જાસ્પર : દળદાર, સૂક્ષ્મ દાણાદાર ક્વાર્ટ્ઝનો અશુદ્ધ, અપારદર્શક પ્રકાર, જે સામાન્ય રીતે નળિયા જેવા રાતા, ઘેરા કથ્થાઈ રાતા કે પીળાશ પડતા કથ્થાઈ રંગમાં મળે છે. રાતા રંગવાળું જાસ્પર તેમાં સૂક્ષ્મ રીતે ફેલાયેલા હેમેટાઇટના સંમિશ્રણને કારણે, જ્યારે કથ્થાઈ જાસ્પર સૂક્ષ્મ રીતે ફેલાયેલા ગોઇથાઇટને કારણે તૈયાર થતું હોય છે.
પ્રાચીન કાળથી અલંકારોમાં તેનો ઉપયોગ થતો આવ્યો છે, મુખ્યત્વે જડતર તરીકે તેમજ અર્ધકીમતી ઉપરત્ન તરીકે તે વપરાય છે અને સૂર્યકાન્તમણિ તરીકે ઓળખાય છે.
સૂક્ષ્મદર્શક યંત્રમાં જોવાથી તેની સૂક્ષ્મ દાણાદાર સંરચના દેખાઈ આવે છે; પરંતુ ક્યારેક તે તંતુમય સ્વરૂપમાં અથવા ગોળાકાર વલયોમાં ગોઠવાયેલા સિલિકા સ્વરૂપે પણ જોવા મળે છે. તે સુંવાળી, વલયાકાર સપાટીઓમાં તૂટે છે અને મંદ ચળકાટ બતાવે છે. પ્રાપ્તિસ્થિતિના સંજોગભેદે, તેમજ કણકદ, અશુદ્ધિના પ્રકાર અને પ્રમાણ મુજબ તેની કઠિનતા અને વિશિષ્ટ ઘનતા બદલાતી રહે છે. તેમ છતાં આ બંને ગુણધર્મ(કઠિનતા અને વિ. ઘ.)ના અંક ક્વાર્ટ્ઝ જેટલા ગણાય છે. રંગ-દેખાવના સંદર્ભમાં જોતાં, તે પટ્ટાઓના સ્વરૂપમાં, ટપકાં સ્વરૂપમાં કે વલયસ્વરૂપમાં બહુધા મળી આવે છે.
હેલિયોટ્રોપ એ લીલા રંગનું પારભાસક કૅલ્સિડોની સિલિકા છે, જેમાં જાસ્પર લાલરંગી, અપારદર્શક ટપકાં કે દોરીસ્વરૂપે મળે છે, એ જ રીતે જાસ્પર, અકીક સહિતની મિશ્રસ્થિતિમાં મળે ત્યારે તેને ‘જાસ્પએગેટ’ કહે છે, જેમાં કૅલ્સિડની સિલિકા અને જાસ્પરના પટ્ટાઓની વારાફરતી ગોઠવણી નજરે પડે છે. ‘જાસ્પીલાઇટ’ એ એક પ્રકારનો વિકૃત ખડક છે જે જાસ્પર અને લાલ કે કાળા હેમેટાઇટના પટ્ટાઓની વારાફરતી ગોઠવણીથી બનેલો હોય છે.
ગિરીશભાઈ પંડ્યા