જૂવો : લોહી ચૂસીને જીવન પસાર કરનાર એક બાહ્ય પરોપજીવી. સંધિપાદ સમુદાયના અષ્ટપાદ વર્ગમાં તેનો સમાવેશ થાય છે. જૂવા નાના અથવા સૂક્ષ્મ હોય છે. આકારે તે લંબગોળ હોય છે. તેમનું માથું, વક્ષ અને ઉદર એકબીજાં સાથે ભળી જઈ અખંડ શરીર બને છે. શરીરના અગ્રભાગે લોહી ચૂસવા અનુકૂલન પામેલાં મુખાંગો હોય છે. જૂવો સરીસૃપ, પક્ષીઓ અને સ્તનધારી પ્રાણીઓનાં શરીર પર છિદ્ર પાડી મુખાંગોને ચામડીમાં ખોસીને લોહી ચૂસે છે. ખાસ કરીને પ્રાણીઓનાં ગળા અને માથા પર તેની સંખ્યા વિશેષ જોવા મળે છે. પ્રાણીઓના શરીરમાંથી લોહી ચૂસવાથી યજમાન પ્રાણીનો ખોરાક ઘટે છે, વજનમાં પણ ઘટાડો નોંધાય છે અને શરીરે ખંજવાળ આવે છે. આમ સરવાળે દૂઝણા ઢોરનું દૂધ-ઉત્પાદન ઘટે છે. કેટલાક જૂવા અન્ય પરોપજીવીના મધ્યસ્થ યજમાન (intermediate host) તરીકે કામ કરી પ્રાણીઓમાં રોગનો ફેલાવો કરે છે. માદા જૂવા યજમાનના શરીર પર ચોંટી રહી બરાબર ધરાતાં સુધી લોહી ચૂસે છે અને ત્યારબાદ જમીનમાં સુરક્ષિત જગ્યાએ ઈંડાં મૂકે છે. ઈંડાં યોગ્ય સમયે સેવાતાં તેમાંથી 6 પગવાળાં ડિમ્ભ નીકળે છે. તે ઘાસ અને છોડની ટોચ પર ચડીને બેસે છે. યોગ્ય યજમાન ત્યાંથી પસાર થાય ત્યારે તેના શરીર પર ચડી જાય છે. યજમાનના શરીર પર વળગી રહી પુષ્કળ પ્રમાણમાં લોહી ચૂસ્યા બાદ જમીન પર પડી જાય છે. જમીન પર તે ખોરાક પચાવે છે અને યોગ્ય સમય બાદ વૃદ્ધિ થતાં નિર્મોચન કરી 8 પગવાળા પુખ્ત બને છે. પુખ્ત જૂવા યજમાનને વળગી લોહી ચૂસ્યા બાદ જ જનન કરી શકે છે. કેટલાક જૂવા તેમનો જીવનક્રમ એક જ યજમાન પર ગાળે છે, જ્યારે કેટલાક 2 અથવા 3 યજમાનો બદલી જીવનક્રમ પૂર્ણ કરે છે. પુખ્ત જૂવા વરસો સુધી અને બચ્ચાં મહિનાઓ સુધી ખોરાક વગર જીવી શકે છે. ઢોરોમાં તે ટેક્સાસ જ્વરનો રોગ ફેલાવે છે. ઢોરના શરીર પર વળગેલા જૂવાને વિણાવી લઈ ઘાસતેલવાળા પાણીમાં નાખી મારી નાખવા જોઈએ કે અન્ય યોગ્ય રીતે તેનો નિકાલ કરવો જોઈએ. જૂવા જમીનમાં રહેતા હોવાથી તેમના નાશ માટે ઢોરોને બાંધવા માટેની પરસાળની જમીન ઉપર-ઉપરથી થોડી ખોદી કાઢવી જોઈએ અને તેના ઉપર નકામું સૂકું ઘાસ કે પરાળ મૂકી સળગાવવું જોઈએ જેથી જમીનમાં રહેતા જૂવાનો નાશ થાય. ઉપરાંત પરસાળની જમીન ઉપર કોઈ પણ કીટનાશી દવાનો છંટકાવ કરીને ઉપર નવી માટીનું પુરાણ કરવું જોઈએ. શક્ય હોય તો ઈંટોની પાકી પરસાળ કરવી જોઈએ.

ધીરુભાઈ મનજીભાઈ કોરાટ

પરબતભાઈ ખી. બોરડ