જિયોલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયા : ભારતમાં ભૂસ્તરશાસ્ત્રને લગતી સઘળી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ પ્રમુખ સંસ્થા. મુખ્ય મથક કૉલકાતા. તેની સ્થાપના 1851માં પૂર્વ ભારતમાં કોલસાના પૂર્વેક્ષણ (prospecting) માટે થઈ હતી. તેના દ્વારા દરિયાકાંઠાના વિસ્તારો સહિત ભારતના ભૂસ્તરશાસ્ત્રીય, ભૂરાસાયણિક અને ભૂભૌગોલિક નકશાઓ (ધરા અને વાયુસહિત) તૈયાર થયા છે અને તેણે દેશના જુદા જુદા ભાગના સખત ખડક પ્રદેશ (hard rock terrain)ના 68,000 કિમી. જેટલા વિસ્તારના નકશા (mapping) તૈયાર કર્યા છે. ભૂસ્તરીય મોજણી દ્વારા તે સંસ્થા વિવિધ ખડકોની સ્તરરચના, સ્તરભંગ, ભૂગેડ, ખનિજ-ઉદભવસ્થાન અને ભૂપૃષ્ઠ-બંધારણનો અભ્યાસ કરે છે. હાલ તેના ઉપક્રમે કુદરતી વાયુ અને તેલ તેમજ પરમાણ્વીય ખનિજો સિવાયનાં ખનિજોનાં અન્વેષણ (exploration) અને મૂલ્યાંકન (evaluation), ભૂપ્રાવિધિક (geotechnical) અન્વેષણ તેમજ ભૂવિદ્યાઓ (earth sciences) અને સંબંધિત વિજ્ઞાનની અન્ય શાખાઓ; જેવી કે, ભૂકાલલેખન (geochron-ography), સ્તરવિજ્ઞાન (stratigraphy), જીવાવશેષશાસ્ત્ર (palaeontology), ખડકવિદ્યા (petrology), દૂરસંવેદન (remote sensing), ખનિજવિજ્ઞાન (mineralogy), ભૂરસાયણ (geochemistry), વૈશ્લેષિક રસાયણ અને ભૂભૌતિક વિજ્ઞાનમાં મૂળગત અને પ્રયુક્ત (applied) – એમ બંને પ્રકારનું સંશોધન ચાલી રહ્યું છે. તદુપરાંત તે ભૂતાપીય(geothermic) ક્ષેત્ર, હિમનદવિજ્ઞાન (glaciology), ભૂકંપશાસ્ત્ર (seismology), પ્રકાશ-ભૂસ્તરશાસ્ત્ર (photogeology) વગેરેમાં પણ વિશિષ્ટ સંશોધન હાથ ધરી રહેલ છે. સંસ્થાની હૈદરાબાદ અને જયપુરસ્થિત પ્રયોગશાળાઓ ખનિજ પૃથક્કરણમાં કાર્યરત છે. આ ઉપરાંત તે વિવિધ ઇજનેરી પરિયોજનાઓમાં નિષ્ણાત તકનીકી સલાહનું પ્રદાન તેમજ ખનન, જમીન ઉપરાંત નદીઓ અને જંગલોના ઉપયોગ તથા રણનિયંત્રણ વગેરે સાથે સંબદ્ધ ભૂપર્યાવરણીય (geo-environmental) અભ્યાસના ક્ષેત્રમાં પણ પ્રવૃત્તિશીલ છે. એન્ટાર્ક્ટિકાનાં અભિયાનો(expeditions)માં પણ તે પ્રથમથી જ ભાગ લઈ રહેલ છે.
સંસ્થામાં કાર્ય કરતા ભૂસ્તરશાસ્ત્રીઓ, ભૂવૈજ્ઞાનિકો, ખનિજ ઇજનેરો વગેરેની ભરતી કેન્દ્રીય સેવા પસંદગી સમિતિ દ્વારા લેવાયેલ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોમાંથી કરવામાં આવે છે. સંસ્થાનું સંચાલન ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ વિભાગોનાં વડાં મથકો અનુક્રમે લખનૌ, હૈદરાબાદ, રાયપુર અને જયપુર વચ્ચે વહેંચાયેલ છે. સંસ્થાનાં 6 પ્રાદેશિક કાર્યાલયો, 29 સર્કલ કાર્યાલયો અને 25 જેટલી વિશિષ્ટ એજન્સીઓ છે. વિભાગોના કાર્યપાલકો તેમના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારોમાં કેન્દ્રીય ભૂસ્તરીય પ્રોગ્રામિંગ બોર્ડની મંજૂરી અન્વયે રાષ્ટ્રીય અગ્રિમતા મુજબ ભૂસ્તરીય મોજણીની જુદી જુદી યોજનાઓ કાર્યાન્વિત કરે છે. ખાણ-મંત્રાલયની ખનિજ અંગેની સમિતિઓમાં આ સંસ્થાના પ્રતિનિધિ સદસ્ય હોય છે, જ્યારે રાજ્યસરકારના ભૂસ્તરીય કાર્યક્રમ અંગેના બોર્ડમાં જે તે વિભાગના વડા સદસ્ય તરીકે હોય છે.
સંસ્થા દ્વારા તેની જુદી જુદી પ્રાદેશિક શાખાઓ કે પાંખો દ્વારા એકઠા કરાયેલા આંકડાઓ એકત્રિત કરી તેમનું સમાનુકરણ (collation) અને પ્રક્રમણ (processing) કર્યા બાદ તેમનું વિતરણ (dissemination) કરવામાં આવે છે. વૈજ્ઞાનિક માનવબળના વિકાસાર્થે સંસ્થા દ્વારા તાલીમ કાર્યક્રમો ઉપર વધુ ભાર મૂકવામાં આવે છે. આમ તે ભારતીય સંસ્થાઓ તેમજ ESCAPના સભ્ય દેશોને મદદ કરી રહી છે.
જયંતી વિ. ભટ્ટ