જિનીવા : સ્વિટ્ઝર્લૅન્ડના જિનીવા પરગણાનું પાટનગર, દેશનું ત્રીજા ક્રમનું શહેર તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું કેન્દ્ર. ભૌગોલિક સ્થાન 46° 12’ ઉ. અ. અને 6° 09’ પૂ. રે. તે સ્વિટ્ઝર્લૅન્ડની નૈર્ઋત્યે જિનીવા સરોવરના ખૂણા પર, હ્રોન નદીની ખીણમાં વસેલું છે. આ નદી નગરને બે ભાગમાં વહેંચી નાખે છે. મૂળ નગરનો વિસ્તાર 18 ચોકિમી. તથા ઉપનગરો સાથેનો વિસ્તાર 282 ચોકિમી. છે. તેની વસ્તી 6,26,618 (2022) છે. મૂળે તે રોમન શહેર હતું. છઠ્ઠી સદીમાં રાજા ફ્રાંકે તે લઈ લીધા બાદ બારમી સદીમાં પવિત્ર રોમન સામ્રાજ્યમાં ભેળવી દીધું. યુરોપમાંની ધર્મસુધારણા દરમિયાન તે પ્રૉટેસ્ટન્ટ સુધારાઓનું કેન્દ્ર હતું. એક જમાનામાં ત્યાં પ્રૉટેસ્ટન્ટધર્મીઓની બહુમતી હતી, પરંતુ હવે રોમન કૅથલિક ધર્મના અનુયાયીઓની સંખ્યા વધુ છે.
જુલાઈ માસમાં નગરનું સરેરાશ તાપમાન 20° સે. તથા જાન્યુઆરી માસમાં 2° સે. હોય છે. વાર્ષિક સરેરાશ વરસાદ 1270 મિમી. હોય છે. જિનીવા સરોવરને લીધે ત્યાંનું તાપમાન સમશીતોષ્ણ રહે છે તથા પડખેના જુરા પર્વતને લીધે વરસાદનું પ્રમાણ પણ મર્યાદિત હોય છે. કદની ર્દષ્ટિએ નગર નાનું હોવા છતાં તેના પ્રાકૃતિક સૌંદર્યને લીધે વિશ્વમાં તે ‘લઘુ નગરોની રાણી’ તરીકે ખ્યાતિ ધરાવે છે. ફ્રાન્સની સરહદની નજીકમાં આ નગર આવેલું છે.
બે હજાર વર્ષ જૂના આ નગરનો 1945 પછી ઝડપભેર વિકાસ થયો છે. સ્વિટ્ઝર્લૅન્ડનાં મહત્વનાં ઔદ્યોગિક નગરોમાં તેની ગણના થતી હોવા છતાં મૂળભૂત રીતે વ્યાપારી કેન્દ્ર તરીકે તે વિકાસ પામ્યું છે. વ્યાપારી પ્રતિષ્ઠાનો, બૅંકો અને વીમા-કંપનીઓ જેવા આર્થિક ધોરણે સેવા પૂરી પાડતા એકમોનું નગરમાં ઝડપી વિસ્તરણ થયેલું હોવાથી ત્યાંનું અર્થતંત્ર ‘સેવા ઉદ્યોગ’ (service industry) પર નભે છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ નગરના અર્થતંત્ર પર વર્ચસ્ ધરાવે છે તથા દેશમાં રોકાયેલ કુલ વિદેશી મૂડીરોકાણમાંથી લગભગ અડધોઅડધ મૂડીરોકાણ આ નગરમાં કેન્દ્રિત થયેલું છે. ઘઉં, સરસવ, રાયડો, ડેરીની બનાવટો તથા જુદા જુદા ઉચ્ચ પ્રકારના શરાબની ત્યાંની મુખ્ય સ્થાનિક પેદાશો ગણાય છે. નગરમાં યંત્રો, યંત્રના છૂટા ભાગ, સ્વચાલિત વાહનો, ઘડિયાળો, રસાયણો, ખાદ્ય પદાર્થો, વીજળીનાં સાધનો, સાઇકલો, સોનાચાંદીનાં ઘરેણાં અને હસ્તકલાના નમૂનાઓ બનાવતા ઉત્પાદન એકમો વિકસ્યા છે. ત્યાંથી નોંધપાત્ર પ્રમાણમાં તેની નિકાસ થાય છે. ઝડપી ઔદ્યોગિક વિકાસને લીધે તાજેતરનાં વર્ષો દરમિયાન નગરમાં અને તેની આજુબાજુના વિસ્તારમાં પર્યાવરણીય સંતુલનના પ્રશ્નો ઊભા થયા છે.
નગરમાં સૌંદર્યથી ભરપૂર ઉદ્યાનો, વસ્તુસંગ્રહાલયો, નાટ્ય તથા સિનેમાગૃહો અને પ્રાણી તથા પક્ષી સંગ્રહાલયો આવેલાં છે. તેરમી સદીનું સેન્ટ પીટરનું દેવળ (cathedral), સોળમી સદીનું નગરગૃહ, અઢારમી સદીનું ન્યાયાલય, વીસમી સદીમાં નિર્માણ કરવામાં આવેલ રાષ્ટ્રસંઘ(League of Nations)નું મુખ્યાલય, વેધશાળા, વનસ્પતિ ઉદ્યાન તથા સંગ્રહાલય પર્યટકો માટેનાં વિશેષ આકર્ષણનાં સ્થળો છે. યુરોપમાંનાં જૂનાં પ્રશિષ્ટ ઢબનાં નગરોની અભિરચના આ નગરે હજુ સુધી ઘણે અંશે જાળવી રાખી છે.
સોળમી સદીમાં આ નગર કૅલ્વિનપ્રેરિત (Calvinist) પ્રૉટેસ્ટન્ટ સમાજસુધારણાનું કેન્દ્ર હતું. તેના પ્રણેતા જ્હૉન કૅલ્વિનના પ્રયાસોથી 1559માં નગરમાં જિનીવા વિશ્વવિદ્યાલયની સ્થાપના થઈ હતી. આજે પણ આ યુનિવર્સિટી આંતરરાષ્ટ્રીય રાજકારણ, વનસ્પતિશાસ્ત્ર તથા શિક્ષણશાખાના અભ્યાસ અને સંશોધનનું મહત્વનું કેન્દ્ર ગણાય છે. પરંતુ સ્વિટ્ઝર્લૅન્ડના ફ્રેંચભાષી વિસ્તારોનું આ નગર માત્ર આર્થિક જ નહિ પરંતુ બૌદ્ધિક કેન્દ્ર પણ ગણાય છે.
આલ્પ્સ અને જુરા પર્વતમાળાઓની વચ્ચે, પ્રાકૃતિક જળગ્રહણ ક્ષેત્રના કેન્દ્રમાં, ઊંચાણવાળા સ્થાન પર અપ્રતિમ સૃષ્ટિસૌંદર્ય વચ્ચે વિકસેલી આ નગરી ઘણી જાહેર અને ખાનગી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનાં મુખ્યાલયો ધરાવે છે. 1864માં આંતરરાષ્ટ્રીય રેડ ક્રૉસની તથા 1919માં રાષ્ટ્રસંઘનું યુરોપ ખંડનું મુખ્યાલય શરૂ કરવામાં આવ્યું. ઉપરાંત, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO), વર્લ્ડ કાઉન્સિલ ઑવ્ ચર્ચીસ તથા ઇન્ટરનૅશનલ બોર્ડ ઑવ્ એજ્યુકેશનની મુખ્ય કચેરીઓ પણ આ નગરમાં છે. અત્યાર સુધીની ઘણી આંતરરાષ્ટ્રીય પરિષદો આ નગરમાં યોજવામાં આવી હતી. દા.ત, 1954માં કોરિયા તથા ઇન્ડોચીન વચ્ચેના યુદ્ધની સમાપ્તિ માટેની પરિષદ તેમજ 1955માં શીતયુદ્ધનો અંત લાવવા માટે આયોજિત પરિષદ તેમજ 196263માં નિ:શસ્ત્રીકરણ તથા અણુશસ્ત્રોના નિરીક્ષણ માટેની પરિષદ યોજવા માટે આ નગરની જ પસંદગી થઈ હતી.
નગરના મોટા ભાગના રસ્તાઓ ફ્રાન્સ સાથે જોડાયેલા છે, પરંતુ સ્વિટ્ઝર્લૅન્ડનાં તથા ફ્રાન્સનાં મહત્ત્વનાં નગરો સાથે રેલમાર્ગ દ્વારા આ નગર જોડાયેલું છે. નગરની વાયવ્ય દિશામાં 5 કિમી.ને અંતરે આંતરરાષ્ટ્રીય વિમાનમથક વિકસાવવામાં આવેલું છે.
અલ્લોબ્રોજેસ નામની જનજાતિએ આ નગર વસાવ્યું હતું. જિનીવા સરોવરના છેડા પર ઈ. પૂ. પ્રથમ સદીમાં ત્યાં સૌથી પહેલી વસાહત ઊભી કરવામાં આવી હતી. રોમન સામ્રાજ્યના આધિપત્ય દરમિયાન ત્યાં ખ્રિસ્તી ધર્મના લોકોનું વર્ચસ્ વધ્યું. 1535માં ત્યાંની પ્રજાએ પ્રૉટેસ્ટન્ટ ધર્મનો અંગીકાર કર્યો. 1536માં નગર પર જ્હૉન કૅલ્વિને ધર્મતંત્રીય રાજ્યશાસન દાખલ કર્યું (1536–64). 1842 પછી આધુનિક ઢબે નગરનો વિકાસ શરૂ થયો. રુસ્સો અને વૉલ્ટેર જેવા વિચારકોના નિવાસસ્થાન તરીકે પણ આ નગરની ખ્યાતિમાં વધારો થયો છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે