જૂલનો નિયમ (Joule’s law) : વિદ્યુતમાં જે દરે પરિપથનો અવરોધ, વિદ્યુત-ઊર્જાનું ઉષ્મા-ઊર્જામાં રૂપાંતર કરે તે દર્શાવતો ગણિતીય સંબંધ. 1841માં અંગ્રેજ ભૌતિકશાસ્ત્રી જેમ્સ પ્રેસ્કૉટ જૂલે શોધી કાઢ્યું કે વિદ્યુતપ્રવાહનું વહન કરતા તારમાં દર સેકન્ડે ઉત્પન્ન થતી ઉષ્મા, તારના વિદ્યુત અવરોધ તથા વિદ્યુતપ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. તેમણે દર્શાવ્યું કે દર સેકન્ડે ઉત્પન્ન થતી ઉષ્મા, શોષાતી વિદ્યુત-શક્તિ કે વિદ્યુતશક્તિના વ્યયને સમતુલ્ય છે.

જૂલના નિયમનું પરિમાણાત્મક સ્વરૂપ (quantitative form) એ છે કે દર સેકન્ડે ઉત્પન્ન થતી ઉષ્મા અથવા પાવરનો વ્યય (P), અવરોધ Rનો વિદ્યુતપ્રવાહ I2 ગણો હોય છે. માટે,

P = I2 R

અહીં Pનો એકમ વૉટ અથવા જૂલ/સેકન્ડ છે; જ્યારે વિદ્યુતપ્રવાહને ઍમ્પિયરમાં અને અવરોધને ઓહમમાં દર્શાવાય છે.

એરચ મા. બલસારા