મદનસિંહજી મ્યુઝિયમ, ભુજ : ‘આયના મહેલ’ તરીકે જાણીતું અને 26 જાન્યુઆરી 2001ના ભૂકંપમાં ધરાશાયી થયેલું કચ્છનું અનુપમ મ્યુઝિયમ. કચ્છના છેલ્લા મહારાવ મદનસિંહજીએ તેની સ્થાપના કરી હતી. પોતે અંગત રસ લઈ સંગ્રહ કરાવેલી બેનમૂન કચ્છી ચીજવસ્તુઓને સુરક્ષિત રાખવા માટે ‘આયના મહેલ’માં સ્થાયી મ્યુઝિયમની રચના કરી તેમાં આધુનિક ઢબે બધી ચીજવસ્તુઓ પ્રદર્શિત કરાવી હતી. 1947માં આઝાદીના અવસરે ખુલ્લું મુકાયેલ મ્યુઝિયમ 1977માં પુનર્ગોઠવણી પામતાં ‘મદનસિંહજી મ્યુઝિયમ’ નામ પામ્યું હતું. આમ છતાં લોકોમાં તો તે ‘આયના મહેલ’ તરીકે જ પ્રખ્યાત હતું. મ્યુઝિયમનું પ્રવેશદ્વાર શિલ્પકલાના નમૂનારૂપ હતું. તેમાં પ્રવેશતાની સાથે જ રાજા(મહારાવ)ની સવારીનું ર્દશ્ય ધરાવતું 14 મીટર લાંબું રંગીન ચિત્રપટ જોવા મળતું હતું. તેની સમીપના ખંડમાં રાણીનાં જરી અને આભલાં ભરેલાં વસ્ત્રો, બહુમૂલ્ય કલાકૃતિઓ, ભરતગૂંથણના વિવિધ નમૂનાઓ તેમજ કેટલાંક મનોહર રંગીન ચિત્રો પ્રદર્શિત હતાં. એક અન્ય ખંડમાં રબારી અને આહીર જેવી કચ્છી કોમોનાં જીવનની ઝાંખી કરાવતાં, તેમનાં રહેઠાણ, વેશભૂષા, તેમની શોખની અને ઘરગથ્થુ ચીજવસ્તુઓ વગેરે આબેહૂબ રજૂ કરવામાં આવ્યાં હતાં. એક ખંડમાં રાજવી યોદ્ધાઓનાં પોશાકો, હથિયારો, બખ્તરો, કીમતી ઝવેરાત, કચ્છી ભાષામાં લખેલી હસ્તપ્રતો, કચ્છી શૈલીનાં વિશિષ્ટ ચિત્રો, કચ્છના વિરલ સિક્કાઓ તેમજ સૂક્ષ્મ કોતરણી ધરાવતો હાથીદાંતનો દરવાજો વગેરે ખાસ નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
આ મ્યુઝિયમમાં મોટાં આકર્ષક અને કલાત્મક દર્પણ પરની કારીગરીના વિવિધ નમૂનાઓ ઠેર ઠેર જોવા મળતા હતા. કાચનાં વાસણો અને તેમના પરની મીનાકારીનાં ભૌમિતિક અને ફૂલવેલનાં રૂપાંકનો અનુપમ હતાં. મહારાવ લખપતજીનો વિશ્રામકક્ષ કીમતી ઝવેરાતથી, સુવર્ણના અલંકારો વગેરેથી સજાવેલો હતો. તેમાં પ્રકાશ માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. સંગીતભવનમાં મહેફિલ વખતે સંગીતમય ફુવારા વાતાવરણની જમાવટમાં સહાયભૂત થતા. દરબાર હૉલમાં યુદ્ધનો સાજસરંજામ – વિવિધ ભાલાઓ, તલવાર, કટાર, બંદૂક, તમંચા, જમૈયા, મોટા ટોપાઓ, હૅટ અને હેલ્મેટ, કચ્છી રજવાડી વસ્ત્રાભૂષણો વગેરે પ્રદર્શિત હતાં. મહેલના ઉપલા મજલે લગ્નની ચૉરી, રાજાની જન્મકુંડળી ધરાવતું રંગીન ઓળિયું, રંગીન ચિત્રો, હસ્તપ્રતો, કીમતી ઝવેરાત તેમજ નમૂનેદાર વાસણો વગેરે પ્રદર્શિત હતાં.
તાજેતરના ભૂકંપમાં ધરાશાયી થયેલા ‘આયના મહેલ’ના મ્યુઝિયમની ઘણી વસ્તુઓ સુરક્ષિત રહી છે. આ મ્યુઝિયમના પુનર્નિર્માણની કાર્યવહી ચાલે છે.
વિભૂતી વિ. ભટ્ટ