જીવનો જુગારી : ગુણવંતરાય આચાર્યની નવલકથા પર આધારિત ગુજરાતી ચલચિત્ર. નિર્માણસંસ્થા : ચંદન ચિત્ર, નિર્માણવર્ષ : 1963 નિર્માતા : કુમાર દવે; પટકથા અને દિગ્દર્શન : દિનેશ રાવલ; સંવાદ : જિતુભાઈ મહેતા; છબીકલા : પ્રતાપ દવે; નૃત્યનિર્દેશક : ચેતનકુમાર તથા ગીત-સંગીત : નિનુ મઝુમદાર, મુખ્ય પાર્શ્વગાયકો : પ્રદીપજી, સુમન કલ્યાણપુર, મહેન્દ્ર કપૂર, કૌમુદી મુનશી, રતિકુમાર વ્યાસ, પિનાકિન શાહ; પ્રમુખ કલાકારો : રત્ના, અરવિંદ ત્રિવેદી, દેવિકા રૉય, હની છાયા, હીરા સાવંત, રાજા નેને અને નીના.

જીવન એક જુગાર છે અને પ્રત્યેક માનવીએ જીવનનો જુગાર ફળની આશા રાખ્યા વિના ખેલવો પડે છે એ આ ચિત્રની કથાનો મુખ્ય ધ્વનિ છે. સાંકળી ગામનો જીવણો અઠંગ જુગારી છે. પાનાંની બાજીનો પાવરધો ખેલાડી છે. જીવણાના નામથી અને કામથી ગામના લોકો દૂર ને દૂર ભાગે છે. સાંકળી ગામમાં પ્રામાણિક અને સેવાભાવી શાંતિદાસ માસ્તર પણ રહે છે. ગામમાં જીવણાનો જેટલો ત્રાસ, એટલી જ શાંતિદાસ માસ્તરની સુવાસ પ્રસરેલી છે. જીવણા જેવા ગામના ઉતાર લોકોને માસ્તર સન્માર્ગે વાળવા મથે છે અને તેથી જીવણાની આંખમાં માસ્તર ખટકે છે.

શાંતિદાસ માસ્તર ગરીબ તો હતા જ, એમાં સાંસારિક ઉપાધિઓએ તેમની ચોમેર ભરડો લીધો. પત્નીની દારુણ માંદગી અને મૃત્યુએ તેમને કરજદાર બનાવી દીધા. દીકરી રાધાના લગ્નના ખર્ચની જોગવાઈ થઈ શકે તેમ નહોતી. સાસરિયાં સગપણ તોડી નાખવાની ધમકી આપતા હતા. ગરીબીની ભીષણ આગમાં શેકાતા શાંતિદાસ માસ્તર જિંદગીનો જુગાર અસહાય બની હારી બેઠા હતા. આવી કપરી સ્થિતિમાં તેમને જીવણાનો અડ્ડો યાદ આવ્યો અને માસ્તર જીવતરની બાજી ખેલવા જીવણા પાસે પહોંચી ગયા.

અઠંગ જુગારી જીવણાએ માસ્તરને બહુ સમજાવ્યા પણ માસ્તર પાસે પૈસાદાર થવાનો આ સિવાય બીજો કોઈ ઉપાય નહોતો. માસ્તર પોતાનું સર્વસ્વ હારી બેઠા. પોતાના પિતાની આ કરુણ હાલત અને પતનથી દાઝી ઊઠેલી રાધાએ જીવણાને કદુઆ આપી કે ‘જુગાર જ જીવણાને ખતમ કરી નાખશે.’

અચાનક એક દિવસ જીવણાના અડ્ડામાં જીવણા અને બીજા ભયંકર જુગારીઓ વચ્ચે ઝઘડો થાય છે જેમાં જીવણાનો પરમ મિત્ર રઘલો ગંભીર રીતે દાઝી જાય છે. રઘલાના મોત વેળા જીવણાને પોતાનાં કુકર્મોનો પસ્તાવો થાય છે. મરણોન્મુખ રઘલો જીવણાને જુગાર ન રમવાનું વચન લેવડાવે છે. શાંતિદાસ માસ્તરના આશીર્વાદ સાથે જીવણો સન્માર્ગે વળે છે.

મહેન્દ્ર કપૂર કંઠે ગવાયેલ ‘કરે ચિંતા મારી ભગવાન, મને દઈ દીધું છે વરદાન’ ચિત્રનું શીર્ષકગીત છે. કવિ પ્રદીપજીના કંઠે ગવાયેલું ‘માનવ ચાલ્યો જાય; લેખ લલાટે જે લખ્યા, મિથ્યા કદી નવ થાય’ ચિત્રના કેન્દ્રસ્થ ભાવને રજૂ કરતું ગીત છે. ‘મેળો જામ્યો રંગીલા રાજા, રંગનો રે…’ કૌમુદિની મુનશીના કંઠે ગવાયેલ ગીત છે. ‘વહેલે તે પરોઢે… હાય રે મા, મારે કાળજડે…’ સુમન કલ્યાણપુરના સ્વરમાં છે. ‘ભોલી ભરવાડણ બોલે રે…’ સુમન, રતિકુમાર અને તેમના સાથીઓના સ્વરમાં છે. ફિલ્મમાં કેટલાક દુહાઓ પણ છે, જેમાં સ્વર પિનાકિન શાહનો છે.

હરીશ રઘુવંશી