જાહેર અર્થવિધાન

જાહેર અર્થવિધાન : સરકાર અને અન્ય જાહેર સંસ્થાઓની આવક અને જાવકનાં આર્થિક પાસાંનો સમીક્ષાત્મક અભ્યાસ. જાહેર અર્થવિધાનમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો ઉપરાંત મ્યુનિસિપલ કૉર્પોરેશનો, નગરપાલિકાઓ, જિલ્લા-પંચાયતો કે ગ્રામ-પંચાયતો જેવાં જાહેર સત્તા-મંડળોની આવક અને જાવકના અભ્યાસનો સમાવેશ પણ કરવામાં આવે છે.

ઓગણીસમી સદીમાં અને તે પહેલાં ‘પોલીસ-રાજ્ય’ તરીકે ઓળખાતા રાજ્યનાં મુખ્ય બે જ કાર્યો હતાં : (1) દેશની અંદર કાયદો અને વ્યવસ્થાની જાળવણી, અને (2) વિદેશી આક્રમણ સામે દેશનું રક્ષણ. આવી મર્યાદિત પ્રવૃત્તિઓ કરવા માટે રાજ્યને બહુ મોટા પાયા ઉપર ખર્ચ કરવો પડતો નહિ અને તેથી સરકારને બહુ મોટી આવક પણ ઊભી કરવાની જરૂર પડતી નહિ. તેથી તેનો સવિસ્તર અલગ અભ્યાસ કરવાની જરૂર રહેતી નહિ; પરંતુ વીસમી સદીમાં રાજ્યો ‘કલ્યાણ-રાજ્યો’ બનતાં અગાઉનાં ફરજિયાત કાર્યો ઉપરાંત પ્રજાના સમગ્રલક્ષી કલ્યાણની વિવિધ પ્રવૃત્તિઓ પણ આધુનિક રાજ્યોને કરવી પડે છે અને તેની પાછળ કરવા પડતા ખર્ચનું પ્રમાણ પણ ઘણું મોટું હોય છે. આવા જંગી ખર્ચને પહોંચી વળવા માટે રાજ્યને મોટા પાયા ઉપર આવક ઊભી કરવી પડે છે. ટૂંકમાં, આધુનિક યુગમાં સરકારની આવકમાં તથા ખર્ચમાં જંગી વધારો થયો છે અને તેથી જ આવક અને ખર્ચ આ બંને પાસાંનો અભ્યાસ જાહેર અર્થવિધાન હેઠળ હાથ ધરવામાં આવે છે જે હવે વધુ ને વધુ મહત્વનો બન્યો છે.

જાહેર અર્થવિધાનમાં મુખ્યત્વે બે બાબતોનો સમાવેશ થાય છે : (1) સરકારની આવક, અને (2) સરકારનો ખર્ચ. (અહીં સરકાર એટલે જાહેર સંસ્થા સમજવું)

(1) સરકારની આવક : આંતરિક શાંતિ અને વ્યવસ્થા, બાહ્ય આક્રમણ સામે દેશનું રક્ષણ, ન્યાયવ્યવસ્થા, શિક્ષણ, જાહેર આરોગ્ય, ગરીબો માટે રહેઠાણ, વાહનવ્યવહાર વગેરે અનેક બાબતો પાછળ સરકારને મોટા પાયા ઉપર ખર્ચ કરવો પડતો હોઈ આ ખર્ચને પહોંચી વળવા આવક ઊભી કરવી પડે છે. આ આવકનાં મુખ્ય સાધનો છે : (અ) કરવેરા, (આ) જાહેર સાહસોનો નફો, (ઈ) ખાધપૂરક નાણાતંત્ર, (ઉ) જાહેર દેવું અને (એ) અન્ય પ્રકીર્ણ સાધનો.

() કરવેરા : સરકારની આવકનું સૌથી જાણીતું હાથવગું સાધન છે કરવેરા. આવકવેરો, સંપત્તિવેરો, વેચાણવેરો, જમીનમહેસૂલ, આબકારી જકાત, બક્ષિસવેરો, મનોરંજનવેરો વગેરે વિવિધ પ્રકારના પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરા દ્વારા સરકાર આવક ઊભી કરી શકે. અલબત્ત, આડેધડ કે બેમર્યાદ કરવેરા નાખવાથી કેટલીક પ્રતિકૂળ અસરો સર્જાવાની સંભાવના હોય છે. દા.ત., વધુ પડતા કરવેરાનો લોકો વિરોધ કરે એટલું જ નહિ પરંતુ તેને લીધે લોકોની કામ કરવાની શક્તિ તથા વૃત્તિ નિરુત્સાહી બને છે. જો તેમ થાય તો આર્થિક વિકાસની પ્રક્રિયા પર તેની પ્રતિકૂળ અસર પહોંચે છે. તેથી સરકારે અમુક મર્યાદામાં રહીને જ કરવેરા દ્વારા આવક ઊભી કરવી જોઈએ.

() જાહેર સાહસોનો નફો : મોટા ભાગની સરકારો કોઈ ને કોઈ પ્રકારનાં જાહેર સાહસોની માલિકી ધરાવતી હોય છે તથા તેનું સંચાલન કરતી હોય છે. દા.ત., તાર અને ટપાલ ખાતું, રેલવે, વીજળીનું ઉત્પાદન અને વહેંચણી, સ્ટીલનાં કે ખાતરનાં કારખાનાં વગેરે. જાહેર સાહસોએ નફો કરવો જોઈએ કે કેમ એ પ્રશ્ન ખૂબ જ વિવાદાસ્પદ છે; પરંતુ જો જાહેર સાહસો નફો કરે તો તે નફો સરકારની આવક બને છે.

() ખાધપૂરક નાણાતંત્ર : સરકારની આવક કરતાં તેનો ખર્ચ વધી જાય ત્યારે સરકારના અંદાજપત્રમાં ખાધ પડે છે. આ ખાધ પૂરવા માટે ઊભાં કરવામાં આવતાં નાણાંને ખાધપૂરક નાણાતંત્ર કહેવાય છે. ખાધપૂરક નાણાંતંત્ર નાણાંના અસરકારક પુરવઠામાં વધારો કરે છે અને તેથી તે ઘણી વાર ભાવવધારા માટે જવાબદાર બને છે. ખાસ કરીને વિકાસશીલ દેશોમાં ખાધપૂરક નાણાતંત્ર ફુગાવાજનક બનવાની વિશેષ સંભાવના હોવાથી સરકારની આવકના સાધન તરીકે તેનો ખૂબ સાવધાનીપૂર્વક ઉપયોગ કરવાનો હોય છે.

() જાહેર દેવું : સરકાર દેવું કરીને પણ આવક ઊભી કરી શકે છે. દેવાના મુખ્ય બે પ્રકાર છે : (1) આંતરિક દેવું, અને (2) બાહ્ય દેવું. દેશની અંદરનાં સાધનોમાંથી મેળવવામાં આવતાં ઉછીનાં નાણાંનું પ્રમાણ આંતરિક દેવું સૂચવે છે. દા.ત., સરકાર લોકો પાસેથી, કંપનીઓ પાસેથી કે પછી બૅંકો પાસેથી ઉછીનાં નાણાં લઈને આવક ઊભી કરી શકે. જ્યારે દેશની બહારનાં સાધનોમાંથી મેળવવામાં આવતાં ઉછીનાં નાણાંનું પ્રમાણ બાહ્ય દેવું સૂચવે છે. દા.ત., વિદેશની બૅંકો, વિદેશી સરકારો કે પછી વિશ્વ-બૅંક કે આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી લેવામાં આવતાં ઉછીનાં નાણાં. સરકાર જે દેવું કરે છે તે વ્યાજસહિત પાછું આપવાનું હોય છે તેથી આ દેવું પ્રજાને માટે બોજારૂપ ન બને તેની તકેદારી સરકારે રાખવાની હોય છે. જાહેર દેવામાંથી મળેલી રકમનો ઉત્પાદક હેતુ માટે ઉપયોગ કરવામાં આવે તો તે બોજારૂપ બને નહિ.

() અન્ય સાધનો : સરકાર બીજાં કેટલાંક સાધનોમાંથી પણ આવક ઊભી કરે છે. દા.ત., કાયદાનો ભંગ કરનાર વ્યક્તિ કે સંસ્થાને દંડ કરીને, અમુક દસ્તાવેજોની નોંધણી માટે ફી લઈને, રાજ્યની માલિકીનાં જંગલોમાં પેદા થતી વન્ય પેદાશોના વેચાણ દ્વારા, ખાણો ઉપર રૉયલ્ટી લઈને વગેરે.

સરકારનું ખર્ચ : આધુનિક સમયમાં સરકારની પ્રવૃત્તિઓનું કાર્યક્ષેત્ર ખૂબ જ વિસ્તર્યું છે. દા.ત., શિક્ષણની સગવડો વધારવી, જાહેર આરોગ્યની સારસંભાળ લેવી, ગરીબોને પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવી, પર્યાવરણની જાળવણી કરવી, આવકની અને મિલકતની અસમાનતા ઘટાડવી, આર્થિક સ્થિરતા જાળવવી, ખાનગી ઇજારાશાહીને અટકાવવી, સંરક્ષણનાં સાધનો વસાવવાં, આર્થિક વિકાસ માટેની પૂર્વભૂમિકા ઊભી કરવી, એ બધાં કારણોને લીધે સરકારને પુષ્કળ ખર્ચ કરવો પડે છે.

સરકાર ખર્ચ કરે ત્યારે તેની સમક્ષ મુખ્ય ધ્યેય પ્રજાના કલ્યાણનું હોવું જોઈએ. સરકારી ખર્ચનું સંચાલન કરકસરપૂર્વક થાય તે પણ ખૂબ જ આવશ્યક છે. સરકાર બેફામ રીતે વહીવટી અથવા અન્ય અનુત્પાદક ખર્ચ કરે અને પ્રજાનાં કીમતી નાણાં વેડફાય તો તેવો સરકારી ખર્ચ દેશને માટે નુકસાનકારક નીવડે.

જાહેર અર્થવિધાનની ઉપયોગિતા નીચે મુજબ છે :

(1) બચત અને મૂડીરોકાણને પ્રોત્સાહન : જાહેર અર્થવિધાનનું વ્યવસ્થિત સંચાલન કરવાથી બચત અને મૂડીરોકાણને પ્રોત્સાહન આપી શકાય તથા તે રીતે આર્થિક વિકાસની ગતિને વેગ આપી શકાય છે. દા.ત., કરવેરા દ્વારા લોકોની બચતને એકત્રિત કરીને આ બચતનું યોગ્ય મૂડીરોકાણ કરવામાં આવે તો ઝડપી આર્થિક વિકાસ સાધી શકાય.

(2) આવક અને મિલકતની વધુ સમાન અને ન્યાયી વહેંચણી : જાહેર અર્થવિધાનની મદદથી આવકની અને મિલકતની વ્યાપક અસમાનતામાં ઘટાડો કરી શકાય. દા.ત., ધનિકો ઉપર પ્રગતિશીલ દરે કરવેરા નાખીને તેમાંથી પ્રાપ્ત થતી આવક ગરીબોના આર્થિક કલ્યાણ માટે ખર્ચવામાં આવે તો આર્થિક અસમાનતા ઘટે.

(3) ફુગાવાનું નિયંત્રણ : વસ્તુઓ અને સેવાઓની માગ અને પુરવઠા વચ્ચેની અસમતુલા અર્થતંત્રને ભાવવધારા તરફ દોરી જતી હોય ત્યારે માગને અંકુશમાં રાખવામાં તથા પુરવઠો વધારવામાં જાહેર અર્થવિધાન મદદરૂપ બની શકે. દા.ત., જાહેર દેવું કરીને સરકાર લોકોની ખરીદશક્તિ ઘટાડે તો માગમાં ઘટાડો થાય. બીજી તરફ, આ રીતે મેળવવામાં આવેલાં નાણાં દ્વારા સર્વસામાન્ય જનતાની વપરાશી ચીજોનો પુરવઠો વધારવામાં આવે તો પણ ફુગાવો અંકુશમાં આવે.

(4) રોજગારીમાં વધારો અને આર્થિક વિકાસ : સરકાર પોતાની ઉત્પાદક આર્થિક પ્રવૃત્તિઓને વિસ્તારે તો રોજગારીની નવી તકો ઊભી થાય. વળી આ પ્રકારની પ્રવૃત્તિઓ આર્થિક વિકાસ માટે પ્રોત્સાહક અને ઉપકારક નીવડે. દા.ત., રસ્તાઓ, વાહનવ્યવહાર, સંદેશાવ્યવહાર, વીજળી, સંશોધન, તાલીમ, શિક્ષણ, જાહેર આરોગ્ય, પર્યાવરણની જાળવણી વગેરે પાછળ કરવામાં આવતો વિવેકયુક્ત ખર્ચ આર્થિક વિકાસ માટે આંતરમાળખું પૂરું પાડે છે અને લાંબે ગાળે આર્થિક વિકાસમાં તે મદદરૂપ બને છે.

અનિલ સોનેજી