જેટ પ્રૉપલ્શન લૅબોરેટરી(JPL), અમેરિકા : યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકાના કૅલિફૉર્નિયાના પાસાડેની નજીક આવેલી પ્રયોગશાળા. તેની સ્થાપના સાથે સંકળાયેલી વ્યક્તિઓમાં થિયૉડૉર વૉન કાહરમાહનનું નામ મોખરે છે. મૂળ હંગેરીના પણ 1936માં અમેરિકાના નાગરિક બનેલા આ ભૌતિકશાસ્ત્રી 1930થી 1949 સુધી કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીની ગુગેનહાઇમ ઍરોનૉટિકલ લૅબોરેટરીના નિયામક હતા.
તેમણે અને તેમના સહકાર્યકર્તાઓએ રૉકેટવિદ્યા અને અંતરિક્ષ-વિજ્ઞાનમાં ઉપયોગી થઈ પડે એવી પ્રયોગશાળાની સ્થાપના કરવાનું વિચાર્યું અને અમેરિકાની તત્કાલીન સરકારે તેને માટે સહાય પણ આપી. 1930ના અરસામાં આ સંસ્થાએ અમેરિકાના રૉકેટ-નિષ્ણાત રૉબર્ટ ગૉડાર્ડ(1882–1945)ને રૉકેટ અંગેના એમના પ્રારંભિક પ્રયોગો માટે મદદ કરી હતી; પરંતુ તેની વિધિસર સ્થાપના 1936માં થઈ. 1944થી તે ‘જેટ પ્રૉપલ્શન લૅબોરેટરી’ તરીકે ઓળખાય છે.
દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે આ જેપીએલ મોટા સંશોધન-મથકમાં ફેરવાઈ અને મુખ્યત્વે તેનો ઉપયોગ પ્રક્ષેપાસ્ત્રો બનાવવામાં થતો હતો. રશિયાના સ્પુટનિક પછી દુનિયાનો બીજો અને અમેરિકાનો પ્રથમ માનવસર્જિત ઉપગ્રહ ‘એક્સપ્લૉરર 1’ આ જ પ્રયોગશાળામાં તૈયાર થયો હતો. આ ઉપગ્રહ 31 જાન્યુઆરી, 1958ના રોજ પૃથ્વીની આસપાસ તરતો મૂકવામાં આવ્યો હતો. પાછળથી એ જ વર્ષના અંતે એટલે કે 1 ઑક્ટોબર, 1958ના રોજ અમેરિકાના ‘નાસા’(નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડમિનિસ્ટ્રેશન)ની સ્થાપના થતાં આ સંસ્થાને એમાં ભેળવી દેવામાં આવી, પણ તેનું સંચાલન ‘નાસા’ વતી કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી(Caltech)ને સોંપવામાં આવ્યું.
આ સંસ્થા ‘નાસા’ના ‘ડીપ-સ્પેસ નેટવર્ક’(DSN)નું મહત્વનું મથક છે. સૌરમાળાના ગ્રહો, ઉપગ્રહો કે પછી ચંદ્ર, હેલીનો ધૂમકેતુ જેવા સૂર્ય-પરિવારના પિંડો તરફ જનારાં અન્વેષી-યાનો સાથે સંદેશાવિનિમય કે સંદેશાવ્યવહાર જાળવણીની કામગીરી અહીંથી થાય છે. આ માટે એક મુખ્ય રેડિયો-ઍન્ટેના કૅલિફૉર્નિયામાં ગોલ્ડસ્ટોન ખાતે આવેલું છે. તેનો વ્યાસ 64 મીટર છે. એની સાથે બીજાં 2 સહાયક રેડિયો-ઍન્ટેના પણ ગોઠવેલાં છે; તેમનો વ્યાસ 26 મીટર છે. ‘ડીપ-સ્પેસ નેટવર્ક’ અંતરિક્ષ-યાનો સાથે સંદેશાવ્યવહાર સ્થાપવા ઉપરાંત, ઘણા રેડિયો-પ્રયોગોમાં પણ પ્રયોજાય છે, જેમાં ગ્રહની સપાટીનો રડાર વડે અભ્યાસ કરવાની કામગીરીનો પણ સમાવેશ થાય છે.
અમેરિકાનાં માનવવિહોણાં આંતરગ્રહીય (interplanetary) અંતરિક્ષ-અન્વેષી યાનો બનાવવામાં, વિકસાવવામાં અને એમના સંચાલનમાં આ સંસ્થાનો ફાળો બહુ મોટો છે. 1958થી આ સંસ્થાએ રેન્જર સર્વેયર, મરિનર જેવાં વિવિધ અન્વેષી-યાનો બનાવ્યાં છે. તે ઉપરાંત વાઇકિંગ, વૉયેજર, ગૅલિલિયો અને મૅગેલન જેવા મહત્વાકાંક્ષી પ્રૉજેક્ટને લગતી સઘળી કે કેટલીક કામગીરી પણ અહીંથી જ કરવામાં આવી હતી.
આ સંસ્થામાં ભૌતિકશાસ્ત્ર અને ઇલેક્ટ્રૉનિક ક્ષેત્રના સંશોધન ઉપરાંત, અંતરિક્ષ-યાન કે રૉકેટના પ્રણોદન(propulsion)ને લગતું સંશોધન પણ થાય છે. વધુમાં આ સંસ્થા કૅલિફૉર્નિયાના ટેબલ માઉન્ટન ખાતેની એક ખગોલીય વેધશાળાનું પણ સંચાલન કરે છે.
સુશ્રુત પટેલ