જેતપુર : રાજકોટ જિલ્લાના 14 પૈકીનો એક તાલુકો, સબડિવિઝન અને તાલુકામથક. આ સબડિવિઝનમાં જેતપુર ઉપરાંત ધોરાજી, ઉપલેટા અને જામકંડોરણા તાલુકા આવેલા છે. 21°થી 22° 40’ ઉ. અ. અને 70°થી 71’ પૂ. રે. વચ્ચે આવેલો છે. તાલુકામાં 2 શહેરો અને 47 ગામો આવેલાં છે. જેતપુર તાલુકા અને શહેરનું નામ જેતાજી કે જેતોજીવાળાના નામ ઉપરથી પડ્યું છે. આઝાદી પૂર્વે જેતપુર દેશી રાજ્ય હતું.
તાલુકાનું ક્ષેત્રફળ 679 ચોકિમી. છે. પૂર્વ દિશાએ અમરેલી જિલ્લો, પશ્ચિમે રાજકોટ જિલ્લાના ધોરાજી અને જામકંડોરણા તાલુકા, દક્ષિણે જૂનાગઢ જિલ્લો અને ઉત્તરે રાજકોટ જિલ્લાનો ગોંડળ તાલુકો આવેલા છે. પૂર્વ સીમા અને દક્ષિણ તરફનો થોડો ભાગ ટેકરીઓવાળો છે. બાકીનો પ્રદેશ સપાટ છે. લાવાના ખડકોમાંથી બનેલી રેગર તરીકે ઓળખાતી કાળી જમીન કપાસના પાક માટે સારી છે. તે ભેજ સાચવે છે. સમગ્ર જિલ્લાની સરેરાશ ઊંચાઈ 150 મી. છે. ભાદરની ખીણનો પ્રદેશ ખૂબ ફળદ્રૂપ છે અને મગફળીનો ભંડાર છે.
તાલુકો સમુદ્રથી દૂર હોઈને આબોહવા વિષમ છે. મે માસનું સરાસરી ગુરુતમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 41° સે. અને 23.4° સે. રહે છે. વધુમાં વધુ તાપ આ માસમાં પડે છે. ત્યારબાદ વધુ તાપમાન ઑક્ટોબરમાં હોય છે. સૌથી ઓછું તાપમાન જાન્યુઆરી માસમાં હોય છે. સરાસરી ગુરુતમ અને લઘુતમ તાપમાન 33.6° સે. અને 6° સે. રહે છે. સરેરાશ વરસાદ 600 મિમી. આસપાસ રહે છે. વરસાદી દિવસોની સંખ્યા 32 છે. 50% વરસાદ જુલાઈમાં પડે છે. ભાદર નદી સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી છે. તે 192 કિમી. લાંબી છે. તે અને તેની શાખાઓ આ તાલુકામાંથી પસાર થાય છે. તાલુકામાં નોંધપાત્ર ડુંગર એક પણ નથી. આ તાલુકામાં 276 હેક્ટરમાં જંગલ છે જેમાં મુખ્યત્વે બાવળનાં વૃક્ષો છે. ગાયો, ભેંસો અને પાડા, બકરાં, ઘોડા, ટટ્ટુ, ગધેડા, ડુક્કર, કૂતરા વગેરે પ્રાણીઓ છે. આ તાલુકામાં જંગલી પ્રાણીઓમાં શિયાળ, નોળિયો, સાપ વગેરે છે.
તાલુકામાં ખાદ્ય પાકોનું વાવેતરપ્રમાણ ખેતીની કુલ જમીનના 21.85% જેટલું છે. ઘઉં, બાજરી, જુવાર વગેરે બધા પ્રકારનું અનાજ વવાય છે. કઠોળનું વાવેતર થાય છે. ભાદરની નહેરને કારણે શેરડી વવાય છે. કપાસ, મગફળી ઉપરાંત તલ અને રાઈ થોડા પ્રમાણમાં વવાય છે. ખેતી માટે આ તાલુકો આગળ પડતો છે.
જેતપુર તાલુકાનાં બધાં ગામોનું વીજળીકરણ થયું છે. ભાદરનું પાણી રંગાટીકામ માટે અનુકૂળ છે. તેલ મિલો અને કપાસ લોઢવાનાં જિન છે. જેતપુર તાલુકામાં 430 નાના ઔદ્યોગિક એકમો નોંધાયેલા હતા.
આ જિલ્લામાંથી રાજકોટ–પોરબંદર બ્રૉડગેજ રેલવે તથા રાજકોટ – પોરબંદર 8B રાષ્ટ્રીય અને જેતપુર-જૂનાગઢ રાજ્ય ધોરી માર્ગો પસાર થાય છે. જેતલસર જંક્શનથી અમરેલી તથા જૂનાગઢ તરફ જતા બ્રૉડગેજ રેલવેના બે ફાંટા જાય છે. જેતપુર સડકમાર્ગે રાજકોટ, અમરેલી, જૂનાગઢ અને જામનગર જિલ્લાનાં મુખ્ય નગરો સાથે જોડાયેલું છે. તાલુકામાં 267 કિમી. પાકા અને 11 કિમી. કાચા માર્ગો છે. જેતપુર તાલુકા પંચાયત હસ્તક 62 કિમી.ના રસ્તા છે.
જિલ્લામાં જેતપુર સહિત 5 સ્થળોએ વાણિજ્ય અને સહકારી બૅંકોની શાખાઓ છે.
તાલુકામાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને એક વિનયન અને વાણિજ્ય કૉલેજ છે. પ્રૌઢશિક્ષણનાં કેન્દ્રો ઉપરાંત જેતપુર તથા મોટાં ગામોમાં પુસ્તકાલયો છે.
લોકો : આ તાલુકાની વસ્તી 2,27,767 (2000) છે. કુલ શહેરી વસ્તી પૈકી 56,496 લોકો અક્ષરજ્ઞાન ધરાવે છે.
જેતપુર નગર 22° 35’ ઉ. અ. અને 70° 55’ પૂ. રે. વચ્ચે આવેલું તાલુકાનું મુખ્ય નગર અને વેપારી કેન્દ્ર છે. તે ભાદર નદીના પશ્ચિમ કાંઠે આવેલું છે. અહીં સાડીનાં કારખાનાં તથા તેલમિલો આવેલી છે. ઔદ્યોગિક વસાહતમાં પણ કારખાનાં આવેલાં છે. રાજ્ય પરિવહન સેવાનું તે મધ્યસ્થ કેન્દ્ર છે. અમરેલી, જૂનાગઢ, ધોરાજી, ઉપલેટા, પોરબંદર, ગોંડળ અને રાજકોટ સાથે તે જોડાયેલું છે. કપાસ, મગફળી અને અનાજના વેપારનું તે મોટું પીઠું છે. અહીં હાઈસ્કૂલ, પ્રાથમિક શાળા, બાળમંદિર, ખાનગી શાળા અને તાલુકાપુસ્તકાલય છે. 2022ની ગણતરી પ્રમાણે નગરની વસ્તી 1,64,913 છે.
શિવપ્રસાદ રાજગોર