ઇમારતી પથ્થર : ઇમારતી બાંધકામમાં વપરાતા પથ્થર. આ પથ્થર ખરબચડી સપાટી સાથે કે ઘાટ ઘડેલા સ્વરૂપે જુદી જુદી રીતે ઉપયોગમાં લેવાય છે. સામાન્ય રીતે આવા ઇમારતી પથ્થરોનો ઉપયોગ મકાન બાંધવામાં, ઇજનેરી બાંધકામમાં તથા રસ્તા બનાવવાના કામમાં થાય છે. રેતીખડક કે ચૂનાખડક જેવા કેટલાક ઇમારતી પથ્થરો નરમ હોવાથી સારી રીતે ઘડવામાં ઉપયોગી થાય છે તથા તેના પર કોતરણીકામ કરી શકાય છે. બેસાલ્ટ પથ્થરના નાના નાના ટુકડાઓ કૉન્ક્રીટ બનાવવામાં તથા રેલમાર્ગમાં બેસાલ્ટ વાપરી શકાય છે. ઇમારતી પથ્થરોની પસંદગી મુખ્યત્વે તેનાં પ્રાપ્તિસ્થાન, પ્રાપ્તિખર્ચ, ઉપયોગનો હેતુ તથા તેના ગુણધર્મો પર આધાર રાખે છે. રેતી, આરસપહાણ અને ગ્રૅનાઇટ જેવા પથ્થરો ઇમારતી પથ્થર તરીકે ઉપયોગમાં લેવાય છે.

ગુણધર્મો : (1) દેખાવ : ખડકોમાં રહેલા ખનિજ પર ઇમારતી પથ્થરના દેખાવ તથા રંગનો આધાર રહે છે. કેટલાક ખડકો આછા  તથા કેટલાક ઘેરા રંગમાં મળે છે. આ ગુણધર્મ સુશોભનકાર્ય માટે ઉપયોગમાં લેવાતા ઇમારતી પથ્થરો માટે ઉપયોગી છે; દા.ત., આરસપહાણ, ગ્રૅનાઇટ. (2) કણરચના : ખડકોમાં આવેલાં ખનિજો એકસરખાં તથા અંતર્ગ્રથિત થયેલાં હોય તો તે મકાનના બાંધકામ માટે સારાં ગણાય છે. (3) ટકાઉપણું : ખડકોનું ટકાઉપણું તેમના પર થતા ખવાણ પર આધારિત હોય છે. ખડકોમાં રહેલાં ખનિજો જો ખવાણની અસરથી મુક્ત હોય તો તેવા ખડકો વધુ ટકાઉ ગણાય છે; દા.ત., ક્વાર્ટ્ઝાઇટ. (4) મજબૂતાઈ : ખડક પર થતા દબાણ અથવા તણાવના અવરોધને મજબૂતાઈ કહે છે. સમરૂપ પથ્થરની મજબૂતાઈ બધા ભાગમાં એકસરખી હોય છે. સ્તરીય ખડકોમાં મજબૂતાઈ સ્તરોની દિશા પર આધાર રાખે છે. સ્તરની સમાંતર દિશામાં સ્તરની લંબ દિશા કરતાં મજબૂતાઈ ઓછી હોય છે. ખડકમાં રહેલાં ખનિજો જો અંતર્ગ્રથિત હોય તો તે મજબૂતાઈ વધુ બતાવે છે. સૂક્ષ્મ કણરચનાવાળા ખડક કરતાં મોટી કણરચનાવાળા ખડકો ઓછા મજબૂત હોય છે. જો ખડકોમાં તિરાડો, સાંધા, પત્રબંધરચના હોય તો મજબૂતાઈમાં ઘટાડો થાય છે. અગ્નિકૃત ખડકોની મજબૂતાઈ જળકૃત ખડક કરતાં સામાન્ય રીતે વધુ હોય છે. (5) કઠિનતા : અપઘર્ષણના અવરોધને પથ્થરની કઠિનતા કહે છે. કઠિનતાનો આધાર ખડકની કણરચના તથા તેમાં રહેલાં ખનિજોની કઠિનતા પર રહે છે. કવાર્ટ્ઝાઇટ ખડક આરસપહાણ ખડક કરતાં વધુ કઠિનતા ધરાવે છે. (6) ઘડતર : પથ્થરના ઘડતરનો આધાર તેની કઠિનતા તથા મજબૂતાઈ પર રહે છે. મજબૂતાઈવાળો તથા મધ્યમ કક્ષાની કઠિનતાવાળો ખડક ઘડવામાં ઘણો સુગમ હોય છે. સમદાણાદાર ખડક અસમદાણાદાર ખડક કરતાં ઘડવામાં વધુ સરળ રહે છે. સ્તરીય પથ્થરો ઘડવામાં સરળ હોય છે; દા.ત., રેતીખડક, આરસપહાણ.

પ્રાપ્તિસ્થાન : ઇમારતી પથ્થરનો ઉપયોગ પુરાણા સમયમાં ઘણો થતો હતો. આ પથ્થરો ઐતિહાસિક ઇમારતો, સ્મારકો તથા ઇજનેરી બાંધકામમાં વપરાયેલા જોવા મળે છે. કિલ્લાઓની દીવાલો પણ ઇમારતી પથ્થરોથી બાંધેલી જોવા મળે છે. ભારતમાં ઇમારતી પથ્થરોનાં પ્રાપ્તિસ્થાનો નીચે મુજબ છે : ગ્રૅનાઇટ પથ્થર ભારતના દ્વીપકલ્પીય વિસ્તારમાં સારા પ્રમાણમાં મળે છે. રેતીખડક ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર અને ગુજરાતના કેટલાક ભાગોમાં મળી આવે છે. ચૂનાખડક મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન તથા આંધ્રપ્રદેશમાં મળી આવે છે. સારી ગુણવત્તા ધરાવતો આરસપહાણ રાજસ્થાન, મધ્યપ્રદેશ તથા ગુજરાતમાં મળી આવે છે. બેસાલ્ટ પથ્થર ગુજરાત, મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્રના વિસ્તારોમાં મળી આવે છે.

મ. છો. ત્રિવેદી

રમેશ શાહ