જિનાન : ચીનના શાડોંગ પ્રાંતનું પાટનગર. વૅન્ગ હો નદીની દક્ષિણે બેજિંગથી 370 કિમી. દક્ષિણે આવેલું આ શહેર 36° 40’ ઉ. અ. અને 116° 57’ પૂ. રે. પર આવેલું છે. શાડોંગ પ્રાંતના મહત્વના ઉદ્યોગ-વ્યાપાર કેન્દ્રમાં તેની ગણના થાય છે. ત્યાં ખાદ્ય પદાર્થોની પ્રક્રિયા, રસાયણો, લોખંડ અને પોલાદ, મશીન ટૂલ્સ, વીજળીનાં ઉપકરણો, કાપડ તથા કાગળનું ઉત્પાદન કરતા ઔદ્યોગિક એકમો વિકસ્યા છે. શિક્ષણ તથા વાહનવ્યવહાર જેવાં ક્ષેત્રોનો પણ ત્યાં નોંધપાત્ર વિકાસ થયો છે. વસ્તી : 30 લાખ (2000)

શાંગ વંશના શાસનકાળ (ઈ. પૂ. આશરે 1600-1027) દરમિયાન આ નગર વસાવવામાં આવ્યું હોય તેવા ઐતિહાસિક પુરાવા સાંપડ્યા છે. તેરમી સદીમાં વિખ્યાત પર્યટક માર્કો પોલોએ આ નગરની મુલાકાત લીધી હતી. 1937-45 દરમિયાન તેના પર જાપાનનું આધિપત્ય હતું. 1948માં ભીષણ યુદ્ધના અંતે માઓ ત્સે-તુંગના નેતૃત્વ હેઠળની લાલ સેનાએ નગર પર વિજય મેળવ્યો હતો.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે