આસામ રાઇફલ્સ : ભારતનું જૂનામાં જૂનું અર્ધલશ્કરી દળ. આસામના નૌગાંવ જિલ્લાના ચાના બગીચાઓનું રક્ષણ કરવા માટે ઓગણીસમી સદીના ચોથા દાયકામાં તેની સ્થાપના થઈ હતી. સ્થાપનાટાણે તે મુલકી અધિકારીઓના હસ્તક મૂકવામાં આવેલું. સમય જતાં આસામના અંતરિયાળ વિસ્તારોમાં પણ તેના એકમો ઊભા કરવામાં આવ્યા, જેને લીધે અગમ્ય વિસ્તારોમાં મુલકી અધિકારીઓનું વર્ચસ્ વધતું ગયું. આસામના આદિવાસી વિસ્તારોમાં તેની મોટા ભાગની પ્રવૃત્તિઓ પ્રસરેલી હોવાથી ‘ગિરિજનોના મિત્ર’ તરીકે આદિવાસી પ્રજામાં તે લોકપ્રિયતા ધરાવે છે.
ભારતને આઝાદી મળ્યા પછી દેશના ઈશાન પ્રદેશના રક્ષણમાં તેનું મહત્વ વધતું ગયું છે. ભારતમાં આ એકમાત્ર એવું લશ્કરી દળ છે, જેમાં મુલકી અને લશ્કરી બંને પ્રકારની સત્તાઓનો સુમેળ જોવા મળે છે, કારણ કે આ દળ બંને પ્રકારની સેવાઓ પૂરી પાડે છે. તેની કુલ 31 બેટૅલિયનોમાંથી 24 બેટૅલિયનો ઈશાન વિસ્તારમાં બંડવિરોધી અભિયાન (counterinsurgency operation) માટે અને બાકીની 7 બેટૅલિયનો સરહદના રક્ષણ માટે કામ પર લગાડવામાં આવી છે.
1884થી તે ભારતના લશ્કર હેઠળ કામ કરે છે. તેને સોંપવામાં આવેલ લશ્કરી અભિયાનો ઉપરાંત તે માનવતાનાં કાર્યો તેમજ કુદરતી આપત્તિના સમયમાં બચાવ અને રાહતકાર્યોમાં પણ પરોવાયેલું રહે છે. બીજા વિશ્વયુદ્ધ (1939-45) દરમિયાન બ્રહ્મદેશ (હવે મ્યાનમાર) પર જાપાનનું આધિપત્ય દાખલ થતાં 1941થી હજારો શરણાર્થીઓ ભારતમાં દાખલ થવા લાગ્યા ત્યારે તેમનું રક્ષણ અને સારસંભાળ કરવાનું કાર્ય આ અર્ધલશ્કરી દળે જ સારી રીતે કર્યું હતું, એટલું જ નહિ, પરંતુ ઈશાન વિસ્તારના અને ખાસ કરીને નાગાલૅન્ડના વિકાસમાં પણ તેનો ફાળો નોંધપાત્ર રહ્યો છે; દા.ત., આ દળના જવાનોએ ઈશાનના અગમ્ય વિસ્તારોમાં રસ્તાઓ, પાણીપુરવઠા યોજનાઓ, શાળાઓ, નગર સભાગૃહો, ગ્રામવિસ્તારનાં બાળકો માટે રમતગમતનાં મેદાનો વગેરે તૈયાર કર્યાં છે તથા જૂનાં સાર્વજનિક મકાનોની સાચવણીમાં પણ સક્રિય મદદ કરી છે.
ઓગણીસમી સદીમાં આ દળની સ્થાપના થયા પછીના ગાળામાં તેની લશ્કરી પ્રવૃત્તિઓ તથા સીમાપારનાં અભિયાનો પણ નોંધપાત્ર રહ્યાં છે. તેની આ બધી જ પ્રવૃત્તિઓ કાં તો ભારતીય લશ્કરના ઘટકો સાથે અથવા તેના હસ્તક હાથ ધરવામાં આવી છે. 1917-18 દરમિયાન મણિપુર તથા ચીન પહાડીઓના પ્રદેશોમાં કુકી બંડને ડામવામાં આ અર્ધલશ્કરી દળોએ નોંધપાત્ર કામગીરી કરી હતી. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન (1914-18) આ દળના જવાનોએ ભારતીય લશ્કરના જવાનો સાથે જાપાનના આક્રમણને ખાળવા સંયુક્ત કાર્યવહી કરી હતી. તેના અગિયાર અધિકારીઓ અને 69 જવાનોને તેમના શૌર્ય માટે જુદા જુદા પ્રકારના ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
બીજા વિશ્વયુદ્ધ (1939-45) દરમિયાન શરૂઆતનાં બે વર્ષ સુધી આ દળને કોઈ કામગીરી સોંપવામાં આવી ન હતી, પરંતુ 1941ના ઉત્તરાર્ધમાં ભારત પર જાપાનના પ્રત્યક્ષ આક્રમણના ભયમાં વધારો થતાં તે વખતના ભારતીય લશ્કરના વડા જનરલ વાવેલે ઈશાન વિસ્તારના રક્ષણની જવાબદારી આ દળને સોંપી હતી. આ કામગીરી દરમિયાન પણ આ દળના અધિકારીઓ અને જવાનોએ જે શૌર્ય દાખવ્યું હતું તેને લીધે ભારત પરના જાપાનના આક્રમણની તીવ્રતામાં ઘટાડો થયો હતો અને અંતે જાપાનને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ શૌર્ય માટે પણ આ દળના ઘણા અધિકારીઓ અને જવાનો લશ્કરી ઍવૉર્ડ પામ્યા હતા.
1947ના અંતમાં ત્રિપુરા રાજ્યમાં સરહદની પેલી પારથી એટલે કે પૂર્વ પાકિસ્તાનમાંથી ભારતમાં ઘણા મોટા પાયા પર ઘૂસણખોરી કરવામાં આવી હતી, જે સફળ રીતે ખાળવામાં પણ આસામ રાઇફલ્સે નોંધપાત્ર કામગીરી કરી હતી. 1962ના ચીનના ભારત પરના આક્રમણ દરમિયાન તથા 1965 અને 1971ના ભારત-પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન ઈશાનના ભારતીય વિસ્તારોના રક્ષણની જવાબદારીમાંથી આ દળે ભારતના લશ્કરને મુક્ત કરી તેની જવાબદારી પોતે પોતાના શિરે લઈ લીધી હતી, જેથી ભારતીય લશ્કર યુદ્ધના ક્ષેત્રમાં સીધેસીધી કામગીરી કરી શકે.
1953 પછીના ગાળામાં નાગા બળવાખોરોની આતંકવાદી પ્રવૃત્તિઓનો સામનો કરવાની જવાબદારી પણ મુખ્યત્વે આસામ રાઇફલ્સે જ ઉપાડી હતી. માર્ચ 1956માં મેજર જનરલ આર. કે. કોચરના નેતૃત્વ હેઠળ તે વિસ્તારમાં ભારતીય લશ્કરની વધુ ટુકડીઓ દાખલ કરવામાં આવી હતી તેમ છતાં ટેનસેંગ (Taensang) પ્રદેશના રક્ષણની જવાબદારી આસામ રાઇફલ્સને સોંપવામાં આવી હતી. 1963માં નાગાલૅન્ડનું અલાયદું રાજ્ય સ્થપાતાં તે વિસ્તારના રાજકીય, સાંસ્કૃતિક અને આર્થિક વિકાસમાં આસામ રાઇફલ્સનો ફાળો નોંધપાત્ર રહ્યો છે. તેના ઘટકો આ નવા રાજ્યના બધા જ જિલ્લાઓમાં સક્રિય વિકાસલક્ષી કામગીરી કરી રહ્યા છે. તેને લીધે સામાન્ય જનતામાં તેની લોકપ્રિયતામાં વધારો થઈ રહ્યો છે અને તે ‘ફ્રેન્ડઝ ઑવ્ ધ હિલ પીપલ્સ’ તરીકે ઓળખાય છે.
આ દળનું મુખ્યાલય કોહિમા નજીકના ઝખામા ખાતે રાખવામાં આવ્યું છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે