જેન્સન, જૉહાનિસ હાન્સ ડૅનિયલ (જ. 25 જૂન 1907, હૅમ્બર્ગ, જર્મની; અ. 11 ફેબ્રુઆરી 1973, હાઇડલબર્ગ) : પરમાણ્વીય ન્યુક્લિયસના બંધારણની લાક્ષણિકતાઓ અંગે વિશદ સમજૂતી માટે વિજ્ઞાનીઓ મારિયા જ્યૉપર્ટ—મેયર અને યુજીન. પી. વિગ્નર સાથે 1963નાં ભૌતિકશાસ્ત્રનાં સંયુક્ત નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર જર્મન ભૌતિકશાસ્ત્રી. જેન્સને યુનિવર્સિટી ઑવ્ હૅમ્બર્ગમાં અભ્યાસ કરી તે જ યુનિવર્સિટીની વિદ્યાશાખામાં 1936થી 41 સુધી સેવા આપી. ત્યાર બાદ હેનૉવર ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાં જોડાયા. 1949માં યુનિવર્સિટી ઑવ્ હાઇડલબર્ગમાં પ્રાધ્યાપક તરીકે નિયુક્ત થયા અને મૃત્યુપર્યંત આ યુનિવર્સિટીની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ થિયરેટિકલ ફિઝિક્સમાં નિર્દેશક તરીકે કામ કર્યું. 1949માં મેયર અને વિગ્નર સાથે ન્યૂક્લિયર
કવચ પ્રતિકૃતિ (nuclear shell model) તૈયાર કરી પરમાણુ ન્યૂક્લિયસની લાક્ષણિકતાઓને શેલથિયરી તરીકે ઓળખાતા સિદ્ધાંત દ્વારા દર્શાવી. તદનુસાર પરમાણુ ન્યૂક્લિયસ પણ પરમાણુના ઇલેક્ટ્રૉનની જેમ કવચ ધરાવે છે, જેમાં ન્યૂટ્રૉન અને પ્રોટૉન આવેલા હોય છે. તેમની સંખ્યા બદલાતી રહે છે. તેને લઈને ન્યુક્લિયસ તેના ગુણધર્મો અનુસાર એક સુવ્યવસ્થિત સંરચના ધરાવે છે. આ સિદ્ધાંતમાં જેન્સન અને મેયરે દર્શાવ્યું કે ન્યૂક્લિયસનો વિચાર એક બિંદુની આસપાસ અસ્તવ્યસ્ત ગતિ કરતા ન્યૂટ્રૉન અને પ્રોટૉન તરીકે ન કરતાં કવચ ધરાવતી સંરચના તરીકે કરવો જોઈએ. આ સંરચનામાં જુદી જુદી ત્રિજ્યાવાળા વર્તુળાકાર સ્તરો આવેલા છે અને દરેક સ્તરમાં ન્યૂટ્રૉન અને પ્રોટૉન હોય છે. આ સિદ્ધાંતે તેમને 1963માં ભૌતિકશાસ્ત્ર માટેનું નોબેલ પારિતોષિક અપાવ્યું, જેનો અડધો હિસ્સો વિગ્નરને અને બાકીનો અડધો હિસ્સો જ્યૉપર્ટ અને જેન્સનને સંયુક્તપણે મળ્યો હતો.
રાજેશ શર્મા