મધુબાલા (જ. 14 ફેબ્રુઆરી 1933, દિલ્હી; અ. 23 ફેબ્રુઆરી 1969, મુંબઈ) : ભારતીય સિનેજગતનાં ખ્યાતનામ અભિનેત્રી. ભારતીય રજતપટનાં વિનસ ગણાતાં આ અભિનેત્રીના સૌંદર્યની તોલે આજ સુધી કોઈ અભિનેત્રી આવી શકી નથી એવું મનાય છે. મૂળ નામ : મુમતાઝજહાંબેગમ દેહલવી. પિતા : અતાઉલ્લાખાન. અત્યંત ગરીબ પઠાણ પરિવારમાં જન્મ. 11 ભાઈ-બહેનોમાં તેમનું સ્થાન પાંચમું હતું. ઇમ્પીરિયલ ટોબૅકો કંપનીમાં નોકરી કરતા પિતાની નોકરી જતી રહેતાં નાનકડી મુમતાઝને લઈને તેઓ મુંબઈ આવી ગયા અને દીકરી માટે ચલચિત્રોમાં કામ શોધવા માંડ્યા. દેવિકારાણીએ મુમતાઝને ‘બસંત’ ચિત્રમાં કામ અપાવ્યું. ‘મધુબાલા’ નામ પણ તેમણે જ આપ્યું. 1942માં નવ વર્ષની ઉંમરે પ્રથમ વાર બાલકલાકાર તરીકે બૉમ્બે ટૉકિઝ નિર્મિત અને અમિય ચક્રવર્તી દિગ્દર્શિત ‘બસંત’ ચિત્રમાં કામ કર્યા બાદ મધુબાલાએ ‘મુમતાઝમહલ’, ‘ધન્ના ભગત’, ‘પુજારી’ તથા ‘ફૂલવારી’ ચિત્રોમાં બાલકલાકાર તરીકે કામ કર્યું. 14 વર્ષની ઉંમરે નાયિકા તરીકે પ્રથમ વાર કેદાર શર્માના ચિત્ર ‘નીલકમલ’(1947)માં તક મળી. રાજ કપૂરનું પણ એ પ્રથમ ચિત્ર હતું. એ પછી ‘રાધાકૃષ્ણ’ તથા ‘દિલ કી રાની’ ચિત્રોમાં કામ કર્યા બાદ 1940ના દાયકાના અંતે માત્ર 16 વર્ષની ઉંમરે ખૂબ જ સફળ રહસ્યચિત્ર ‘મહલ’માં મધુબાલાએ મુખ્ય ભૂમિકા ભજવી. આ ચિત્રથી જ તેમના સૌંદર્યનાં ગુણગાન ગવાતાં રહ્યાં. 1950 સુધીમાં તેમની લોકપ્રિયતા એટલી વધી ગઈ કે નિર્માતા રણજિતે તેમને લઈને ‘મધુબાલા’ નામનું ચિત્ર પણ બનાવ્યું.
પિતા અતાઉલ્લાખાનની સખ્તાઈ હંમેશાં આ અભિનેત્રીનું શોષણ કરતી રહી હતી. ‘ફાગુન’, ‘હાવડા બ્રિજ’, ‘ચલતી કા નામ ગાડી’, ‘કાલા પાની, ‘બરસાત કી એક રાત’ અને ‘મુગલે આઝમ’ વગેરે ચિત્રોમાં તેમણે નોંધપાત્ર અભિનય કર્યો. ‘મહલ’ની જેમ જ ‘મુગલે આઝમ’ પણ તેમની કારકિર્દીનું નોંધપાત્ર ચિત્ર બની રહ્યું. આ ચિત્રમાં અનારકલીની ભૂમિકા હિંદી પડદા પરની યાદગાર ભૂમિકાઓમાંની એક બની ગઈ.
‘મુગલે આઝમ’ પછી તેમની તબિયત ઉત્તરોત્તર બગડતી ગઈ. 1960ના દાયકાના અંતે તેમણે અભિનેતા-ગાયક કિશોરકુમાર સાથે લગ્ન કર્યાં. કિશોરકુમાર સાથે ‘ચલતી કા નામ ગાડી’, ‘ઢાકે કી મલમલ’, ‘હાફ ટિકેટ’, ‘ઝુમરૂ’ ગુરુદત્તના ‘મિસ્ટર ઍન્ડ મિસિસ 55’ જેવાં હાસ્યચિત્રોએ તેમને નટખટ અભિનેત્રીની પ્રતિભા (image) આપી.
મધુબાલાને હૃદયની બીમારી હતી. હૃદયની શસ્ત્રક્રિયા માટે કિશોરકુમાર પત્નીને લંડન લઈ ગયા, પણ હૃદય વધારે નબળું હોઈ ત્યાં ડૉક્ટરોએ શસ્ત્રક્રિયા કરવાનું જોખમ લીધું નહિ. નવ વર્ષની બીમારી બાદ માત્ર 36 વર્ષની વયે મધુબાલાનું નિધન થયું. તેમનું આખરી ચિત્ર ‘જ્વાલા’ તેમના નિધન બાદ પ્રદર્શિત થયું હતું.
નોંધપાત્ર ચિત્રો : ‘બસંત’ (1942), ‘ખૂબસૂરત દુનિયા’, ‘નીલકમલ’, ‘ચિતોડવિજય’ (1947), ‘અમર પ્રેમ’, ‘લાલ દુપટ્ટા’ (1948), ‘દૌલત’, ‘દુલારી’, ‘ઇમ્તેહાન’, ‘અપરાધી’, ‘મહલ’, ‘પારસ’, ‘સિપૈયા’ (1949), ‘બેકસૂર’, ‘હંસતે આંસૂ’, ‘મધુબાલા’, ‘પરદેસ’ (1950), ‘બાદલ’ (1951), ‘સંગદિલ’ (1952), ‘અરમાન’ (1953), ‘અમર’ (1954), ‘મિસ્ટર ઍન્ડ મિસિસ 55’ (1955), ‘શીરીં ફરહાદ’ (1956), ‘ગેટવે ઑવ્ ઇન્ડિયા’ (1957), ‘ચલતી કા નામ ગાડી’, ‘હાવડા બ્રિજ’, ‘કાલા પાની’ (1958), ‘દો ઉસ્તાદ’ (1959), ‘જાલી નોટ’, ‘મુગલે આઝમ’ (1960), ‘ઝુમરૂ’ (1961), ‘હાફ ટિકેટ’ (1962), ‘શરાબી’ (1963), ‘જ્વાલા’ (1970).
હરસુખ થાનકી