મસૂદી (અલ-મસૂદી)

January, 2002

મસૂદી (અલ-મસૂદી) (જ. આશરે 899, બગદાદ; અ. અલ-કુસાત, ઇજિપ્ત) : ભૂગોળ અને ઇતિહાસના અગ્રણી લેખક. આખું નામ અબુલ હસન અલી ઇબ્ન અલ-હુસૈન અલ-મસૂદી. તેઓ પયગંબર સાહેબ(સ. અ. વ.)ના મહાન સહાબી હજરત અબ્દુલ્લા ઇબ્ન મસૂદના વંશજ હતા; તેથી તેઓ મસૂદી કહેવાય છે. તેમણે ભરયુવાનીમાં પ્રવાસ ખેડવાની શરૂઆત કરી હતી. સૌથી પહેલાં ઈરાન તથા કિરમાનનો પ્રવાસ કરીને 915માં ઇસ્તખર(પર્સેપૉલિસ)માં થોડો સમય રોકાયા હતા. 916માં ભારતમાં આવીને તેમણે મુલતાન અને મનસૂરાની મુલાકાત લીધી હતી. તેઓ થોડોક સમય ખંભાત તથા સૈમૂરમાં પણ રહ્યા હતા. અહીંથી તેઓ સફર કરતાં કરતાં પહેલાં શ્રીલંકા, ત્યાંથી ચીની સમુદ્ર અને ત્યાંથી પાછા ફરતાં ઝાંઝીબાર તથા માડાગાસ્કર પહોંચી ગયા હતા. થોડોક સમય ઓમાનમાં રોકાણ કરી તેઓ 926માં બીજી વખતના પ્રવાસમાં મધ્ય એશિયામાં ફરતાં ફરતાં કાસ્પિયન સમુદ્ર સુધી પહોંચ્યા હતા. પૅલેસ્ટાઇનના ટિબેરિયસમાં વિસામો લઈને 943માં ઍન્ટિયૉક તથા સીરિયાનાં સરહદી શહેરોની તેમણે મુલાકાત લીધી હતી. તેઓ 945માં દમાસ્કસમાં પણ રોકાયા હતા. તેમણે સીરિયા અને ઇજિપ્ત વચ્ચે મુલાકાતો ચાલુ રાખીને 947થી 955 વચ્ચે ઇજિપ્તના જૂના પાટનગર અલ-ફુસ્તાતમાં છેલ્લાં વર્ષો ગાળ્યાં અને ત્યાં જ તેઓ અવસાન પામ્યા. પ્રવાસો કરવા પાછળ તેમનો મુખ્ય આશય ઇતિહાસ તથા ભૂગોળવિષયક માહિતી એકઠી કરવાનો હતો. આમ તેમણે એકત્ર કરેલી માહિતીના આધારે જે પુસ્તકો લખ્યાં તેમાં ઇતિહાસ તથા ભૂગોળ મુખ્ય વિષયો છે. એ ઉપરાંત પણ તેમણે તત્વજ્ઞાન, ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, રાજકારણ વગેરેમાં રસ દાખવ્યો. મસૂદીને તેમનાં કાળજીપૂર્વકનાં સંશોધનો, વિશાળ ર્દષ્ટિબિંદુ અને માનવતાવાદી અભિગમને લઈને ‘અરબોના હિરોડોટસ’ કહેવામાં આવે છે. વિવિધ વિષયો ઉપર તેમણે લખેલાં અનેક પુસ્તકોમાંથી કેટલાંક નીચે પ્રમાણે છે :

(1) ‘કિતાબુ અખ્બારિઝઝમાન : વિશ્વ-ઇતિહાસને લગતો મહાગ્રંથ. મસૂદીએ 943માં તે લખેલો. તેના 30 ખંડો લખાયા છે. તેમાં સૃષ્ટિના સર્જનથી શરૂ કરીને ભૌગોલિક સર્વેક્ષણ, બિનમુસ્લિમ પ્રજાઓ અને છેલ્લે ઇજિપ્તના વિસ્તૃત ઇતિહાસનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે તેની સંપૂર્ણ પ્રત મળતી નથી. (2) ‘કિતાબુલ અવસત’ : આ પ્રથમ કૃતિનું સંક્ષિપ્ત સ્વરૂપ છે. (3) ‘મુરૂજુઝઝહબ વ મઆદીનુલ જવાહિર’ : આ પ્રથમ પુસ્તકની સંક્ષિપ્ત સરળ આવૃત્તિ છે. 947માં તેની રચના થઈ. તેણે મસૂદીને સારી નામના અપાવી. આ પુસ્તક 135 પ્રકરણોમાં છે. તેના પ્રથમ અર્ધ ભાગમાં બીજા વિષયો ઉપરાંત ભારત, ગ્રીસ તથા રોમ જેવા બિનમુસ્લિમ દેશોનાં ઇતિહાસ, ભૂગોળ, સમાજજીવન અને ધાર્મિક પરંપરાઓની ચર્ચા કરવામાં આવી છે. બીજા અર્ધ ભાગમાં ઇસ્લામનો ઇતિહાસ વર્ણવવામાં આવ્યો છે, જે પયગંબર સાહેબ (સ. અ. વ.) તથા પવિત્ર ખલીફાઓથી શરૂ કરીને મસૂદી સુધીના સમયપટને આવરી લે છે. મસૂદીએ 947માં તેની રચના અને 956માં તેની પુનર્રચના કરી હતી. (4) ‘કિતાબુત તબીહ વલ ઇશરાફ’ : મસૂદીએ પોતાની જિંદગીના છેલ્લા વર્ષમાં ફુસ્તાત શહેરમાં તેની રચના કરી હતી. તેનાં આગલાં પુસ્તકો ઉપર પુન:ર્દષ્ટિ નાંખીને પ્રાપ્ત થયેલી નવી માહિતીનો આમાં ઉમેરો કર્યો છે. આ પુસ્તક 1894માં પ્રગટ થયું હતું.

તેમની કૃતિઓની મુખ્ય વિશિષ્ટતા એ છે કે તેમણે રાજકારણ કરતાં સામાજિક, આર્થિક, ધાર્મિક તથા સાંસ્કૃતિક બાબતોને મહત્વ આપ્યું છે. તેઓ મોતઝેલા નામની એક બૌદ્ધિક ચળવળ સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા. તેથી મસૂદી હિન્દુ, જરથોસ્તી, યહૂદી તથા ખ્રિસ્તી જેવા બધા ધર્મોમાં રસ લેતા હતા અને બિનમુસ્લિમ પ્રજાઓ પાસેથી પણ માહિતી મેળવવામાં સંકોચ અનુભવતા નહોતા. ઇતિહાસ લખતી વખતે તેમણે એવાં ભૌગોલિક તત્વો તથા ભૌતિક પર્યાવરણનો ખાસ ખ્યાલ રાખ્યો હતો, જે પ્રજાઓનાં ચારિત્ર્ય ઘડવામાં મહત્વનો ભાગ ભજવે છે. આવી રીતે તેમણે મુસ્લિમ ઇતિહાસ-લેખનશાસ્ત્ર(Historiography)માં નવી ભાત પાડી હતી. તેમણે કાલક્રમ અનુસાર ઇતિહાસ લખવાની પોતાના પુરોગામીઓની પદ્ધતિ છોડી દઈને વંશો, રાજકર્તાઓ, પ્રજાઓ જેવા જુદા જુદા વિષયોને અનુલક્ષીને વર્ણન આપ્યું છે. આમ મસૂદીએ ઇતિહાસ-લેખનપદ્ધતિમાં વિષયાનુલક્ષી પદ્ધતિ દાખલ કરનારનું માન મેળવ્યું છે. તેમનું પાછળથી ઇબ્ને ખલ્દૂન’ અલ-અસીર, ઇબ્ન-મિસ્કવૈહ, ઇબ્ને ખલ્લિકાન તથા અબૂલ ફિદાએ અનુકરણ કર્યું હતું. પોતાના સમયના લોકોના ઇતિહાસની મૂલ્યવાન સામગ્રી રજૂ કરીને તેમણે સૌની પ્રશંસા મેળવી છે.

મકસૂદ એહમદ

અનુ. મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી