સમય માટે કે લાંબા ગાળાનો લકવો (પ્રઘાત) થાય છે. એના ઉગ્ર વિકારને મસ્તિષ્કી પ્રઘાત (cerebral stroke) અથવા પ્રઘાત (stroke) કહે છે.

મગજનું રુધિરાભિસરણ : મહાધમની(aorta)માંથી નીકળતી મુખ્ય ધમનીઓની શાખાઓ વડે મગજને લોહીનો પુરવઠો મળે છે. હૃદયમાંથી નીકળીને મહાધમની સહેજ ઉપર તરફ જાય છે અને ત્યારપછી તે કમાનના આકારે વળીને નીચે તરફ જાય છે. તેના ઉપર જતા ભાગને આરોહી મહાધમની (ascending aorta) કહે છે અને નીચે તરફ જતા ભાગને અવરોહી મહાધમની (descending aorta) કહે છે. તેના કમાન (arch) જેવા વળાંકવાળા ભાગને મહાધમની-કમાન (aortic arch) કહે છે. મહાધમની-કમાનમાંથી 3 મુખ્ય ધમનીઓ નીકળે છે : (1) જમણી બાજુમાંની ભુજાશીર્ષી નલધમની (brachiocephalic trunk), (2) ડાબી સામાન્ય શીર્ષગત ધમની (common carotid artery) અને (3) ડાબી અવઅરીય ધમની (subclavian artery). ભુજાશીર્ષી નલધમની મહાધમનીની સૌથી મોટી શાખા છે. તેને અનામિકા ધમની (innominate artery) પણ કહે છે. તે મહાધમની-કમાનની ટોચમાંથી નીકળીને જમણી અને ઉપર તરફ જાય છે (4થી 5 સેમી.) અને જ્યાં હાંસડીનું હાડકું (અરીય અસ્થિ, clavicle) અને વક્ષાસ્થિ (sternum) વચ્ચે સાંધો થાય છે તેની પાછળ તથા ગળાના નીચલા છેડે બે શાખાઓમાં વહેંચાઈ જાય છે – જમણી સામાન્ય શીર્ષગત ધમની અને જમણી અવઅરીય ધમની. ડાબી અને જમણી અવઅરીય ધમનીઓમાંથી મણિકાગત ધમની (vertebral artery) નીકળે છે અને પોતે હાથ(ભુજા)ને લોહીનો પુરવઠો આપવા આગળ વધે છે. આમ માથા અને મગજને લોહીનો પુરવઠો પહોંચાડતી બંને બાજુએ 2 ધમનીઓ ઉપર તરફ ચડે છે : સામાન્ય શીર્ષગત ધમનીઓ અને મણિકાગત ધમનીઓ ડાબી

આકૃતિ 1 : મસ્તિષ્કી રુધિરાભિસરણ તથા મગજની નીચેની સપાટી પર આવેલું વિલિસનું વાહિનીચક્ર. 1. આરોહી મહાધમની (ascending aorta), 2. મહાધમની કમાન (aortic arch), 3. અવરોહી મહાધમની (descending aorta), 4. ભૂજાશીર્ષી નલધમની અથવા અનામિકા ધમની (innominated artery), 5. અવઅરીય ધમની (subclavian artery), 6. સામાન્ય શીર્ષગત ધમની (common carotid artery), 7. બાહ્ય શીર્ષગત ધમની (external carotid artery), 8. અંત:શીર્ષગત ધમની (internal carotid artery), 9. અગ્રમસ્તિષ્ક ધમની (anterioral cerebral artery), 10. અગ્રગામી સંયુગ્મક ધમની (anterior communicating artery), 11. મધ્યસ્થ મસ્તિષ્કધમની (middle cerebral artery), 12. પશ્ચમસ્તિષ્કધમની (porterior cerebral artery), 13. પશ્ચગામી સંયુગ્મક ધમની (posterior cerebral artery), 14. મણિકાગત ધમની (vertebral artery), 15. કપાલતલીય ધમની (basillar artery); ‘તીર’ રુધિરવહનની દિશા સૂચવે છે : (અ) હૃદયમાંથી આવતું લોહી, (આ) છાતી, પેટ અને પગ તરફ વહન, (ઇ) ચહેરા અને મોટા મગજના આગલા ભાગ તરફ, (ઈ) હાથ તરફ, (ઉ) મગજની પાછલા ભાગ અને નાના મગજ તરફ.

સામાન્ય શીર્ષગત ધમની મહાધમની કમાનમાંથી સીધેસીધી નીકળે છે. જ્યારે જમણી સામાન્ય શીર્ષગત ધમની ભુજાશીર્ષી નલધમનીની એક શાખા છે. બંને મણિકાગત ધમનીઓ તેમની બાજુની અવઅરીય ધમનીની શાખાના રૂપે નીકળીને ડોકમાં આવેલા કરોડસ્તંભના મણિકાનાં છિદ્રો દ્વારા ઉપર ચડે છે.

સામાન્ય શીર્ષગત ધમની ગળામાં આવેલી ગલગ્રંથિ કાસ્થિ(thyroid cartilage)ની ઉપરની ધાર પાસે, ડોકના ત્રીજા અને ચોથા મણિકા વચ્ચે બે શાખામાં વિભાજિત થાય છે. તેના શાખાદ્વિવિભાજન(bifurcation)થી તેમાંથી અંત:શીર્ષગત (internal carotid) અને બાહ્ય શીર્ષગત (external carotid) ધમનીઓ ઉદભવે છે. બાહ્ય શીર્ષગત ધમની ચહેરાના વિવિધ ભાગોમાં લોહી પહોંચાડતી શાખાઓ ધરાવે છે. અંત:શીર્ષગત ધમની ખોપરીના પોલાણના તળિયાના હાડકામાં આવેલી શીર્ષગતનલિકા(carotid canal)માં થઈને તે ખોપરીના પોલાણમાં પ્રવેશે છે. ત્યાં તે લોહીની નસના છિદ્રલવિવરમાં (cavernous sinus) થઈને મગજના બહારના આવરણ(ર્દઢતાનિકા, dura mater)ને વીંધે છે. અહીં સુધી આ ધમની આગળ, ઉપર અને મધ્યરેખા તરફ આગળ વધે છે. ત્યારબાદ આંખમાં જતી ર્દષ્ટિચેતા(optic nerve)ની નીચે તે પાછી વળે છે અને મોટા મગજની નીચેની સપાટી પાસે અગ્રસ્થ મસ્તિષ્કધમની અથવા અગ્રમસ્તિષ્કધમની (anterior cerebral artery) અને મધ્યસ્થ મસ્તિષ્કધમની અથવા મધ્યમસ્તિષ્કધમની(middle cerebral artery)માં વહેંચાઈ જાય છે. અંત:શીર્ષગત ધમની તેના માર્ગમાં નાની નાની શાખાઓ વડે માર્ગમાં આવતી સંરચનાઓને લોહી પહોંચાડે છે. ખોપરીના પોલાણમાં તેની કુલ 5 શાખાઓ નીકળે છે – એક શાખા આંખને લોહી પહોંચાડતી નેત્રધમની (ophthalmic artery) છે. બીજી શાખા અગ્રસ્થ નિલયજાલધમની(anterior choroid plexus)ના નામે ઓળખાય છે જે મગજમાં બનતા મસ્તિષ્ક-મેરુરજ્જુ-જલ (cerebrospinal fluid, CSF) બનાવતા ભાગને લોહીનો પુરવઠો આપે છે. તેની ત્રીજી શાખા પશ્ચગામી સંયુગ્મક ધમની (posterior communicating artery) નામે જાણીતી છે જે પાછળની તરફ લોહીનો પુરવઠો લઈ જાય છે. છેલ્લે તે અગ્રસ્થ અને મધ્યસ્થ મસ્તિષ્કધમની રૂપે બે શાખાઓમાં વિભાજિત થાય છે.

અગ્રસ્થ મસ્તિષ્કધમની મોટા મગજની નીચલી સપાટી પર આગળ અને મધ્યરેખા તરફ જાય છે જ્યાં તે મધ્યરેખાની બીજી બાજુની તેના જ નામધારી બીજી ધમનીની સમાંતર આવી જાય છે. ડાબી અને જમણી અગ્રસ્થ મસ્તિષ્કધમનીઓ એક એક અગ્રગામી સંયુગ્મક ધમની (anterior communicating artery) નામની શાખા આપે છે, જે મધ્યરેખામાં એકબીજી સાથે જોડાઈને એક સળંગ સંયુગ્મક ધમની (2 મિમી.) બનાવે છે. આની આગળ બંને અગ્રસ્થ મસ્તિષ્કધમનીઓ એકબીજીને સમાંતર રહીને મોટા મગજના બંને અર્ધગોલને જોડતા શ્વેતદ્રવ્યની સંયોજકકાય(corpus callosum)ની સપાટી પર પ્રથમ આગળ તરફ, પછીથી ઉપર તરફ અને છેલ્લે પાછળ તરફ સમાંતર જાય છે જ્યાં તે મગજના પાછળના ભાગથી આગળ તરફ આવતી બે સમાંતર પશ્ચસ્થ મસ્તિષ્કધમનીઓ સાથે જોડાય છે. અગ્રસ્થ મસ્તિષ્કધમનીમાંથી મધ્યગત (central), બાહ્યકગત (cortical), નેત્રોર્ધ્વગત (orbital) વગેરે વિવિધ શાખાઓ નીકળે છે જે મોટા મગજના વિવિધ વિસ્તારોને લોહી પહોંચાડે છે.

આકૃતિ 2 : મગજની પ્રમુખ ધમનીઓ તથા વિલિસનું વાહિનીચક્ર. (1) મહાધમની કમાન, (2) અનામિકા ધમની(ભૂજાશીર્ષી નલધમની), (3) સામાન્ય શીર્ષગત ધમની, (4) ડાબી અવસરીય ધમની, (5) ડાબી મણિકાગત ધમની, (6) જમણી અવસરીય ધમની, (7) જમણી સામાન્ય શીર્ષગત ધમની, (8) જમણી મણિકાગત ધમની, (9) ડોકનો કરોડસ્તંભ, (10) બાહ્ય શીર્ષગત ધમની, (10 અને 11) અંત:શીર્ષગત ધમનીઓ, (12) કપાલતલીય ધમની, (13) નેત્રગત ધમની, (14) વિલિસનું વાહિનીચક્ર, (15) અગ્ર મેરુરજ્જુ ધમની, (16) અધ:પશ્ચ લઘુમસ્તિષ્કી ધમની, (17) અધોગ્ર લઘુમસ્તિષ્કી ધમની, (18) ઉર્ધ્વ લઘુમસ્તિષ્કી ધમની, (19) પશ્ચગામી સંયુગ્મકધમની, (20) અગ્ર નીલય જાલ ધમની, (21) મધ્યસ્થ મસ્તિષ્કી ધમની, (22) અગ્રમસ્તિષ્કી ધમની, (23) અગ્રગામી સંયુગ્મક ધમની.

મધ્યસ્થ મસ્તિષ્કધમની મોટા મગજમાં આવેલી પાર્શ્વમસ્તિષ્કી ગર્તિકા (lateral cerebral sulcus) નામના વિસ્તારના નીચલા છેડે પ્રવેશીને ઉપર તરફ જાય છે, જેમાંથી તે મોટા મગજની અંદરના અને પાર્શ્વ(lateral) અથવા બહારની સપાટી પરના ભાગોને લોહીનો પુરવઠો આપે છે. તે અંત:શીર્ષગત ધમનીની સૌથી મોટી શાખા છે. તેમાં લોહીના વહનનો અવરોધ થાય ત્યારે મસ્તિષ્કી પ્રઘાત (stroke) થાય છે અને શરીરના બીજી બાજુના હાથપગ અને ચહેરાનો લકવો થઈ આવે છે. જો પ્રભાવી અર્ધગોલ (dominant hemisphere) એટલે કે મોટા મગજના જે બાજુના અર્ધગોલમાં વાણીકેન્દ્ર (speech area) આવેલું હોય તે બાજુના અર્ધગોલની મધ્યસ્થ મસ્તિષ્કધમની અસરગ્રસ્ત થાય તો વ્યક્તિ અવાક્ (aphasic) થાય છે. તેમાંથી મધ્યગત શાખાઓ, મધ્યવર્તી સંરૈખિક (medial striate) શાખાઓ અને પાર્શ્વવર્તી સંરૈખિક (lateral striate) શાખાઓ મોટા મગજના મોટાભાગની બહારની સપાટીને લોહીનો પુરવઠો પહોંચાડે છે. તેમાંની એક ધમની મોટી છે. તેને ચારકોટે (Charcot) મસ્તિષ્કી રુધિરસ્રાવની ધમની (artery of cerebral haemorrhage) ગણાવી છે, કેમ કે તે ઘણી વખત ફાટી જાય છે. આ ઉપરાંત મધ્યસ્થ મસ્તિષ્કી-ધમનીમાંથી નેત્રોર્ધ્વ વિસ્તાર, અગ્રસ્થખંડ (frontal lobe), પાર્શ્વખંડ (parietal lobe) તથા અધ:પાર્શ્વખંડ(temporal lobe)માં પણ શાખાઓ જાય છે. મધ્યસ્થમસ્તિષ્કી ધમની પગ સિવાયના શરીરના બધા જ ભાગોના હલનચલનનું નિયંત્રણ કરતા વિસ્તારો, વાણીવિસ્તાર તથા શ્રવણવિસ્તાર(auditory area)ને લોહીનો પુરવઠો પૂરો પાડે છે.

અંત:શીર્ષગત ધમનીની પશ્ચગામી સંયુગ્મક ધમની નામની શાખા પાછળ બાજુ જઈને કપાલતલધમની(basilary artery)ની પશ્ચમસ્તિષ્કી ધમની અથવા પશ્ચસ્થ મસ્તિષ્કધમની (posterior cerebral artery) સાથે જોડાણ કરે છે. તેની મધ્યગત શાખાઓ ચેતક (thalamus) તથા ત્રીજા નિલયની દીવાલને લોહી પહોંચાડે છે. અતં:શીર્ષગત ધમનીની એક શાખા નિલયજાલધમની (choroidal artery) મોટા મગજના અંદરના ભાગને તથા પાર્શ્વનિલયના નીચલા શૃંગ(inferior horn)માં આવેલા નિલયવાહિનીજાલ(choroid plexus)ને લોહી પહોંચાડે છે. નિલય- વાહિનીજાલમાંથી મગજ અને કરોડરજ્જુની આસપાસ ફરતું મસ્તિષ્ક-મેરુરજ્જુ-જલ (CSF) બને છે.

મહાધમની કે જમણી ભુજાશીર્ષલક્ષી નલધમનીમાંથી અનુક્રમે ડાબી અને જમણી અવઅરીય ધમનીઓ (subclavian artery) નીકળે છે. તેમાંથી મણિકાગત ધમની (vertebral artery) ઉપરાંત છાતી, ડોક અને ખભા વિસ્તારને લોહી પહોંચાડતી વિવિધ શાખાઓ નીકળે છે અને તે પછી તે પોતે ભુજાકક્ષધમની(axillary artery)ને નામે ભુજાકક્ષ(બગલ, axilla)માં પ્રવેશે છે. કરોડસ્તંભના મણિકામાંના આડા પ્રવર્ધો(processes)ને અનુપ્રસ્થ પ્રવર્ધો (transverse processes) કહે છે. તેમાંનાં છિદ્રોમાં થઈને મણિકાગત ધમની ઉપર ચડે છે અને મહાછિદ્ર (foramen magnum) નામના ખોપરીની નીચે આવેલા છિદ્ર દ્વારા તે ખોપરીના પોલાણમાં પ્રવેશે છે. તે લંબમજ્જાના ઉપલા છેડે બીજી બાજુની તેના જ નામધારી ધમની સાથે જોડાઈને કપાલતલીય (basilar artery) બનાવે છે. તે પહેલાં તે ડોકમાંની કરોડરજ્જુને, આસપાસના સ્નાયુઓને, મગજનાં આવરણોને, લંબમજ્જાને તથા નાના મગજના નીચલા ભાગને લોહીનો પુરવઠો પહોંચાડતી શાખાઓ આપે છે. નાના મગજને લોહી પહોંચાડતી ધમનીને અધ:પશ્ચ લઘુમસ્તિષ્કી ધમની (posterior inferior cerebellar artery) કહે છે. કપાલતલીય ધમની મજ્જાસેતુને, અંત:કર્ણને તથા નાના મગજને શાખાઓ દ્વારા લોહી પહોંચાડે છે. નાના મગજને લોહી પહોંચાડતી શાખાને અધોગ્ર લઘુમસ્તિષ્કી ધમની (anterior inferior cerebellar artery) કહે છે. છેલ્લે તે નાના મગજને ઊર્ધ્વ લઘુમસ્તિષ્કી ધમની (superior cerebellar artery) નામની એક શાખા આપીને બે શાખાઓમાં વહેંચાઈ જાય છે જેમને પશ્ચસ્થ મસ્તિષ્કધમનીઓ (posterior cerebral arteries) કહે છે. પશ્ચસ્થ મસ્તિષ્કધમનીની મધ્યવર્તી અને બાહ્યકગત શાખાઓ મોટા મગજના પશ્ચસ્થ ખંડ(occipital lobe)ને લોહી પહોંચાડે છે. તેમની સાથે અંત:શીર્ષગત ધમનીની પશ્ચગામી સંયુગ્મક ધમની નામની એક શાખા જોડાય છે. આમ મોટા મગજની નીચલી સપાટી પર ધમનીઓ વડે એક કૂંડાળું (ચક્ર) બને છે – આગળ મધ્યરેખાને પાર કરતી અગ્રગામી સંયુગ્મક ધમની બાજુ પર અંત:શીર્ષગત ધમનીની બે શાખાઓ – અગ્રસ્થ અને મધ્યગત મસ્તિષ્કધમનીઓ – તથા પશ્ચગામી સંયુગ્મક ધમની અને પાછળ પશ્ચસ્થ મસ્તિષ્કધમનીઓ. વળી અગ્રસ્થ અને પશ્ચસ્થ મસ્તિષ્કધમનીઓના છેડાઓ પણ મહાસંજોડકકાયની ઉપર એકબીજા સાથે મુખાનુમુખ મળે છે. આમ આગળની બે ધમનીઓ-અંત:શીર્ષગત ધમનીઓ અને પાછળની મણિકાગત  ધમનીઓમાંથી આવતું લોહી એકબીજા સાથે ભળે છે. તેથી તેમાંની કોઈ એક ધમનીમાં અવરોધ હોય તોપણ મુખ્ય નસોમાં લોહી વહ્યા કરે છે અને મગજને લોહી સતત  મળતું રહે છે. મોટા મગજની નીચે ધમનીઓના મેળાપથી બનતા ચક્રને વિલિસ(Willis)નું ચક્ર કહે છે.

શિરાઓ : મગજની શિરાઓ પાતળી દીવાલવાળી અને વાલ્વ વગરની હોય છે. તેમાં સ્નાયુસ્તરિકા નથી હોતી. મગજમાંથી નીકળીને તે મૃદુતાનિકા, જાલતાનિકા અને ર્દઢતાનિકાની અંદરના પડમાં થઈને ર્દઢતાનિકાનાં બે પડની વચ્ચે આવેલાં શિરાવિવરો (venous sinuses) નામનાં પોલાણોમાં ખૂલે છે. મગજમાંની શિરાઓને બાહ્ય અને અંતર્ગત શિરાઓ રૂપે વિભાજિત કરાયેલી હોય છે. અંતર્ગત મસ્તિષ્કી શિરાઓ જોડાઈને મહામસ્તિષ્કી શિરા (great cerebral vein) બનાવે છે. તે  તથા અન્ય બાહ્ય શિરાઓ મળીને બનતી તલીય શિરા (basal vein) સુરેખ વિવર(straight sinus)માં ખૂલે છે. વિવિધ શિરાવિવરો વચ્ચે પણ સંવાહક શિરાઓ (communicating veins) આવેલી હોય છે. કુલ 17 મહત્વનાં શિરાવિવરો છે, જે મગજની બહારની અને નીચેની સપાટી પર આવેલાં છે. બધાં શિરાવિવરોમાંનું લોહી છેલ્લે અંત:શીર્ષી શિરા (internal jugular vein) દ્વારા અને મણિકાગત શિરા દ્વારા ઊર્ધ્વ મહાશિરા(superior vena cava)માં લોહી ઠાલવે છે, જ્યાંથી લોહી હૃદયના જમણા કર્ણકમાં પ્રવેશે છે.

મસ્તિષ્કમેરુરજ્જુજલ : મગજમાં લસિકાતંત્ર (lymphatic system) નથી હોતું તેથી મગજના કોષોનું પોષણ, ઑક્સિજન પુરવઠો અને કચરાનો નિકાલ મસ્તિષ્કી-મેરુરજ્જુ-જલ (મમે-જલ cerebrospinal fluid, CSF) દ્વારા થાય છે. મગજનાં પોલાણોમાં નિલયવાહિનીજાલ (choroid plexus) આવેલાં છે, જેમાં ધમની દ્વારા લોહી આવે છે અને શિરા દ્વારા પાછું વહી જાય છે. આ નિલયવાહિનીજાલમાંથી મમે-જલ બને છે જે મગજના કોષોને પોષણ આપે છે. મમે-જલ શિરાવિવરોમાં જાલવ્યાંકુરો (arachnoid villi) દ્વારા લોહીમાં પાછું પ્રવેશે છે. (જુઓ મસ્તિષ્ક-મેરુરજ્જુ-જલ).

મગજનું રુધિરાભિસરણ વિષમ થાય ત્યારે કેટલાંક લક્ષણો અને વિકારો ઉદભવે છે (સારણી 1).

() શીર્ષપીડા (headache) : મગજની નસોના રોગોમાં ઘણી વખત માથું દુખે છે. તેનું સ્પષ્ટ કારણ કે પ્રક્રિયા જાણમાં નથી. અંત:શીર્ષગત ધમની (internal carotid artery) અંતર્રુદ્ધ (occluded) થાય, સ્તરિકાછેદન (dissection) પામે કે અંતર્ધમની-ઉચ્છેદન (endartectomy) થાય તે પછી માથું દુખે છે. મગજના આગળના ભાગને લોહી પહોંચાડતી મુખ્ય ધમની એવી અંત:શીર્ષલક્ષી ધમનીમાં લોહીનો ગઠ્ઠો જામે ત્યારે તેમાંથી લોહીનું વહન અટકે છે. તેને ધમનીનું અંત:રોધન (occlusion) કહે છે. જો તેની દીવાલમાં ઊભો ચીરો પડે અને તેની દીવાલનાં બે પડ અથવા સ્તરિકાઓ છૂટાં પડે તેને ધમનીનું સ્તરિકાછેદન (arterial dissection) કહે છે. ધમનીના પોલાણમાંના અવરોધને દૂર કરવાની શસ્ત્રક્રિયાને અંતર્ધમની-ઉચ્છેદન કહે છે. જાલતાનિકા(arachnoid mater)ની નીચેની જગ્યાને અવજાલતાનિકી અવકાશ (subarachnoid space) કહે છે. જ્યારે તેમાં લોહી વહે ત્યારે તેને અવજાલતાનિકી રુધિરસ્રાવ (subarachnoid haemorrhage) કહે છે. તેમાં ઉગ્ર અને તીવ્ર શીર્ષપીડા થાય છે.

સારણી 1 : મગજના રુધિરાભિસરણનાં લક્ષણો અને વિકારો

(અ)    શીર્ષપીડા (headache)

(આ)   લોહીનું ઊંચું દબાણ અને મધુપ્રમેહ

(ઇ)    અંતર્રુદ્ધ મસ્તિષ્કવાહિનીજન્ય રોગ (occlusive cerebrospinal disease)

(ઈ)    અલ્પકાલીન અવાહિતાના વિકારપ્રસંગ(transient ischaemic attacks, TIA)

(ઉ)    પ્રઘાત (stroke)

(ઉ-1)  રિક્તાવકાશી પ્રણાશન (lacunar infarct)

(ઉ-2)  મસ્તિષ્કપ્રણાશ (cerebral infarction)

(ઉ-3)  અંત:મસ્તિષ્કી રુધિરસ્રાવ (intracerebral haemorrhage)

(ઉ-4)  અવજાલતાનિક રુધિરસ્રાવ (subarachnoid haemorrhage)

(ઉ-5)  અંત:કર્પરી વાહિનીપેટુ (intracranial enurysm)

(ઉ-6)  ધમની-શિરાલક્ષી કુરચનાઓ (malformations)

(ઉ-7)  અંત:કર્પરી શિરારુધિર-ગુલ્મન (intracranial venous thrombosis)

() લોહીનું ઊંચું દબાણ અને મધુપ્રમેહ : લોહીના ઊંચા દબાણના વિકારને અતિરુધિરદાબ વિકાર (hypertension) કહે છે. લોહીના ઊંચા દબાણને કારણે દર્દીને વિવિધ રીતે લકવો થાય છે. તેને રુધિરાભિસરણીય પ્રઘાત (stroke) કહે છે. ક્યારેક મગજમાં લોહી વહી જવાનો વિકાર (મસ્તિષ્કી રુધિરસ્રાવ, cerebral haemorrhage) થાય છે તો ક્યારેક મગજની નસોમાં લોહી જામી જવાથી મગજની પેશીનો આંશિક નાશ પણ થાય છે. તેને પ્રણાશ (infraction) કહે છે. લોહીના દબાણના 2 સ્તર છે. ઉપરનું દબાણ અથવા હૃદ્સંકોચનીય રુધિરદાબ (systolic pressure) અને નીચેનું દબાણ અથવા હૃદવિકોચનીય દબાણ (diastolic pressure). સામાન્ય રીતે ઊંચા હૃદવિકોચનીય રુધિરદાબ(diastolic pressure)ને મગજમાં પ્રણાશ થવા સાથે સીધો અને વધુ સંબંધ જોવા મળ્યો છે. લોહીનું દબાણ ઘટાડતી સારવાર આપવાથી આ તકલીફોમાં ઘટાડો થાય છે. લાંબા સમયના લોહીના દબાણને કારણે વાહિનીજન્ય મનોભ્રંશ (vascular dementia) નામનો રોગ થવાની સંભાવના વધે છે. તેવી જ રીતે ઍલ્ઝાઇમર (Alzheimer)નો રોગ થવાની સંભાવના પણ વધે છે. મધુપ્રમેહના દર્દીની નાની તથા મોટી ધમનીઓમાં મેદચકતી-તંતુકાઠિન્ય (atherosclerosis) થાય છે. તેમાં ધમનીની દીવાલ પર મેદ(ચરબી)ની ચકતીઓ જામે છે જેની આસપાસ તંતુઓ વિકસવાથી તે ભાગ કઠણ થઈ જાય છે. તેથી ધમનીનું પોલાણ ઘટે છે અને તેમાં લોહીનો ગઠ્ઠો જામવાની સંભાવના વધે છે. જો આવી વ્યક્તિ ધૂમ્રપાન કરે તો લોહીના વહન માટે ધમનીમાં અંદરથી ઉદભવતો આ પ્રકારનો અવરોધ વહેલો થઈ આવે છે.

() અંતર્રુદ્ધ મસ્તિષ્કવાહિનીજન્ય રોગ (occlusive cerebrovascular disease) : મગજના કોઈ ભાગમાં થોડા સમય માટે લોહી વહેતું અટકે તેને અલ્પકાલીન મસ્તિષ્કી અવાહિતા (transient cerebral ischaemia) કહે છે. જો તે લાંબો સમય બંધ રહે તો લકવાની સ્થિતિ સર્જાય છે. તેને મસ્તિષ્કી પ્રઘાત (stroke) કહે છે. તેનાં અનેક કારણો છે, પરંતુ મુખ્ય કારણ મેદચકતીજન્ય તંતુકાઠિન્યને કારણે થતું ધમનીમાં અંત:રોધન (occlusion) છે. ક્યારેક ધમનીમાં મેદચકતીને સ્થાને ચાંદી પડે છે. પ્રઘાતના અર્ધાથી વધુ કિસ્સામાં ખોપરીની બહારની ધમનીઓના વિવિધ ભાગોમાં એક કે વધુ સ્થળે આવો અવરોધ થયેલો હોય છે. ગળામાં આવેલી સામાન્ય શીર્ષલક્ષી ધમનીની જે બે શાખા પડે છે તેમના આ દ્વિવિભાજન(bifurcation)ના સ્થાન પાસે, અંત:શીર્ષગત અને બહિ:શીર્ષલક્ષી ધમનીના આરંભ પાસે (90%), મણિકાગત ધમની(vertebral artery)ના ઉદગમસ્થાન પાસે, મહાધમની-કમાન(aortic arch)માં તથા તેમાંથી નીકળતી ધમનીઓમાં મેદચકતીને કારણે થતા તંતુકાઠિન્યથી અવરોધ પેદા થાય છે.

મોટાભાગે શીર્ષગત ધમનીમાં કુંચિતતા (stenosis) થાય અથવા તેમાં ચાંદી (વ્રણ) પડે ત્યારે તેમાં લોહીના વહનનો અટકાવ આવે છે. તેને લીધે આ વિકાર થાય છે. શીર્ષગત ધમનીનો કોઈ ભાગ સાંકડો થઈ ગયો હોય તો તેને તેની કુંચિતતા કહે છે. કુંચિતતાને લીધે લોહીનું ભ્રમણ થોડાક સમય માટે અટકે છે. જો તેમાં ચાંદું પડ્યું હોય તો તેના પર લોહીના નાના ગઠ્ઠા જામી જતા હોય છે જે છૂટા પડીને મગજની કે ર્દષ્ટિપટલની નાની ધમનીમાં અવરોધ કરે છે. આ કારણે થોડાક સમય માટે મગજના જે તે ભાગનું કે ર્દષ્ટિપટલનું કાર્ય બંધ થાય છે. તેથી થોડી મિનિટોથી 24 કલાક સુધીના સમયગાળા માટે લકવો કે અન્ય પ્રકારના લઘુ હુમલાઓ થઈ આવે છે અને શમી જાય છે. તેને અલ્પકાલીન અવાહિતા વિકારપ્રસંગો (transient ischaemic attacks, TIA) કહે છે. કેટલાક દર્દીઓમાં તેના પછી પૂરેપૂરો પ્રઘાત થઈ આવે છે જ્યારે મોટાભાગે દર્દીઓ થોડા સમય પછી સ્વસ્થ થઈ જાય છે. TIAનાં મુખ્ય લક્ષણોરૂપે જે બાજુની શીર્ષગતધમનીમાં અવરોધ થયો હોય તેની સામેની બાજુએ સ્નાયુમાં નબળાઈ કે સંવેદનાઓમાં ઘટાડો જોવા મળે છે. ક્યારેક બોલવામાં કે જોવામાં તકલીફ થાય છે. આંખમાં થતી તકલીફ જે બાજુની નસને તકલીફ હોય તે બાજુએ જ થાય છે અને તેમાં થોડા સમય માટે આંશિક કે સંપૂર્ણપણે દેખાતું બંધ થાય છે. જો મણિકાગત ધમની અને કપાલતલીય ધમનીને સંયુક્તરૂપે મણિકાતલીય ધમનીસમૂહ (vertebrobasillar artery) કહે છે. તેમાંથી અવરોધ આવે તો મગજના નીચેના ભાગમાં એટલે કે મસ્તિષ્કપ્રકાંડ(brain stem)માં અને નાના મગજમાં વિકાર ઉદભવે છે. તેને કારણે અસ્પષ્ટ વાણી બોલાવી (dysarthria), બેવડું દેખાવું (દ્વિર્દષ્ટિ, diplopia), ચક્કર આવવાં, હલનચલનમાં સંતુલન ગુમાવવું, અલ્પપક્ષઘાત (hemiparesis) કે અલ્પચતુરંગઘાત (quadriparesis) વગેરે થાય છે. એક બાજુના હાથ-પગમાં લકવાનો હળવો હુમલો થાય તો તેને અલ્પપક્ષઘાત કહે છે અને બંને હાથપગમાં લકવાનો હળવો હુમલો થાય તો તેને અલ્પચતુરંગઘાત કહે છે. જો કોઈ વ્યક્તિ એકદમ ઝડપથી પોતાની સ્થિતિ બદલે અને તેને અંધારાં આવે તો તેને આ વિકાર સાથે સંબંધ નથી. વ્યક્તિત્વમાં આવતો ટૂંકા સમયનો ફેરફાર પણ TIA થયાનું સૂચવતો નથી. શારીરિક તપાસ કરવામાં આવે ત્યારે શીર્ષગત ધમનીમાં ઉદભવેલા અવરોધને કારણે ક્યારેક ડોકમાં વહનધ્વનિ (bruit) સંભળાય છે.

ક્યારેક બંને હાથની ધમનીઓમાં જુદા જુદા પ્રમાણમાં અવરોધ હોય તો તેમના લોહીના દબાણમાં 10 મિમી.થી વધુ તફાવત રહે છે. આ ચિહ્નો તે ભુજાઓ (હાથ) અને માથામાંની ધમનીઓમાં અવરોધ થયો છે એવી સંભાવના સૂચવે છે. ડોક પર વહનધ્વનિ હોય તો લકવો થશે એવું નિશ્ચિતપણે સૂચવાતું હોતું નથી. વહનધ્વનિ વગર પણ જો નસમાં પડેલું ચાંદું મોટું હોય તો ગુલ્મસ્થાનાંતરિતા (embolism) થાય છે અને લોહીના નાના-નાના ગઠ્ઠા (વિસ્થાની ગુલ્મિકાઓ) છૂટા પડીને મગજની નાની નસોને અવરોધી શકે છે. આંખમાંના ર્દષ્ટિપટલનું નિરીક્ષણ કરવાથી ઘણી વખત આવી વિસ્થાની ગુલ્મિકાઓ (emboli) જોવા મળે છે. નાની ગુલ્મિકાઓ છૂટી પડીને નાની ધમનીઓને અવરોધે તેને ગુલ્મસ્થાનાંતરિતા કહે છે. સામાન્ય શીર્ષગત ધમની અને ગંડકપાલીય ધમની(temporal artery)માં નાડીના ધબકારા અનુભવી શકાય છે, પરંતુ અંત:શીર્ષગત ધમનીની નાડીના ધબકારાને સ્પર્શી શકતા નથી. તેથી અંત:શીર્ષગત ધમનીના વિકારોનું નિદાન નાડી વડે કરી શકાતું નથી.

મગજના રુધિરાભિસરણના નિદાન માટે વિવિધ પરીક્ષણો ઉપલબ્ધ છે. તેમાં દ્વિગુણી અશ્રાવ્યધ્વનિલેખન (duplex ultrasonography) હાલ પ્રમુખ પરીક્ષણ ગણાય છે. તેમાં મગજના રુધિરાભિસરણની રચનાલક્ષી અને કાર્યલક્ષી એમ બંને પ્રકારની માહિતી મળે છે. તેનાથી નસમાંની ચકતીઓ અને સાંકડાપણું, ચાંદી પડવી, ચકતીમાં લોહી વહેવું વગેરે વિવિધ બાબતોની માહિતી મળી શકે છે. તેની મદદથી શસ્ત્રક્રિયા અંગે સીધેસીધો નિર્ણય પણ કરી શકાય છે. આ ઉપરાંત ધમનીમાં નળી નાંખીને નલિકાનિવેશન (catheterisation) કરી શકાય છે. નલિકાનિવેશન તથા એમ. આર. આઈ. નાં ચિત્રણો પણ નિદાનમાં ઉપયોગી છે. હૃદયનો પ્રતિઘોષાલેખ (echocardiogram) કરીને મહાધમનીના વાલ્વની વિકૃતિઓ જાણી શકાય છે. આમ વિવિધ રીતે નિદાન કરીને સારવાર કરી શકાય છે.

TIAની સારવારમાં ઍસ્પિરિન કે ટિક્લોપિડિન જેવી ગંઠકકોષો(platelets)ના એકબીજા સાથે ચોંટી જવાના ગુણનો વિરોધ કરતી દવાઓ ઉપયોગી છે. શીર્ષગત ધમનીમાંની 70 %થી વધુ થયેલી કુંચિતતાને અંતર્ધમની-ઉચ્છેદન (endarterectomy) નામની શસ્ત્રક્રિયાથી ઘટાડી શકાય છે. નિયમિત ધોરણે આ પ્રકારની શસ્ત્રક્રિયા કરતી સંસ્થાઓમાં તેનાથી થતો મૃત્યુદર 5 %થી ઓછો રહે છે. શીર્ષગત ધમની પર વહનધ્વનિ સંભળાય તો હૃદયરોગથી મૃત્યુ થવાની સંભાવના ઘણી વધી જાય છે. તેટલા પ્રમાણમાં લકવો થવાની સંભાવના વધેલી હોતી નથી.

દર વર્ષે 2 %થી 3 % દર્દીઓમાં પ્રઘાત થવાની શક્યતા રહે છે અને બીજા 5 %માં TIA થાય છે. અગાઉ જેને પ્રઘાત થયો હોય તેમનામાં 7 %ના દરે અને શસ્ત્રક્રિયા કર્યા પછી જો ફરીથી કુંચિતતા થઈ આવે તો 10 % દર્દીઓમાં પ્રઘાત થાય છે. પ્રઘાત થવાની સંભાવના અને સંભવિત શસ્ત્રક્રિયાજન્ય મૃત્યુદર વચ્ચે લાભ-જોખમનો અંદાજ બાંધીને તકલીફ ન હોય એવી શીર્ષગત ધમનીની કુંચિતતાના દર્દીઓમાં પૂર્વનિવારણરૂપ શસ્ત્રક્રિયા કરવાનું સૂચવાય છે. ઍસ્પિરિનથી થતો લાભ ઘણો વધારે હોવાથી મોટેભાગે આવા કિસ્સામાં ઍસ્પિરિનનો ઉપયોગ કરાય છે. અંતર્ધમની-ઉચ્છેદનની શસ્ત્રક્રિયા ઉગ્ર પ્રઘાતના સમયે ખાસ ઉપયોગી નથી. કેટલી ધમનીઓ અસરગ્રસ્ત છે તેને આધારે સારવારનું પરિણામ આવે છે. જોકે દર્દીઓનો મૃત્યુદર તેમની હૃદયની ધમનીઓ કેટલે અંશે અસરગ્રસ્ત છે તેના પર પણ આધારિત હોય છે.

(ઈ) અલ્પકાલીન અવાહિતાના વિકારપ્રસંગો(transient ischaemic attacks, TIA)થી અચાનક થઈ આવતી ચેતાતંત્રની સ્થાનસીમિત (focal) દુષ્કાર્યશીલતા ઉદભવે છે. આવા દર્દીઓમાં નસોનો રોગ થવાનાં જોખમો પણ હાજર હોય છે. સામાન્ય રીતે દુષ્કાર્યશીલતા 24 કલાકમાં શમે છે. પરંતુ મોટાભાગના કિસ્સામાં તે 1–2 કલાકમાં જ શમે છે. જેમને પ્રઘાત(લાંબા સમયના લકવા)નો હુમલો આવ્યો હોય તેવા 30 % દર્દીઓને આગળ TIA થયેલું હોય છે. તેથી TIAની સારવારથી પ્રઘાતનું પૂર્વનિવારણ કરી શકાય છે. કેટલા TIA આવ્યા તેની સાથે નહિ પણ દર્દીને લોહીના ઊંચા દબાણનો કે મધુપ્રમેહનો રોગ છે કે નહિ તેના પર પ્રઘાત થવાની સંભાવના જાણી શકાય છે. મગજને લોહી પહોંચાડતી નસોનું સાંકડાપણું કે તેમાં ચાંદી પડવી, આમવાતી હૃદયરોગ (rheumatic heart disease) થવો, હૃદયના વાલ્વ(કપાટ)નો રોગ થવો, હૃદયના ધબકારા અનિયમિત થવા, હૃદયના વાલ્વ પર ચેપ લાગીને અંત:હૃદયશોથ (endocarditis) થવો, હૃદયના કર્ણકમાં શ્લેષ્માર્બુદ(myxoma)ની ગાંઠ થવી, હૃદયના પહોળા થઈ ગયેલા ખંડની દીવાલ પર લોહીનો ગઠ્ઠો જામવો (ભીત્તીય ગુલ્મ, mural thrombus), હૃદયની અંદરના પડદામાં છિદ્ર હોવું (દા.ત., કર્ણપટલછિદ્ર, atrial septal defect), મગજને લોહી પહોંચાડતી નસોમાં અન્ય શારીરિક રોગો થવા, લોહીના વિવિધ રોગો થવા વગેરે વિવિધ સ્થિતિઓમાં નાના-નાના લોહીના ગઠ્ઠા છૂટા પડીને મગજની નાની નાની નસોમાં ચોંટે છે. તેને ગુલ્મસ્થાનાંતરતા (embolism) કહે છે અને તેનાથી TIA થાય છે. ક્યારેક કોઈ એક અવઅરીય ધમની(subclavian artery)માં મણિકાગત ધમની પહેલાં જો કુંચિતતા હોય તો તે બાજુની મણિકાગત ધમનીમાં અને હાથમાં તેના દ્વારા પૂરતું લોહી પહોંચતું નથી. તેથી બીજી બાજુની મણિકાગત ધમનીમાંથી મગજ તરફ જતું લોહી કપાલતલીય ધમનીમાં પૂરેપૂરું પ્રવેશવાને બદલે થોડું લોહી અવળે માર્ગે અસરગ્રસ્ત બાજુની મણિકાગત ધમનીમાં થઈને હાથમાં વહે છે. તેથી જે બાજુની અવ-અરીય ધમની અસરગ્રસ્ત થઈ હોય તે બાજુ લોહી ચોરાઈ જાય છે અને નાના મગજ, લંબમજ્જા અને મજ્જાસેતુને ઓછું લોહી પહોંચે છે. આને કારણે મણિકાગત-કપાલતલીય ધમનીના વિસ્તારમાં TIAના હુમલા થાય છે. આ વિકારને અવઅરીય તસ્કરણ સંલક્ષણ (subclavian steal syndrome) કહે છે.

TIAમાં અચાનક અને થોડી મિનિટો માટે ચેતાતંત્રીય લક્ષણો થઈ આવે છે અને ત્યારબાદ સંપૂર્ણપણે સામાન્ય સ્થિતિ સ્થપાતી જોવા મળે છે. જો અંતઃશીર્ષગત ધમની-વિસ્તારમાં TIA થાય તો હાથ, પગ કે મોઢામાં અસક્તિ આવે, ભારેપણું લાગે, ખાલી ચડે કે ઝણઝણાટી થઈ આવે છે. થોડાક સમય માટે હલનચલન ધીમું થાય, બોલવામાં તકલીફ પડે કે એક આંખે જોવામાં તકલીફ થઈ આવે એવું બને છે.

આકૃતિ 3 : મગજની ધમનીઓમાં રુધિરાભિસરણ : (ક) સામાન્યસ્થિતિ, (ખ) અવઅરીય તસ્કરણ સંલક્ષણ.  મસ્તિષ્કી રુધિરાભિસરણ તથા મગજની નીચેની સપાટી પર આવેલું વિલિસનું વાહિનીચક્ર. 1. આરોહી મહાધમની (ascending aorta), 2. મહાધમની કમાન (aortic arch), 3. અવરોહી મહાધમની (descending aorta), 4. ભૂજાશીર્ષી નલધમની અથવા અનામિકા ધમની (innominated artery), 5. અવઅરીય ધમની (subclavian artery), 6. સામાન્ય શીર્ષગત ધમની (common carotid artery), 7. બાહ્ય શીર્ષગત ધમની (external carotid artery), 8. અંત:શીર્ષગત ધમની (internal carotid artery), 9. અગ્રમસ્તિષ્ક ધમની (anterioral cerebral artery), 10. અગ્રગામી સંયુગ્મક ધમની (anterior communicating artery), 11. મધ્યસ્થ મસ્તિષ્કધમની (middle cerebral artery), 12. પશ્ચમસ્તિષ્કધમની (porterior cerebral artery), 13. પશ્ચગામી સંયુગ્મક ધમની (posterior cerebral artery), 14. મણિકાગત ધમની (vertebral artery), 15. કપાલતલીય ધમની (basillar artery); ‘તીર’ રુધિરવહનની દિશા સૂચવે છે : (અ) હૃદયમાંથી આવતું લોહી, (આ) છાતી, પેટ અને પગ તરફ વહન, (ઇ) ચહેરા અને મોટા મગજના આગલા ભાગ તરફ, (ઈ) હાથ તરફ, (ઉ) મગજની પાછલા ભાગ અને નાનું મગજ તરફ, 16. અવઅરીય ધમનીમાં અવરોધ.

જ્યારે હુમલો થઈ રહ્યો હોય ત્યારે સ્નાયુમાં નિર્બળતા, સંવેદનાના વિકારો, ચેતાપરાવર્તી ક્રિયાઓમાં ફેરફાર, બોલવામાં તકલીફ વગેરે વિવિધ ચેતાતંત્રીય દુષ્કાર્યશીલતાઓ જોવા મળે છે, જે જેવો હુમલો શમે એટલે જતાં રહે છે. જો મણિકાગત-કપાલતલીય ધમની-વિસ્તારમાં હુમલો આવે તો દર્દીને ચક્કર આવે, ચાલતાં પડી જાય, અસંતુલન (ataxia), બેવડું દેખાય, ઉચ્ચારક્ષિત (dysarthria) થાય છે; ઝાંખું દેખાય, મોઢાની આસપાસ ઝણઝણાટી થાય કે ખાલી ચડે તથા શરીરમાં વ્યાપક નબળાઈ અને ખાલી ચડતી હોય એવું લાગે છે. ક્યારેક ડોકના હલન-ચલન પછી બંને પગમાં નબળાઈ આવે અને વ્યક્તિ પડી જાય છે. જોકે તે સમયે માથું દુખે કે બેભાનાવસ્થા થઈ આવી હોય એવું બનતું નથી.

સી. એ. ટી. સ્કૅન મગજમાં પ્રણાશ (infarction) કે રુધિરસ્રાવ (haemorrhage) નથી થયો તેવું દર્શાવે છે. શીર્ષગત ધમનીની દ્વિગુણી અલ્ટ્રાસોનોગ્રાફી નિદાન માટે ઉપયોગી છે. મગજની નસોનું વાહિનીચિત્રણ (angiography) ઘણી સુસ્પષ્ટ માહિતી આપે છે. ચુંબકીય અનુનાદી વાહિનીચિત્રણ (magnetic resonance angiography) સાદા વાહિનીચિત્રણ કરતાં સહેજ ઊણું ઊતરે છે. દર્દીને હૃદયરોગ, લોહીનું દબાણ, મધુપ્રમેહ, લોહીના રોગો, અતિમેદરુધિરતા (hyper-lipidaemia) વગેરે અન્ય તકલીફો છે કે નહિ તે જોઈ લેવાય છે. લોહીમાં કૉલેસ્ટીરોલ અને અન્ય ચરબીયુક્ત રસાયણો વધે તો તેને અતિમેદરુધિરતા કહે છે. TIAનો નિદાનભેદ કરવા માટે સ્થાનસીમિત આંચકી (focal seizures) તથા હાથ-પગના લોહીના વહનના અલ્પકાલીન વિકારોને ધ્યાનમાં લેવામાં આવે છે. આધાશીશી(migraine)માં આવી તકલીફો થતી હોય છે. પરંતુ તે નાની ઉંમરે થાય છે અને તેમાં માથાનો એક બાજુ સખત દુખાવો થાય છે. ક્યારેક લોહીમાં ગ્લુકોઝ ઘટી જાય ત્યારે પણ આવો જ વિકાર થઈ આવે છે. તેથી તેમનો પણ TIA સાથે નિદાન ભેદ કરાય છે.

વારંવાર થતા TIAના હુમલામાં જો મગજની નસમાં 70 %થી 99 % જેટલી કુંચિતતા (stenosis) આવેલી હોય તો શસ્ત્રક્રિયા કરાય છે. પરંતુ 30 %થી ઓછું સાંકડાપણું હોય તો શસ્ત્રક્રિયા કરાતી નથી. જેમનામાં શસ્ત્રક્રિયા સંભવિત નથી, તેમને ઔષધીય સારવાર અપાય છે. દર્દીને ધૂમ્રપાન બંધ કરવાનું સૂચવાય છે. તેના લોહીના દબાણને તથા મધુપ્રમેહના સ્તરને સામાન્ય સ્થિતિમાં લવાય છે અને લોહીમાંની ચરબી ઘટાડાય છે. જો દર્દીને નસોનો, લોહીનો કે હૃદયનો કોઈ રોગ હોય તો તેની સારવાર અપાય છે. જો હૃદયમાંથી ગુલ્મસ્થાનાંતરતા થતી હોય તો હિપેરીન વડે સારવાર અપાય છે. ત્યારબાદ મુખમાર્ગી પ્રતિગંઠક ઔષધો (anticoagulant drugs) વાપરીને સારવાર અપાય છે. લાંબા ગાળાની સારવારરૂપે ઍસ્પિરિનની મદદથી લોહીના ગંઠકકોષો(platelets)ને ગંઠાઈ જતા રોકવામાં આવે છે. સામાન્ય રીતે તેની માત્રા ઓછી રાખવામાં આવે છે. જેમને ઍસ્પિરિનથી આડઅસરો થતી હોય (પેટમાં બળતરા, મળમાં લોહી વહેવું, લોહીની ઊલટી થવી વગેરે) તેમને માટે ટિક્લોપિડિન ઉપયોગી દવા છે. જોકે તેનાથી ક્યારેક લોહીના શ્વેતકોષો ઘટી જાય છે.

() પ્રઘાત (stroke) : અચાનક થઈ આવતી અને લાંબી ચાલતી ચેતાતંત્રીય દુષ્કાર્યશીલતાને પ્રઘાત કહે છે. સામાન્ય રીતે દર્દીને લોહીનું ઊંચું દબાણ, મધુપ્રમેહ, હૃદય(કપાટ)ના વાલ્વનો રોગ કે નસોમાં મેદચકતી- તંતુકાઠિન્ય (atherosclerosis) થયેલું હોય છે. મગજનો જે ભાગ અસરગ્રસ્ત હોય તે પ્રમાણેનાં લક્ષણો અને ચિહ્નો જોવા મળે છે. પ્રઘાત થાય ત્યારે દર્દીને જે-તે ભાગનો લકવો થઈ આવે છે અને તે ક્યારેક તેની સભાનતા પણ ગુમાવે છે. અમેરિકામાં મૃત્યુનું તે ત્રીજું મહત્વનું કારણ છે. લોહીનું દબાણ, મધુપ્રમેહ, મેદરુધિરતા, ધૂમ્રપાન, હૃદયરોગ, એઇડ્ઝ, નશીલી દવાઓનો કુપ્રયોગ, અતિશય મદ્યપ્રયોગ વગેરે વિવિધ પરિબળોને કારણે પ્રઘાત થવાની સંભાવના વધે છે. એવી જાણકારી અને તેથી તેમના તરફની તકેદારીને કારણે અમેરિકામાં હાલ તેનું પ્રમાણ ઘટી રહ્યું છે. પ્રઘાતને મુખ્ય બે જૂથમાં વહેંચાય છે : પ્રણાશીય (infaraction-related) અને રુધિરસ્રાવી (haemorrhagic). મગજની નસમાં લોહી જામે (રુધિરગુલ્મન, thrombosis) અથવા અન્ય સ્થાનેથી આવેલો લોહીનો નાનો ગઠ્ઠો ચોંટે (ગુલ્મસ્થાનાંતરતા, embolism) ત્યારે મગજનો થોડોક ભાગ નાશ પામે છે. મગજના આવા આંશિક મૃત્યુને મસ્તિષ્કી પ્રણાશ (cerebral infarction) કહે છે. મગજની કોઈ નસ ફાટી જાય અને મગજમાં લોહી વહે તેને મસ્તિષ્કિ રુધિરસ્રાવ (cerebral haemorrhage) કહે છે. તેમને અલગ પાડવાં જરૂરી છે. પણ તે કરવું ઘણી વખત મુશ્કેલ બને છે.

(1) રિક્તાવકાશી પ્રણાશન (lacunar infarction) : તલગંડિકાઓ (basal ganglia), મજ્જાસેતુ (pons), નાનું મગજ, અંત:સંપુટની અગ્રભુજા (anterior limb of internal capsule) તથા ક્યારેક મોટા મગજના શ્વેતદ્રવ્યનો ઊંડાણવાળો ભાગ વગેરે મગજના વિવિધ ભાગોમાં 5 મિમી.થી ઓછા વ્યાસવાળા પ્રણાશી વિસ્તારો થાય છે. સામાન્ય રીતે લોહીના ઊંચા દબાણથી કે મધુપ્રમેહની અપૂરતી સારવાર થઈ રહી હોય તો તેવું થાય છે. તેને કારણે હલનચલનની કે સંવેદનાઓની તકલીફ ઉદભવે છે, ક્યારેક અસંતુલન થઈ જાય છે તો ક્યારેક બોલવા કે લખવામાં તકલીફ થઈ આવે છે. 24થી 36 કલાક સુધી તકલીફમાં વધારો થાય છે અને ત્યારપછી વધારો અટકે છે. સી. એ. ટી. સ્કૅનમાં નાના, સ્પષ્ટ કિનારીવાળા (punched-out), અલ્પઘન (hypodense) વિસ્તારો જોવા મળે છે. જોકે કેટલાક દર્દીઓમાં વધુ વ્યાપક વિસ્તારો જોવા મળે છે. રિક્તાવકાશી પ્રણાશનો દર્દી મોટાભાગના કિસ્સામાં 4થી 6 અઠવાડિયાંમાં લગભગ પૂરેપૂરો સારો થઈ જાય છે.

(2) મસ્તિષ્કપ્રણાશ (cerebral infarction) : મગજની નાની નસમાં ઉદભવતા અવરોધને રિક્તાવકાશી પ્રણાશ કહે છે, જ્યારે મોટી નસોમાં થતો અટકાવ મોટા વિસ્તારમાં મગજની પેશીનો નાશ કરે છે. તેને મસ્તિષ્કી પ્રણાશ કહે છે. TIA અને મેદચકતીજન્ય તંતુકાઠિન્ય (atherosclerosis) કરતા બધા જ વિકારોમાં તે થઈ શકે છે. મગજમાં થતા રુધિરાભિસરણમાં અવરોધ આવે તેને મસ્તિષ્કી અવાહિતા (cerebral ischaemia) કહે છે. તેનાં વિવિધ ઉત્તેજનકારી ચેતાપેપ્ટાઇડ-દ્રવ્યો મુક્ત થાય છે, જે ચેતાકોષોમાં કૅલ્શિયમનું પ્રવહન (flux) વધારે છે. કૅલ્શિયમના આ પ્રકારના વહનને કારણે કોષો મરે છે અને ચેતાતંત્રમાં વધુ ખામી ઉદભવે છે. શરૂઆત અચાનક થાય છે અને મગજ પર સોજો વધે તેટલા પ્રમાણમાં તકલીફમાં વધારો થાય છે. ચેતાતંત્ર ઉપરાંત હૃદય તથા ડોકમાંની ધમનીઓની શારીરિક તપાસ કરવાથી નિદાન નિશ્ચિત થાય છે. શીર્ષગત ધમનીના વિસ્તારમાં પ્રણાશ થાય ત્યારે થોડાક સમય માટે અચાનક અંધાપો આવે છે. તેને અલ્પકાલીન અંધતા (amaurosis fugax) કહે છે. અગ્રસ્થ મસ્તિષ્કધમનીમાં અવરોધ ઉદભવે તો સામેની બાજુના પગમાં લકવો થાય છે. ક્યારેક હાથના ઉપલા ભાગ(બાહુ)માં પણ અશક્તિ આવે છે. ક્યારેક પરિગ્રહણકારી ચેતાપરાવર્તી ક્રિયા(grasp reflex)ને કારણે વ્યક્તિની હથેળીમાં આવતી બધી જ વસ્તુને તે જોરથી પકડે છે. તેને પરાસજ્જી અક્કડતા (paratonic rigidity) તથા માનસિક ગૂંચવણ થઈ આવે છે. દર્દી કોઈ ક્રિયા આપમેળે શરૂ કરતાં ખચકાય છે. તેને અસ્વયંભૂતા (abulia) કહે છે. જો બંને બાજુની અગ્રસ્થ મસ્તિષ્કધમનીઓ અસરગ્રસ્ત થાય તો દર્દીને વિસ્મૃતિ આવે છે અને તેનું વર્તન વિષમ પ્રકારનું બને છે. જો એક બાજુની ધમનીમાં અગ્રગામી સંયુગ્મક ધમની પહેલાં અવરોધ થયો હોય તો ઘણી વખત કોઈ ખાસ તકલીફ થતી નથી.

મધ્યસ્થ મસ્તિષ્કધમનીના અવરોધમાં બીજી બાજુના હાથપગમાં પક્ષઘાત (hemiplegia) થાય છે. તે સાથે બીજી બાજુના હાથપગની સંવેદનાઓ જતી રહે છે અને બંને આંખના એક બાજુના અર્ધા ર્દષ્ટિ-વિસ્તારમાં અંધાપો આવે છે. તેમને અનુક્રમે હાથપગમાં થતી અર્ધસંવેદનાક્ષતિ (hemi- sensory loss) અને ર્દષ્ટિમાં થતી દ્વિપાર્શ્વ-સમરૂપી અર્ધઅંધતા (homonymous hemianopia) કહે છે. સામાન્ય રીતે બંને આંખો અસરગ્રસ્ત ધમનીની દિશામાં વાંકી વળેલી રહે છે. જો વાણીકેન્દ્ર ધરાવતા પ્રભાવી અર્ધગોલ (dominant hemisphere) તરીકે ઓળખાતા મોટામગજના ભાગમાં અવાહિતા થઈ હોય તો દર્દી સંપૂર્ણ અવાકતા (global aphasia) અનુભવે છે. તે બોલી શકતો નથી. અંત:શીર્ષગત ધમની અને મધ્યસ્થ મસ્તિષ્ક ધમનીના અવરોધમાં એકસમાન વિકાર થાય છે. આ બંને ધમનીના અવરોધમાં જો મગજ પર સોજો આવે તો ઘેન તથા બેભાનાવસ્થા થાય છે. જો મધ્યસ્થ મસ્તિષ્કધમનીની કોઈ શાખા અસરગ્રસ્ત થાય તો તેનાથી થતો વિકાર સીમિત રહે છે. જો મધ્યસ્થ મસ્તિષ્કધમનીની અગ્રવર્તી શાખા અસરગ્રસ્ત હોય તો સામેની બાજુએ (contralateral) લકવો તથા હાથ અને થોડા અંશે ચહેરા પર સંવેદનાની અલ્પતા થાય છે. પ્રભાવી અર્ધગોલમાં અગ્રવર્તી શાખા વાણીની અભિવ્યક્તિ ઘટાડે છે. તેને અભિવ્યક્તિલક્ષી અવાક્તા (expressive aphasia) કહે છે જેમાં અભિવ્યક્તિ માટે શબ્દોની ખોટ પડે છે. જો પશ્ચવર્તી (posterior) શાખા અસરગ્રસ્ત થાય તો સંવેદનાલક્ષી અવાક્તા (receptive aphasia) થાય છે. જેમાં વ્યક્તિ અતિવાચાળ બને છે, પરંતુ સ્પષ્ટ વાત કરી શકતી નથી. પશ્ચવર્તી શાખાના અવરોધમાં સમરૂપી અંધાપો જોવા મળે છે. અપ્રભાવી અર્ધગોલ(nondominant hemisphere)ની ધમનીઓ અસરગ્રસ્ત હોય તો વાણી સામાન્ય રહે છે, પરંતુ દર્દીને કપડાં પહેરવામાં તકલીફ પડે છે અને બે વસ્તુઓ વચ્ચેના અંતરની ઓછી સમજણ પડે છે.

આકૃતિ 4 : મોટા મગજનું રુધિરાભિસરણ. (અ, આ) મગજની બાહ્યસપાટી તથા મધ્યવર્તી સપાટી પરના ધમનીવિસ્તારો, (ઇ, ઈ) મગજના ઊભા અને આડા છેદમાં ધમનીવિસ્તારો, (ઉ, ઊ) અંત:શીર્ષગત ધમનીનું ધમનીચિત્રણ, (એ) મણિકાગત-કપાલતલ ધમનીનું ધમનીચિત્રણ (ઐ, ઔ) શિરાઓ અને શિરાવિવરો. 1. અગ્રમસ્તિષ્ક ધમનીવિસ્તાર, 2. મધ્ય મસ્તિષ્કી ધમનીવિસ્તાર, 3. પશ્ચસ્થ મસ્તિષ્ક ધમનીવિસ્તાર, 4. અગ્રનિલયજાલ ધમનીવિસ્તાર, 5. પશ્ચસ્થગામી સંયુક્તક ધમની 6. ખોપરી, 7. અંત:શીર્ષલક્ષી ધમની, 8. અગ્ર મસ્તિષ્કધમની, 9. મધ્યસ્થમસ્તિષ્ક ધમની, 10. મણિકાગત ધમની, 11. કપાલ તલીય ધમની, 12. પશ્ચસ્થ મસ્તિષ્કધમની, 13. લઘુમસ્તિષ્કીય ધમનીઓ, 14. મધ્યસ્થ પશ્ચાગ્ર વિવર (sagittal sinus), 15. સુરેખ શિરાવિલય, 16. અનુપ્રસ્થ શિરાવિવર, 17. અંત:શીર્ષગત શિરા (internal jugular vein)

મણિકાગત-કપાલતલીય ધમનીઓમાં થતા રુધિરાભિસરણમાં અવરોધ થાય તો જે તે અસરગ્રસ્ત ધમની પ્રમાણેના વિકારો થાય છે. મણિકાગત ધમનીમાં કયે સ્થળે અવરોધ થાય છે તે પ્રમાણેનો વિકાર સર્જાય છે. કરોડરજ્જુને તથા નાના મગજની નીચલી સપાટીને લોહી પહોંચાડતી ધમનીઓ – અનુક્રમે અગ્ર મેરુરજ્જુધમની (anterior spinal artery) અને અધ:પશ્ચ લઘુમસ્તિષ્કીય ધમની (posterior inferior cerebellar artery) નીકળે તે પહેલાં જો મણિકાગત ધમનીમાં અવરોધ થાય તો ખાસ કોઈ તકલીફ થતી નથી. તે સમયે વિલિસના વાહિનીચક્ર(circle of Wills)ને કારણે રુધિરાભિસરણ જળવાઈ રહે છે. અધ:પશ્ચ લઘુમસ્તિષ્કી ધમનીના અવરોધમાં ચહેરા અને ગળામાંની સંવેદના ઘટે છે, અંગોમાં અસંતુલન થાય છે તથા શરીરના સામેના ભાગની સંવેદનાઓ ઘટે છે. જો પશ્ચસ્થ મસ્તિષ્કધમની અસરગ્રસ્ત થાય તો ચેતક (thalamus) નામનો મગજનો મહત્વનો સંવેદનાલક્ષી વિસ્તાર અસરગ્રસ્ત થાય છે. તેથી સામેની બાજુ અતિપીડાવસ્થા (hyperpathia) અને અચાનક થઈ આવતી પીડા- (દુખાવા)નો વિકાર થઈ આવે છે. ઘણી વખત ર્દષ્ટિપટલ પર આવેલા ર્દષ્ટિબિંદુ (macula) નામના વિસ્તાર સિવાયના ભાગમાં સમરૂપી અંધતા આવે છે તથા ક્યારેક ટૂંકા સમય માટે પક્ષઘાતનો હળવો હુમલો થઈ આવે છે. ક્યારેક અનૈચ્છિક સંચલનો (involuntary movements) થાય છે.

બંને મણિકાગત ધમનીઓ કે કપાલતલીય ધમનીમાં અવરોધ ઉદભવે તો આંખની કીકીમાં આવેલા કનીનિકાઓ (pupils) નામનાં છિદ્રો સાંકડાં થાય છે. દર્દી બેભાન થાય છે, બંને હાથ અને પગમાં શિથિલતાપૂર્ણ (flaccid) લકવો થાય છે, તથા સંવેદનાઓ જતી રહે છે. મગજ અને મસ્તિષ્કપ્રકાંડમાંથી સીધેસીધી નીકળતી વિવિધ કર્પરી ચેતાઓ(cranial nerves)નું કાર્ય પણ ઘટે છે. આ પ્રકારના વિકારમાં દર્દીની આંખો લકવાગ્રસ્ત બાજુએ વાંકી વળેલી હોય છે. નાના મગજની કોઈ પણ મોટી ધમની અસરગ્રસ્ત થાય તો ચક્કર આવવાં, ઊબકા-ઊલટી થવી, નેત્રડોલન (nystagmus) થવું, અવરોધની બાજુ પરના અંગમાં અસંતુલન થવું, બહેરાશ આવવી તથા ચહેરાનો લકવો અને સંવેદનાક્ષતિ થવી વગેરે વિવિધ વિકારો થાય છે. શીર્ષગત ધમની કે મણિકાગત ધમનીના વિસ્તારમાં પ્રણાશ થાય તો ક્યારેક બેભાનાવસ્થા થઈ આવે છે.

નિદાનક્રિયામાં વિવિધ પ્રકારનાં ચિત્રણો લેવાય છે. છાતીના એક્સ-રે ચિત્રણથી હૃદય કે તેના વાલ્વ(કપાટ)ના વિકારો વિશે તથા જો ફેફસામાં કૅન્સર થયું હોય અને તે મગજમાં ફેલાયું હોય તો તેનું નિદાન થઈ શકે છે. એક્સ-રે-રોધી દ્રવ્ય વગરના સી.એ.ટી. સ્કૅન વડે મગજમાં લોહી નથી વહ્યું તે નક્કી કરી શકાય છે, પણ તેમાં પ્રણાશ છે કે ગાંઠ તે નક્કી કરી શકાતું નથી. જોકે ચુંબકીય અનુનાદી ચિત્રણ (magnetic resonance imaging, MRI) કરતાં તે વધુ લાભદાયી છે, કેમ કે તેના વડે ઉગ્રવિકારમાં નિદાન કરી શકાય છે. વળી લોહી વહેવાના પ્રથમ 24 કલાકમાં MRI તે અંગેનું નિદાન આપી શકતું નથી. જરૂરી કિસ્સાઓમાં MR–વાહિનીચિત્રણ અને સામાન્ય વાહિનીચિત્રણ કે શીર્ષગત ધમનીની દ્વિગુણી અલ્ટ્રાસોનોગ્રાફી કરાય છે. લોહી તથા હૃદયની વિવિધ પ્રકારની તપાસ કરીને ધમનીમાં અવરોધ કરતા રોગોનું નિદાન કરાય છે.

સારવારમાં જો લકવાનો વિકાર વધતો જતો હોય તો સી.એ.ટી. સ્કૅન કે દ્વિગુણી અલ્ટ્રાસોનોગ્રાફી કરીને નસોની બહાર લોહીનો ગઠ્ઠો (રુધિરાર્બુદ, haematoma) જામ્યો નથી એવું નિદાન કર્યા પછી તરત હિપેરિન અપાય છે. તેવી રીતે લકવાના પ્રથમ 3 કલાકમાં મસ્તિષ્કી રુધિરસ્રાવ નથી થયો એવું નિદાન કરીને નસ વાટે પુન:સંયોજિત ટીશ્યૂ-પ્લાઝમિનોજન નામનું ઔષધ અપાય છે. તેના વડે નસમાંનો લોહીનો ગઠ્ઠો (રુધિરગુલ્મ, thrombus) ઓગાળીને પ્રણાશને વધતો/થતો અટકાવી શકાય છે. જોકે તે સમયે દર્દીને પ્રતિગંઠકો (anticoagulant) વડે સારવાર અપાયેલી ન હોય અને લોહીનું દબાણ બહુ ઊંચું (185/110 મિમી. પારો) ન હોય તે ખાસ જોવાય છે. આ ઉપરાંત દર્દીની તંદુરસ્તીની જાળવણી કરાય છે, જો મગજ પર સોજો વધતો જતો હોય તો કૉર્ટિકોસ્ટીરૉઇડ (પ્રેડ્નસોલોન અથવા ડેક્ઝામિથેઝોન અપાય છે. આ માટે મેનિટોલથી ખાસ ફાયદો નોંધાયો નથી. આ સંજોગોમાં પેપાવરિન, કાર્બન ડાયોક્સાઇડ, બાયકાર્બોનેટ વગેરેનો ઉપયોગ પણ લાભકારક ગણાયો નથી. લોહીના દબાણને એકદમ ઝડપથી ઘટાડવામાં આવતું નથી. પૂર્ણપ્રઘાત(completed stroke)ના દર્દીમાં પ્રતિગંઠક ઔષધો(anticoagulants)નો પણ ખાસ ઉપયોગ નથી. પરંતુ જો હૃદયમાંથી લોહીના નાના નાના ગઠ્ઠા આવ્યા કરતા હોય તો પ્રથમ હિપેરિન અને ત્યારબાદ પ્રતિગંઠક ઔષધ (વૉરફેરિન) અપાય છે. તે માટે સી.એ.ટી. સ્કૅન કરીને મગજમાં લોહી વહી ગયું નથી તેની ખાતરી કરાય છે. કેટલાક નિષ્ણાતો 2-3 દિવસ રાહ જોયા પછી ફરીથી સી.એ.ટી. સ્કૅન કરીને ફેરચકાસણી કરે છે અને ત્યારબાદ મુખમાર્ગી રુધિરગંઠકો વડે સારવાર શરૂ કરે છે. નિમોડિપિન નામની એક કૅલ્શિયમ-પથ અવરોધક દવા વડે મસ્તિષ્કી અવાહિતાથી ઉદભવતી ક્ષતિને તથા પ્રઘાતથી ઉદભવતા માંદગી અને મૃત્યુના દરને ઘટાડી શકાય છે. એન-મિથાયલ-ડી-એસ્પારેટ (NMDA) પ્રકારનો ગ્લુટામેટ સ્વીકારક કૅલ્શિયમ-પથ સાથે જોડાયેલો છે અને તેને અવરોધતી દવાઓ પ્રઘાતથી થતી ક્ષતિ ઘટાડે છે એવાં સંશોધનનાં પરિણામો છે. હાલ તેનો પ્રાયોગિક ધોરણે ઉપયોગ થાય છે. દર્દીની સારવારમાં અશક્ત અને લકવાગ્રસ્ત સ્નાયુઓ, સાંધાઓ અને અંગોની વ્યાયામાદિ ચિકિત્સા ઘણી મહત્વની ગણાય છે. દર્દીને તેના મૂળ વ્યવસાયમાં પાછો ગોઠવવા પ્રયત્ન કરાય છે. મગજમાં કે તેની આસપાસ લોહી ઝમે તેના કરતાં મગજનો પ્રણાશ થાય તો જીવનકાળ વધુ રહે છે. પ્રઘાતના પ્રથમ 3 કલાકમાં સારવાર આપવાથી પરિણામમાં ઘણો ફરક આવતો હોવાથી બને તેટલી વહેલી સારવાર શરૂ કરાય છે. પ્રઘાત સમયે બેભાનાવસ્થા થાય તો તે ખરાબ પરિણામ સૂચવે છે. જેટલો મોટો પ્રણાશ તેટલી પુનર્વાસની પ્રક્રિયા વધુ લાંબી રહે છે. આ દર્દીઓને ફરીથી મગજનો અને હૃદયનો પ્રણાશ (myocardial infarction) થવાની સંભાવના વધુ રહે છે.

(ઉ-3) અંત:મસ્તિષ્કી રુધિરસ્રાવ (intracerebral haemor-rhage) : મગજમાં લોહી વહેવાનું સૌથી મહત્વનું કારણ લોહીનું ઊંચું દબાણ છે. ક્યારેક નસમાં પહોળી પોટલી જેવી વાહિનીપેટુ (ene urysm) અથવા વાહિની-અર્બુદ (angioma) નામની ગાંઠ બને તો તેમાંથી પણ લોહી વહે છે. લોહીના ઊંચા દબાણવાળા દર્દીઓની નસોમાં 100–300 માઇક્રોમીટરની નાની નાની સૂક્ષ્મ વાહિનીપેટુ (microenurysms) થયેલી હોય છે. સામાન્ય રીતે આવો રુધિરસ્રાવ તલગંડિકાઓ, મજ્જાસેતુ, ચેતક, લઘુમસ્તિષ્ક તથા ગુરુમસ્તિષ્કના શ્વેત દ્રવ્યમાં થાય છે. જો લોહી ત્યારબાદ મગજનાં પોલાણો(નિલયો, ventricles)માં થઈને મગજની આસપાસના અવજાલતાનિકી અવકાશ- (subarachnoid space)માં જાય તો તાનિકાઓના સંક્ષોભનનાં ચિહ્નો જોવા મળે છે. સામાન્ય રીતે કોઈ પણ પૂર્વલક્ષણ વગર અચાનક જ મગજમાં લોહી વહે છે. લોહીના ઊંચા દબાણ ઉપરાંત લોહીના રોગો, પ્રતિગંઠક ઔષધ વડે કરાતી સારવાર, યકૃતના રોગો, મસ્તિષ્કી વાહિનીરુગ્ણતા (cerebral angiopathy), મગજમાં થતી કે ફેલાઈને આવેલી ગાંઠો તથા મગજની નસોની કુરચના કે વાહિનીપુટ(aneurysm)માંથી પણ લોહી વહે છે. નસોના વિકારોમાં સામાન્ય રીતે અવજાલતાનિકી અવકાશમાં લોહી વહે છે પરંતુ તે ક્યારેક મગજની પ્રમુખપેશી (parenchyma)માં પણ વહે છે.

લગભગ અર્ધા ભાગના દર્દીઓ બેભાન થઈ જાય છે તથા ઊલટી થઈ આવે છે. ક્યારેક માથું દુખતું હોય છે. રુધિરસ્રાવના સ્થાન પ્રમાણે વિવિધ લક્ષણો અને ચિહ્નો થઈ આવે છે. લોહીના ઊંચા દબાણથી થતા વિકારમાં ખૂબ ઝડપથી પક્ષઘાત કે અલ્પપક્ષઘાત થઈ આવે છે. જો મગજના ઊંડાણમાં વિકાર થાય તો સંવેદનાઓ પણ ઘટે છે. તલગંડિકા (basal ganglia) કે ચેતક(thalamus)માં થયેલા રુધિરસ્રાવમાં બંને આંખમાં કોઈ એક દિશામાં સમાંતરપણે જોવાની ક્ષમતાનો લકવો થાય છે. ક્યારેક આંખો જુદી જુદી દિશામાં તાકે છે. ઘણી વખત બંને કનીનિકા (pupil) અસમાન બની જાય છે જો લઘુમસ્તિષ્કમાં રુધિરસ્રાવ થાય તો અચાનક થઈ આવતા ઊબકા, ઊલટી, અસંતુલન, માથાનો દુખાવો તથા બેભાનાવસ્થા થાય છે અને ઘણી વખત 48 કલાકમાં મૃત્યુ થાય છે. ક્યારેક અતિધીમી ગતિએ, કોઈ ગાંઠની જેમ, ચિહ્નો અને લક્ષણો થઈ આવે છે. ક્યારેક એક બાજુએ સમાંતર જોવાની ક્ષમતાનો લકવો થાય છે, કનીનિકાઓ નાની થઈ જાય છે, સામેની બાજુએ પક્ષઘાત થાય છે, ચહેરાનો લકવો થાય છે, ચાલતી વખતે અસંતુલન થાય છે તથા ક્યારેક શ્વાસોચ્છવાસમાં તકલીફ પડે છે.

એક્સ-રેરોધી દ્રવ્ય વગર કરાતા સી.એ.ટી. સ્કૅનની મદદથી નિદાન કરાય છે. તેની મદદથી લોહીના ગઠ્ઠા(રુધિરગુલ્મ)નું કદ અને સ્થાન પણ નક્કી કરાય છે. પ્રથમ 48 કલાકમાં તે MRIથી વધુ ઉપયોગી નીવડે છે. દર્દીની તબિયત પ્રમાણે જરૂર પડે તે કિસ્સામાં વાહિનીચિત્રણ કરાય છે. લોહી, મૂત્રપિંડ અને હૃદયની તપાસ કરીને કારણ શોધવા પ્રયત્ન કરાય છે. કટિછિદ્રણ કરીને કેડમાંથી પ્રવાહી કાઢવા જતાં ઘણી વખત મગજના ભાગો નીચે તરફ સરકે છે. તેમાં જીવનને જોખમ રહે છે. તેથી તે તપાસ કરાતી નથી. મુખ્યત્વે રાહતદાયી સારવાર અપાય છે. જો લોહીનો ગઠ્ઠો (રુધિરગુલ્મ) દબાણ કરતો હોય તો તેને શસ્ત્રક્રિયાથી બહાર કાઢવાનું વિચારાય છે. નાના મગજમાં લોહી ઝમે ત્યારે શસ્ત્રક્રિયા કરીને લોહીનો ગઠ્ઠો કાઢી નાંખવાનો પ્રયત્ન કરાય છે. અન્ય કારણરૂપ રોગોની સારવાર રોગના પ્રકારને આધારિત છે.

(4) અવજાલતાનિકીય રુધિરસ્રાવ (subarachnoid haemorrhage) : તે આશરે 5 %થી 10 % પ્રઘાતનું કારણ છે. સામાન્ય રીતે તે વાહિનીપેટુ (aneurysm) કે વાહિનીકુરચના(vascular malformation)માંથી લોહી ઝમવાથી થાય છે. અચાનક સખત માથું દુખે છે. ત્યારબાદ ઊબકા-ઊલટી થઈ આવે છે અને તે સમયે દર્દી ભાન ગુમાવે છે. જો દર્દી ભાનમાં ન આવે તો તેનું મૃત્યુ થાય છે. જે દર્દી સભાન હોય તેને માનસિક ગૂંચવણ રહે છે અને તે ઉશ્કેરાટ અનુભવે છે. દર્દીની ડોક અક્કડ થઈ જાય છે અને આગળ તરફ વાળતાં તકલીફ પડે છે. તેને તાનિકી સંક્ષોભનનાં ચિહ્નો (signs of meniugeal irritation) કહે છે. ક્યારેક સ્થાનિક ચેતાતંત્રીય ક્ષતિનાં લક્ષણો થઈ આવે છે. સી.એ.ટી. સ્કૅન વડે નિદાન કરાય છે. પ્રથમ 24 કલાકમાં તે MRI કરતાં વધુ માહિતીપ્રદ રહે છે. કટિછિદ્રણ દ્વારા કેડમાંથી પ્રવાહી કઢાય ત્યારે તેમાં લોહી જોવા મળે છે. ક્યારેક પ્રવાહીની પીતવર્ણકતા (xanthochromia) એટલે કે પીળારંગનું પ્રવાહી જોવા મળે છે. દર્દીની તબિયત સ્થિર થાય ત્યારે વાહિનીચિત્રણ વડે લોહી વહેવાનું સ્થાન નક્કી કરી શકાય છે. સામાન્ય રીતે ચારે ધમનીઓનું ચિત્રણ મેળવાય છે. MR વાહિનીચિત્રણ કરતાં સાદું વાહિનીચિત્રણ વધુ માહિતી આપે છે. બેભાન દર્દીને રાહતદાયી સારવાર અપાય છે. તેની તકલીફોને દૂર કરવા લક્ષણલક્ષી સારવાર અપાય છે. લોહીનું દબાણ ધીમે ધીમે ઘટાડાય છે. આંચકી રોકવા માટે ફેનિટોઇન અપાય છે.

(5) અંત:કર્પરી વાહિનીપેટુ (intracranial aneurysm) : નસનો કોઈ ભાગ ફૂગ્ગાની માફક ફૂલ્યો હોય તો તેને વાહિનીપેટુ કહે છે. ખોપરીની અંદર જ્યાં જ્યાં ધમનીઓનું શાખાદ્વિભાજન (bifurcation) થતું હોય ત્યાં ત્યાં ઘણી વખત પુટિમય પેટુ (saccular aneurysm) થાય છે. તે પુખ્યવયે વધુ જોવા મળે છે અને 20 % કિસ્સાઓમાં ઘણી સંખ્યામાં હોય છે. સામાન્ય રીતે તેનાથી કોઈ તકલીફ થતી નથી. આ દર્દીઓને ઘણી વખતે મૂત્રપિંડમાં પણ પ્રવાહી ભરેલી ઘણી કોષ્ઠ (cysts) હોય છે. તેને બહુકોષ્ઠી મૂત્રપિંડતા (polycystic kidney disease) કહે છે. ક્યારેક તેમને મહાધમની-કમાન-કુંચિતતા (coarctation of aorta) હોય તો મહાધમનીમાં સ્થાનિક સાંકડાપણું જોવા મળે છે. મોટાભાગના પેટુઓ વિલિસના વાહિનીચક્રના આગળના ભાગમાં હોય છે – અગ્રગામી અને પશ્ચગામી સંયુગ્મક ધમનીઓ (anterior and posterior communicating arteries) પર તથા મધ્યસ્થ મસ્તિષ્કધમની તથા અંત:શીર્ષગત ધમનીના શાખાદ્વિભાજન સ્થાને. ઘણી વખત પેટુ આસપાસના ચેતાકોષો કે ચેતાતંતુઓને દબાવીને તકલીફો સર્જે છે. જોકે મોટેભાગે તે કોઈ ખાસ તકલીફ કરતા નથી. જો તે ફાટે તો અવજાલતાનિકી રુધિરસ્રાવ સર્જે છે. મોટેભાગે તેને કારણે સ્થાનિક તકલીફો થાય છે. ક્યારેક 4થી 14 દિવસ પછી પક્ષઘાત થઈ આવે છે. તેનું કારણ ક્યારેક ધમનીનું સતત સંકોચન થાય છે તે છે. ક્યારેક તેને કારણે જો તીવ્ર વિકાર થાય તો તે મસ્તિષ્કી પ્રણાશ પણ કરે છે. ક્યારેક ખોપરીમાં વધુ પ્રમાણમાં પ્રવાહી ભરાવાથી જલશીર્ષ (hydrocephalus) થાય છે. ખોપરીમાં દબાણ વધે છે. ક્યારેક તેને માટે સંયુગ્મકનળી (shunt) મૂકવાની જરૂર પડે છે. ક્યારેક કોક દર્દીમાં મોટા પ્રમાણમાં રુધિરસ્રાવ થાય તો અવજાલતાનિકી રુધિરસ્રાવ જેવી સ્થિતિ સર્જાય છે.

કટિછિદ્રણ વડે તપાસ માટે બહાર કઢાતું મગજની આસપાસનું પ્રવાહી લોહીવાળું હોય છે. મગજના વીજાલેખ(electroencepha-logram, EEG)ની મદદથી રુધિરસ્રાવનું સ્થાન સૂચવી શકાય છે. પરંતુ ઘણી વખત તે ફક્ત વ્યાપક વિષમતા દર્શાવે છે. મગજમાં જોવા મળતી વીજવિષમતાનું કારણ અનુકંપી ચેતાતંત્રીય સક્રિયતા હોય છે. લોહીમાં ઘણી વખત શ્વેતકોષો તથા ગ્લુકોઝનું પ્રમાણ વધેલું હોય છે. સારવારનો હેતુ વધુ રુધિરસ્રાવ ન થાય તે જોવાનો છે. શક્ય હોય તે કિસ્સામાં શસ્ત્રક્રિયા વડે બાકીના વાહિનીપેટુઓને બાંધી દેવાય છે. જો શસ્ત્રક્રિયા શક્ય ન હોય તો અવજાલતાનિકી રુધિરસ્રાવની માફક સારવાર અપાય છે. 6 અઠવાડિયાં પછી ધીમે ધીમે હલનચલન કરવાની છૂટ અપાય છે. હાલ અંતસ્ક્રિયક એક્સ-રેવિદ્ (interventional radiologist) તબીબ વિકારગ્રસ્ત નસમાં સાધનને પ્રવેશ આપીને અંત:વાહિની ચિકિત્સા (endovascular treatment) આપે છે. આશરે 20 % દર્દીઓમાં 2 મહિનામાં અને 40 % દર્દીઓમાં 6 મહિનામાં ફરીથી રુધિરસ્રાવ થવાની સંભાવના રહે છે. પ્રથમ 14 દિવસમાં પ્રતિતનુતંનુ-વિલયી (antifibrinolytic) ઔષધ (દા.ત. એમીનોકેપ્રિઓઇડ ઍસિડ) વડે સારવાર કરવાથી ફરીથી લોહી વહેવાની સંભાવના ઘટે છે. પરંતુ મસ્તિષ્કી અવાહિતાની તકલીફ વધે છે. તેથી એકંદર મૃત્યુદર સમાન રહે છે તથા જીવી જતા દર્દીઓની તકલીફોની કક્ષા પણ સમાન રહે છે. નિમોડિપીનની મદદથી ધમનીઓની સતત સંકોચનજન્ય અવાહિતાનો દર ઘટાડી શકાય છે. શસ્ત્રક્રિયા કર્યા પછી પણ લોહીનું એકંદર કદ વધારવાથી, લોહીનું દબાણ ઊંચું રાખવાથી કે અસરગ્રસ્ત ધમનીઓને ફુગ્ગા વડે ફુલાવવાથી પણ અવાહિતા ઘટે છે. ફાટી ન ગયેલા પણ આસપાસ દબાણ કરતા વાહિનીપેટુને કાઢી નંખાય છે, જ્યારે દબાણ ન કરતા હોય એવા 5 મિમી.થી વધુ પ્રમાણમાં મોટા પેટુ હોય તો તેમને કાઢી નંખાય છે. દરેક ન ફાટેલા પેટુનું શું ભાવિ હશે તે નિશ્ચિત કરવું અઘરું છે.

(6) ધમનીશિરાલક્ષી કુરચનાઓ (arteriovenous malfor-mation) : તે મગજની નસોની જન્મજાત કુરચનાઓ છે. તે જુદા જુદા કદની હોય છે અને તેને કારણે રુધિરસ્રાવ કે અવાહિતાનો વિકાર થાય છે. મોટેભાગે તે મોટા મગજને અસરગ્રસ્ત કરે છે. તેમાંથી જો એક વખત રુધિરસ્રાવ થાય તો તે ફરીથી થવાની સંભાવના રહે છે. જેમને લોહી વહે તેઓમાં સી. એ. ટી. સ્કૅન અને જેમનામાં લોહી ન વહ્યું હોય તેમનામાં સી. એ. ટી. સ્કૅન અને એમ. આર. આઇ. વડે નિદાન કરાય છે. આંચકી આવતી હોય તેવા દર્દીઓમાં EEG વિષમ હોય છે. રુધિરસ્રાવ ન થયો હોય, સહેલાઈથી કાઢી શકાય તેવા સ્થાનનો વિકાર હોય અને દર્દીનો સંભવિત જીવનકાળ લાંબો હોય કે હૃદયના કાર્યમાં વિક્ષેપ ઉદભવતો હોય તો શસ્ત્રક્રિયા કરીને તેને દૂર કરવાનું સૂચવાય છે. જેમને દૂર ન કરી શકાય તેવી કુરચનાઓને દ્રવ્યસ્થાનાંતરણ (embolisation) વડે તેની ધમનીને અવરોધીને નિષ્ક્રિય કરાય છે. કુરચનાને લોહી પહોંચાડતી સંપૂરકધમની(feeding artery)માં વાહિનીરોધક બહુસ્વરૂપ દ્રવ્ય (vasoocclusive polymer) વપરાય છે. તેને ફુલાવી શકાય એવા ફુગ્ગા વડે યોગ્યસ્થાને સ્થાપિત કરીને નસને બંધ કરી દેવાય છે. તેને દ્રવ્યસ્થાનાંતરણ કહે છે. હાલ ગૅમાછૂરિકા (gamma knife) વડે ત્રિપરિમાણી શસ્ત્રક્રિયા (stereotactic surgery) પણ કરવામાં આવે છે.

(7) અંત:કર્પરી શિરારુધિરગુલ્મન (intracranial venous thrombosis) : ખોપરીમાંનો કે ચહેરાના વિસ્તારનો ચેપ, અતિરુધિરગંઠનકારી સ્થિતિ (hypercoagulable state), અતિરુધિરકોષિતા (polycythaemia), દાત્રકોષી રોગ (sickle cell disease), નીલિમાકારી જન્મજાત હૃદયરોગ (cyanotic heart disease), સગર્ભાવસ્થા, સૂતિકાકાળ વગેરે વિવિધ સ્થિતિઓમાં મગજની આસપાસની શિરાઓમાં કે શિરાવિવરોમાં લોહી જામી જવાનો ભય રહે છે. તેમાં દર્દીને માથું દુખે છે, આંચકી આવે છે, ઘેન ચડે છે, માનસિક ગૂંચવણ થાય છે અને ખોપરીમાંનું દબાણ વધે છે. ક્યારેક ચેતાતંત્રીય કાર્યમાં વિક્ષેપ પડે તો કેટલીક ચેતાતંત્રીય ક્ષતિઓ (neurological deficits) ઉદભવે છે. સી. એ. ટી. સ્કૅન, એમ. આર. આઇ., MR શિરાચિત્રણ (venography) કે વાહિનીચિત્રણ (angiography) વડે નિદાન કરાય છે. આંચકીરોધી તથા સોજો ઉતારતી દવાઓ વડે સારવાર કરાય છે. ડેક્સામિથેઝોન વડે મગજ પરનો સોજો ઘટાડાય છે. હિપેરિનની મદદથી લોહીને ગંઠાઈ જતું અટકાવાય છે.

બશીર  એહમદી

શિલીન નં. શુક્લ