જાપુરા : દક્ષિણ અમેરિકામાં આવેલી મહાકાય નદી એમેઝૉનની એક મોટી શાખા-નદી (tributary). વાયવ્ય કોલંબિયાનો 3000 મી. ઊંચો કૉર્ડિલેરા ઓક્સિડેન્ટલ આ નદીનું ઉદગમસ્થાન છે. ત્યાંથી નીકળી તે સામાન્ય રીતે ઘણી લંબાઈ સુધી અગ્નિખૂણે વહે છે અને વાયવ્ય બ્રાઝિલ ખાતે આવેલ, એમેઝૉનાસ રાજ્યની આરપાર વહીને તે એમેઝૉનને મળે છે. નદીનો ઉપરવાસનો ભાગ કોલંબિયામાં કાક્વેટા (Kaqueta) તરીકે ઓળખાય છે. આ નદીની કુલ લંબાઈ 2817 કિમી.  છે; છતાં તેનું આર્થિક અને સાંસ્કૃતિક ર્દષ્ટિએ ખાસ મહત્વ કે ઉપયોગિતા નથી, કારણ કે પાંખી વસ્તીવાળા એમેઝૉન નદીની ખીણના પશ્ચિમ વિસ્તારમાંથી તે લાંબા અંતર સુધી વહે છે. કોલંબિયા-બ્રાઝિલની સરહદે વહેતી રિયા અપાપોરિસ નદી, જાપુરાને મળતી સૌથી મોટી ઉપ-શાખાનદી છે. જાપુરા નદી મોટી સંખ્યામાં શાખા રૂપે વહેંચાઈ જઈને એમેઝૉનને મળે છે.

શિવપ્રસાદ રાજગોર