જીવનસમરમ્ (1980) : તેલુગુ લેખક રાવુરી ભારદ્વાજનાં રેખાચિત્રોનો સંગ્રહ. 1980ના તેલુગુ ભાષાના શ્રેષ્ઠ પુસ્તક તરીકે સાહિત્ય અકાદેમીના પારિતોષિક માટે પસંદ કરાયેલી કૃતિ.
તેની વિશેષતા એ છે કે એમાં લબ્ધપ્રતિષ્ઠ વ્યક્તિઓનાં રેખાચિત્રોને બદલે રોજબરોજ જેમના સંપર્કમાં આવતા હોઈએ એવી વ્યક્તિઓ જેમ કે ખેતમજૂર, નાની હાટડીવાળો, હજામ, દરજી, સુથાર, શિક્ષક, વિદ્યાર્થી, ફેરિયો, રેલવેના કર્મચારી, અદાલતના અમલદારો, ભિખારી, પટાવાળા, સફાઈ કામદાર ઇત્યાદિનાં રેખાચિત્રો છે. લેખકની સૂક્ષ્મ નિરીક્ષણશક્તિ તથા આલેખનરીતિનું કૌશલ દર્શાવતાં આ રેખાચિત્રો જેમ જેમ વાંચતા જઈએ તેમ તેમ રેખાંકિત કરેલી વ્યક્તિઓનાં ચિત્રો તાર્દશ થાય છે.
તેલુગુ રેખાચિત્રોના સાહિત્યમાં આ પુસ્તક આદર્શ નમૂનો પૂરો પાડે છે.
ચન્દ્રકાન્ત મહેતા