મદીના : સાઉદી અરેબિયાના પશ્ચિમ ભાગમાં આવેલા હેજાઝ વિસ્તારનો પ્રાંત. ભોગોલિક સ્થાન : 240 28´ ઉ. અ. અને 390 36´ પૂ. રે. તે તિહામહના મેદાન સુધી વિસ્તરેલો છે. મદીના શહેર તેનું પ્રાંતીય પાટનગર છે. તેની ઉત્તરે અન-નાફુડ ઈશાનમાં અલ કાસિમ, પૂર્વમાં અલ રિયાધ, દક્ષિણે મક્કા તથા પશ્ચિમ અને વાયવ્યમાં તબુક આવેલાં છે. પશ્ચિમ તરફ રાતા સમુદ્રની સામેના અંદરના ભૂમિભાગમાં પર્વતીય પ્રદેશ છે. આ પર્વતોના પશ્ચિમ અને મધ્ય ભાગો લાવાના થરોથી વિસ્તૃતપણે ઢંકાયેલા છે.

આ પ્રાંતનું અર્થતંત્ર અહીં આવેલી મસ્જિદ (હરમશરીફ) તેમજ હજરત મહમ્મદ પયગંબર(સ. અ.)ના મકબરાના દીદાર તેમજ ઇબાદત માટે આવતા મુસ્લિમ યાત્રીઓ પાસેથી મળતી યાત્રાળુવેરાની રકમ પર; અહીં થતાં ફળો, શાકભાજી અને ધાનપાકોની ખેતી પર; આરસપહાણના ખનન પર તથા સિમેન્ટના ઉત્પાદન પર નિર્ભર છે. રાતા સમુદ્રને કિનારે આવેલું યાન્બુ અલ બહર આ પ્રાંતનું બીજું અગત્યનું નગર છે.

શહેર : સાઉદી અરેબિયાના પશ્ચિમ ભાગમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 240 40´ ઉ. અ. અને 390 50´ પૂ. રે. આ શહેર ‘અલ મદીનાહ’ના નામથી પણ ઓળખાય છે. અગાઉના સમયમાં તે ‘અલ મદીનાહ અલ મુનવ્વરહ’ (અર્થ : ગોળાકાર શહેર) તરીકે તેમજ ‘મદીનાત રસૂલ અલ્લાહ’ (અર્થ : ખુદ મહમ્મદ પયગંબરનું પોતાનું શહેર) તરીકે ઓળખાતું હતું. આ શહેર રાતા સમુદ્રથી અંદરના ભૂમિભાગમાં 160 કિમી.ને અંતરે તથા મક્કાથી આશરે 400 કિમી.ને અંતરે ઉત્તર તરફના મેદાની વિસ્તારમાં આવેલું છે. મક્કા અને મદીના બંને ઇસ્લામ ધર્મનાં અતિ પવિત્ર સ્થળો ગણાય છે અને ત્યાં માત્ર મુસ્લિમોને જ પ્રવેશ મળે છે. ઇસ્લામ ધર્મ કહે છે કે દરેક મુસ્લિમે, જો તે કરી શકે તેમ હોય તો, તેની જિંદગી દરમિયાન ઓછામાં ઓછી એક વાર મક્કા-મદીનાની યાત્રા (હજ) કરવી જોઈએ. યાત્રીઓ જ્યારે મક્કાની હજ કરવા જાય છે ત્યારે તેઓ મદીના પણ જાય છે.

પવિત્ર મસ્જિદ, મદીના

મદીના શહેર સાઉદી અરેબિયાના સૂકા વિસ્તારમાં એક રણદ્વીપ સમું છે. અહીંના મેદાની વિસ્તારમાં ફળો તેમજ અમુક પ્રમાણમાં અનાજનું ઉત્પાદન લેવાય છે. મદીના ક્યારે વસ્યું તેની કોઈ માહિતી ઉપલબ્ધ થતી નથી. તે વખતે કદાચ તે યાથ્રિબ નામથી ઓળખાતું હોવાનું કહેવાય છે. ઈ. પૂ. 200ના ગાળામાં અહીં ખેડૂતો રહેતા હતા. ઈ. સ. 135ના અરસામાં પૅલેસ્ટાઇનમાંથી કાઢી મુકાયેલા યહૂદીઓ અહીં આ રણદ્વીપમાં આવીને વસેલા. ઈ. સ. 622માં હજરત મહમ્મદ પયગંબર (સ. અ.) તેમના અનુયાયીઓ સહિત મક્કાથી હિજરત કરીને આ સ્થળે આવેલા. તેઓ અહીં આવ્યા ત્યારથી હિજરી સંવતની ગણના થાય છે. તેમની આ હિજરતની ઘટના હિજરા અથવા હેગીરા તરીકે ઓળખાય છે. રણદ્વીપનો આ પ્રદેશ કબજે કરી રાખેલા યહૂદીઓને તેમણે અહીંથી કાઢી મૂક્યા ત્યારથી આ શહેર મદીના નામથી ઓળખાતું થયું છે. અગાઉ તે યાથ્રિબ (Yathrib) તરીકે પણ ઓળખાતું હતું. ધીમે ધીમે વિસ્તરતા જતા ઇસ્લામી રાજ્યની રાજધાનીના મથક તરીકે તે વિકસતું અને સમૃદ્ધ બનતું ગયું. આ સ્થિતિ 661 સુધી રહી. મધ્યકાલીન ઐતિહાસિક સમય દરમિયાન ઇસ્લામિક સામ્રાજ્યો જેમ જેમ અન્યત્ર વિસ્તરતાં ગયાં તેમ તેમ મદીનાનું રાજકીય મહત્વ ઘટતું ગયું, જોકે તેનું ધાર્મિક મહત્વ વધ્યું છે. મદીનાએ તેની ધાર્મિક પરંપરા અને સંસ્કારવારસો જાળવી રાખેલાં છે. તેના જૂના કોટની દીવાલો જર્જરિત થઈ ગઈ છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મદીનાની પણ તારાજી થયેલી. અહીં આવેલી મસ્જિદ તથા હજરત મહમ્મદ પયગંબર(સ. અ.)નો રોજો હરમશરીફમા યથાવત્ છે.

રફીક લાલીવાલા

ગિરીશભાઈ પંડ્યા