જિનદાસ મહત્તર (આશરે આઠમી સદીનો પૂર્વાર્ધ) : જૈન આગમના એક વ્યાખ્યાકાર. જૈન આગમના વ્યાખ્યાકારોમાં વિશિષ્ટ સ્થાન ધરાવતા જિનદાસ મહત્તર સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના વિદ્વાન હતા. ચૂર્ણિ સાહિત્ય અનુસાર પિતાનું નામ નાગ અને માતાનું નામ ગોપા. વજ્રશાખીય મહાન વિદ્વાન આચાર્ય ગોપાલગણિ મહત્તર તેમના ધર્મગુરુ અને પ્રદ્યુમ્ન ક્ષમાશ્રમણ તેમના વિદ્યાગુરુ હતા. ગુરુ દ્વારા તેમને ગણિપદ મળ્યું હતું. જ્ઞાનવૃદ્ધ હોવાને કારણે તે ‘મહત્તર’ નામથી પ્રસિદ્ધ થયા. તેમણે અનેક આગમો ઉપર ચૂર્ણિની રચના કરી છે.
ભાષ્ય અને નિર્યુક્તિની અપેક્ષાએ ચૂર્ણિ સાહિત્ય અધિક વિસ્તૃત છે. તે ગદ્યમય છે. તેની ભાષા સંસ્કૃતમિશ્રિત પ્રાકૃત છે. બોધલક્ષી કથાઓ તથા ધાર્મિક આખ્યાનો-ઉપાખ્યાનોથી સમૃદ્ધ ચૂર્ણિ સાહિત્ય જ્ઞાનનો અક્ષય ભંડાર છે.
વર્તમાનમાં ઉપલબ્ધ આશરે 20 આગમ ગ્રંથો ઉપરની ચૂર્ણિઓમાં (1) આવશ્યક ચૂર્ણિ, (2) દશવૈકાલિક ચૂર્ણિ, (3) નંદી ચૂર્ણિ, (4) અનુયોગદ્વાર ચૂર્ણિ, (5) ઉત્તરાધ્યયન ચૂર્ણિ, (6) આચારાંગ ચૂર્ણિ, (7) સૂત્રકૃતાંગ ચૂર્ણિ તથા (8) નિશીથ ચૂર્ણિ તેમની રચેલી મનાય છે.
‘આવશ્યક’ અને ‘નિશીથ ચૂર્ણિ’ ખૂબ વિસ્તૃત અને પ્રૌઢ રચનાઓ છે. ‘નંદી ચૂર્ણિ’ના અંતે આચાર્ય જિનદાસે ‘શક સંવત 598માં આ ગ્રંથ પૂર્ણ થયો છે એમ જણાવ્યું છે તે પરથી તેમનો સમય વિક્રમની આઠમી સદીનો પૂર્વાર્ધ નિશ્ચિત થાય છે.
રૂપેન્દ્રકુમાર પગારિયા