મધુરાંતકમ રાજારામ (જ. 1930, મોગરાલા, જિ. ચિત્તૂર, આંધ્રપ્રદેશ; અ. 1 એપ્રિલ 1999) : તેલુગુ ભાષાના વાર્તાકાર. તેમને ‘મધુરાંતકમ રાજારામ કથલુ’ નામક વાર્તાસંગ્રહ માટે 1993ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યો હતો. તે છેલ્લાં 40 વર્ષથી યથાર્થવાદી કવિતાના અડીખમ ઉપાસક બની રહ્યા હતા; આજે પણ તે તેલુગુ વાચકવર્ગમાં આદરપાત્ર સ્થાન ધરાવે છે. તેમણે 300 ઉપરાંત વાર્તાઓ, 3 નવલકથા, 5 નાટક, 4 નૃત્યનાટ્ય, 2 ગીતસંગ્રહ તેમજ 2 બાળ-પુસ્તક લખવા ઉપરાંત તમિળમાંથી ‘અખિલન’ અને ‘જયકાંતન’ સહિત અનેક લેખકોની કૃતિઓના અનુવાદ લખીને વિપુલ ખેડાણ કર્યું છે. અભ્યાસ પૂરો કર્યા પછી તેમણે લગાતાર 37 વર્ષ સુધી શિક્ષણકાર્ય કર્યું. 1951થી તેમણે નામાંકિત તેલુગુ સામયિકોમાં ટૂંકી વાર્તા તથા ગીતો લખવાનું શરૂ કર્યું.
1973-77 દરમિયાન આંધ્રપ્રદેશ સાહિત્ય અકાદમીના સભ્ય. 1986-88 સુધી સહકારી ભાષા કમિશનના સભ્ય. 1976થી ગંગાધરમ્ સાહિત્ય કુટુમ્બમના પ્રમુખ રહ્યા.
તેમના પ્રગટ થયેલા 13 વાર્તાસંગ્રહોમાં ‘તનુ વેલિજિન્ચિના દીપાલુ’ (1968), ‘વક્રગતુલુ’ (1969), ‘કમ્માથેમ્મારા’ (1970), ‘કલ્યાણ કિનકિનારી’ (1971), ‘પુનર્નવમ્’ (1972), ‘પ્રાણદાતા’, ‘વર્ષિન્ચના મેઘમ’ તથા ‘કરણબૂત્તુડુ’ મુખ્ય છે. ‘ચિન્નાપ્રપંચમ સિરિવાદ’ (1971) અને ‘અવશેષમ’ (1975) એ બે તેમની જાણીતી નવલકથાઓ છે.
તે અનેક સાહિત્યિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા તથા તેમને અનેક સન્માન-પુરસ્કાર મળેલા છે, તેમાં ‘આંધ્રપ્રદેશ સાહિત્ય અકાદમી પુરસ્કાર’, ‘ટી. ગોપીચંદ પુરસ્કાર’, ‘કે. શ્રીનિવાસ રાવ પુરસ્કાર’, ‘તમિળ યુનિવર્સિટી પુરસ્કાર’ ઉપરાંત એસ. કે. યુનિવર્સિટી, અનંતપુર તરફથી ડી. લિટ્.,ની માનાર્હ ડિગ્રી મુખ્ય છે.
1995માં તેલુગુ એસોસિયેશનના નિમંત્રણથી તેમણે અમેરિકાનો પ્રવાસ ખેડ્યો.
સામાન્ય માનવોનાં સાધારણ સુખદુ:ખ તથા આનંદોલ્લાસ તેમની વાર્તાઓમાં આલેખાયાં છે અને ઘણી ભારતીય તથા યુરોપીય ભાષાઓમાં અનુવાદ થયા છે. ગ્રામીણ સ્ત્રી-પુરુષોના બાહ્ય અને આંતરિક જીવનનું વફાદાર ચિત્રણ, લોકબોલીઓનો વિવેકપૂર્ણ ઉપયોગ, સામાજિક તથા અસ્તિત્વલક્ષી વાસ્તવવાદની બહોળી સમજ તથા આયાસરહિત અને અસરકારક કથનરીતિ જેવી શૈલીવિશેષતા તેમની વાર્તાકાર તરીકેની વિશિષ્ટતા છે.
મહેશ ચોકસી
બળદેવભાઈ કનીજિયા