જૅક્સનવિલ : અમેરિકાના ફ્લૉરિડા રાજ્યનું મહત્વનું ઉદ્યોગવ્યાપાર કેન્દ્ર તથા બંદર. ભૌગોલિક સ્થાન 30° 19’ ઉ. અ. અને 81° 39’ પ. રે.. તેનું મૂળ નામ કાઉફૉર્ડ હતું; પરંતુ તેના પ્રથમ લશ્કરી ગવર્નર ઍન્ડ્રુ જૅક્સનના નામ પરથી આ નગરનું નામ 1819માં ‘જૅક્સનવિલ’ પાડવામાં આવ્યું. તે ફ્લૉરિડા રાજ્યની ઈશાન દિશામાં, આટલાંટિક મહાસાગરના કાંઠાથી 35 કિમી. અંતરે, સેન્ટ જ્હૉન્સ નદી પર વસેલું છે. તેનો કુલ વિસ્તાર 2175 ચોકિમી. છે અને વિસ્તારની દૃષ્ટિએ તેનો ક્રમ ચોથો છે. તેની વસ્તી 2022 મુજબ અંદાજે 9,76,295 શહેરી વસ્તી 8,00,000 અને મહાનગરની વસ્તી 10,00,000 જેટલી છે. જાન્યુઆરીમાં નગરનું સરેરાશ તાપમાન 13° સે. તથા જુલાઈમાં 28° સે. હોય છે. વાર્ષિક સરેરાશ વરસાદ 1295 મિમી. પડે છે.

ઔદ્યોગિક કેન્દ્ર તરીકે ફ્લૉરિડા રાજ્યમાં તેનો ક્રમ ત્રીજો છે. ત્યાં જંગલી લાકડું, કાગળ, રસાયણો, ખાદ્યપ્રક્રમણ, સિગારેટ, ખાતરો, યંત્રો, માર્ગપરિવહનનાં સાધનો વગેરેનાં કારખાનાં છે. વહાણો તથા વહાણોના સમારકામના એકમો પણ આ નગરમાં વિકસ્યા છે. નાણાં તથા વીમા વ્યવસાયનું મહત્ત્વનું કેન્દ્ર હોવા ઉપરાંત રેલમાર્ગનું તે મહત્ત્વનું જંક્શન અને બીજા ક્રમનું બંદર છે. ત્યાંથી વાર્ષિક સરેરાશ 110 લાખ મેટ્રિક ટન માલની હેરફેર થાય છે. કૉફી તથા સ્વચાલિત વાહનોના આયાતકેન્દ્ર તરીકે પણ તે જાણીતું છે.

ઉચ્ચ શિક્ષણ માટે નગરમાં શિક્ષણસંસ્થાઓનો નોંધપાત્ર વિકાસ થયેલો છે. જૅક્સન યુનિવર્સિટી (1934) ઉપરાંત ત્યાં જૉન્સ કૉલેજ, ઍડવર્ડ વૉટર્સ કૉલેજ, નૉર્થ ફલૉરિડા યુનિવર્સિટી, ફ્લૉરિડા જુનિયર કૉલેજ જેવી સંસ્થાઓ વિવિધ વિદ્યાશાખાઓનું શિક્ષણ પૂરું પાડે છે.

રમતગમત, મનોરંજન તથા સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે નગરમાં પ્રાણીસંગ્રહાલય, નગરગૃહ, રમતગમતના વિવિધ સંકુલ, વેધશાળા, આર્ટ ગૅલરી, જૅક્સન આર્ટ ઍન્ડ સાયન્સ મ્યુઝિયમ તથા સિમ્ફની ઑર્કેસ્ટ્રા છે. ત્યાંના ફૂટબૉલ સ્ટેડિયમમાં 70,000 પ્રેક્ષકો માટે બેસવાની સગવડ છે.

સોળમી સદીના ઉત્તરાર્ધમાં ફ્રેંચ તથા સ્પૅનિશ સાહસિકોએ આ વિસ્તારમાં પોતાની વસાહતો ઊભી કરી હતી. 1564માં સેન્ટ જ્હૉન્સ નદીના તટ પર એક દુર્ગ બાંધવામાં આવ્યો હતો. 1763માં બ્રિટને આ વિસ્તાર પર પોતાનું આધિપત્ય પ્રસ્થાપિત કર્યું હતું. 1822માં અમેરિકાએ આ વિસ્તાર સ્પેન પાસેથી પોતાના હસ્તક લીધો ત્યારે તેને નગરનો દરજ્જો પ્રાપ્ત થયો હતો. 1968માં મૂળ નગર તથા દુવલ પરગણાનું એકત્રીકરણ થતાં ફ્લૉરિડા રાજ્યનું તે ચોથા ક્રમનું મોટું શહેર બન્યું હતું.

અમેરિકાનો આંતરવિગ્રહ, 1888માં નગરમાં ફાટી નીકળેલ પીળો જ્વર (yellow fever) તથા 1901માં નગરમાં લાગેલ ભયંકર આગને કારણે આ નગરનો વિકાસ રૂંધાયો હતો.

અમેરિકાના નૌકાદળના કેન્દ્ર તરીકે નગરનું લશ્કરી મહત્ત્વ વધ્યું છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે