મલ્લિકામકરંદ : સોલંકીકાળના ગુજરાતી મહાકવિ રામચંદ્રે સંસ્કૃત ભાષામાં લખેલું નાટક. આ નાટક હજી સુધી પ્રગટ થયું નથી, પરંતુ હસ્તપ્રતમાં સચવાઈ રહેલું છે. ત્રણસો વર્ષ પહેલાં કાન્તિવિજયગણિએ પોતાના ગ્રંથાગારની યાદીમાં ‘મલ્લિકામકરંદ’ નામના રામચંદ્રે લખેલા નાટકની ગણના કરી છે અને તે 500 શ્ર્લોકપ્રમાણના લખાણવાળું નાટક છે એવો નિર્દેશ પણ સાથે સાથે કર્યો છે. એ પછી રામચંદ્ર અને ગુણચંદ્રનો ‘નાટ્યદર્પણ’ નામનો નાટ્યશાસ્ત્રવિષયક ગ્રંથ ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ, વડોદરાથી વીસમી સદીના પૂર્વાર્ધમાં પ્રગટ થયો. તેમાં ‘મલ્લિકામકરંદ’ નાટકનું ઉદ્ધરણ આપવામાં આવ્યું છે. નાયક મકરંદે કહેલો એક શ્લોક તેમાં રજૂ થયો છે અને તે પ્રકરણ પ્રકારનું રૂપક છે એવી માહિતી આપવામાં આવી છે. આ માહિતી તેમના વડોદરાના ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટે જ પ્રકાશિત કરેલા ‘નલવિલાસ’ નામના નાટકની પ્રસ્તાવનામાં પણ આપી છે. પ્રકરણ પ્રકારનું રૂપક દસ અંકોનું બનેલું હોય છે; તેથી તે પણ દસ અંકોનું હોવાનું માની શકાય.
પ્ર. ઉ. શાસ્ત્રી