મથાઈ, જૉન (જ. 10 જાન્યુઆરી 1886; અ. 2 નવેમ્બર 1969, મુંબઈ) : ભારતના અગ્રણી અર્થશાસ્ત્રી અને ભૂતપૂર્વ નાણામંત્રી. ચેન્નઈની કિશ્ચિયન કૉલેજમાં અભ્યાસ કરી બી.એ. અને ત્યારબાદ બી.એલ. થયા. ઑક્સફર્ડ અને પછીથી લંડન સ્કૂલ ઑવ્ ઈકોનૉમિક્સમાં અભ્યાસ કર્યો. પ્રારંભે 1910થી ’14 સુધી ચેન્નઈની વડી અદાલતમાં વકીલાત કરી.
1918માં ચેન્નઈની પ્રેસિડન્સી કૉલેજમાં અને 1920માં ચેન્નાઈ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા અને ભારતીય અર્થતંત્રના ઊંડા અભ્યાસી તરીકે નામના મેળવી. 1922થી ’25 સુધી ચેન્નાઈની લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય રહ્યા. 1925માં ઇન્ડિયન ટૅરિફ બૉર્ડના સભ્ય તરીકે અને ત્યારબાદ 1931થી ’34 સુધી આ બૉર્ડના પ્રમુખ તરીકે કામગીરી બજાવી. 1935થી ’40 સુધી ડિરેક્ટર જનરલ ઍન્ડ કમિશનર, ઇન્ટેલિજન્સ ઍન્ડ સ્ટૅટિસ્ટિક્સના પદ પર કામ કર્યા બાદ સરકારી સેવામાંથી નિવૃત્તિ લઈ 1940માં ટાટા ઍન્ડ સન્સમાં જોડાયા અને 1944માં તેના ડિરેક્ટર બન્યા.
આઝાદી સમયે 1946થી ’47 દરમિયાન વચગાળાની કેન્દ્ર સરકારમાં ઉદ્યોગ અને પુરવઠા મંત્રી, આઝાદી બાદ 1947થી ’48 દરમિયાન વાહનવ્યવહાર અને રેલવેના મંત્રી તથા 1948થી ’50 દરમિયાન નાણામંત્રી તરીકે ફરજ બજાવી. ભારતની પાયાની રાષ્ટ્રીય નીતિઓનું ઘડતર કરવામાં પણ તેમણે યોગદાન આપ્યું.
‘વિલેજ ગવર્નમેન્ટ ઇન બ્રિટિશ ઇન્ડિયા’, ‘ઍગ્રિકલ્ચરલ કો-ઑપરેશન ઇન ઇન્ડિયા’ તેમજ ‘એક્સાઇઝ ઍન્ડ લિકર-કંટ્રોલ’ આ ત્રણ તેમના જાણીતા ગ્રંથો છે.
રક્ષા મ. વ્યાસ