જાટ : ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન વગેરે રાજ્યોમાં વસતી કૃષિકાર જાતિ. અનુશ્રુતિ પ્રમાણે દક્ષના યજ્ઞનો નાશ કરવા માટે શિવે પોતાની જટામાંથી ઉત્પન્ન કરેલા બે ગણો તેમના આદિપુરુષો હતા. શિવની જટામાંથી ઉત્પન્ન થયા તેથી તેમના વંશજો જાટ તરીકે ઓળખાય છે. પણ ઇતિહાસ પ્રમાણે ઈ. પૂ. 150-100 દરમિયાન આ જાટ કે ‘જર્ત્રિક’ મધ્ય એશિયામાંથી કુશાનો સાથે આવ્યા હતા.
જાટ લોકોનું મૂળ નિવાસસ્થાન ઑક્સસ કે આમુદરિયાનો પ્રદેશ છે, એવું કનિંગહામનું મંતવ્ય છે. મહાભારતમાં વાહીક (વાલ્હીક બૅક્ટ્રિયન) લોકોનું વર્ણન છે તે જાટ લોકોને બંધબેસતું આવે છે એમ વિલ્સન માને છે. મહાભારતમાં જર્ટ કે જરઠ લોકો એ જ જાટ છે એવું પણ મંતવ્ય છે. રિસ્લે જાટ શબ્દ જથ (જમા કરવું) ઉપરથી બન્યો હોવાનું જણાવે છે. ઇબેટસન જણાવે છે કે ભૂતકાળમાં જાટ અને રાજપૂતો વચ્ચે લગ્નસંબંધ હતો. તેમનો શારીરિક બાંધો અને ચહેરાનો દેખાવ રાજપૂતોને મળતો છે. ચિંતામણિ વૈદ્ય દેખાવ ઉપરથી જાટ લોકોને આર્ય જાતિના માને છે. તેમની રહેણીકરણી ગુર્જરો અને આહીરોને મળતી આવે છે.
જાટ લોકોના મુખ્ય વિભાગો 3 છે; પણ પેટાવિભાગો અનેક છે. પશ્ચિમ પંજાબમાં વસતા (પાકિસ્તાન) જાટનાં સેંકડો જૂથો છે. ભારતમાં વસતા જાટ મુખ્યત્વે ખેડૂતો છે. કેટલાક લશ્કરમાં જોડાયેલ છે. પાકિસ્તાનના જાટ પૈકી કેટલાક ઊંટપાલકો અને ખેતમજૂરો છે; કેટલાક જમીનદારો અને જાગીરદારો પણ હોય છે. આ કોમ ખૂબ મહેનતુ છે અને હલકી જમીનને પણ ખાતરપાણી આપી આબાદ કરે છે. આ માટે કહેવત છે કે ‘જિથે જાટ તિથે થાટ’.
સત્તરમી સદીથી ઉત્તરપ્રદેશમાં મુરસાન, રાજસ્થાનમાં ભરતપુર અને પંજાબમાં પતિયાળાનાં તેમનાં દેશી રાજ્યો આઝાદી આવતાં સુધી અસ્તિત્વમાં હતાં. ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં તેમની સંખ્યા સારી છે. ચરણસિંહ, તેમના પુત્ર અજિતસિંહ, કુંભારામ આર્ય, સ્વરૂપસિંહ વગેરે રાજકીય અગ્રણીઓ જાટ જાતિના છે. 1761ના પાણીપતના યુદ્ધમાં સૂરજમલ જાટે ભાગ લીધો હતો. મુઘલો સામેના યુદ્ધમાં તેમનો ઘણો ફાળો હતો.
1960માં તેમની વસ્તી પાકિસ્તાનમાં 40 લાખ અને ભારતમાં 60 લાખ હતી. પાકિસ્તાનના જાટ મુસ્લિમ છે, જ્યારે ભારતમાં જાટ લોકો મુસ્લિમ, હિંદુ અને શીખ ધર્મ પાળે છે. 60 % શીખો જાટ છે. તેમની ચૌધરી કે પટેલ જેવી અટકો હોય છે. વૈષ્ણવ, જસનાથી, શીખ, સાધ, સખી અને સરવર જેવા તેમના અનેક ધાર્મિક પંથો કે સંપ્રદાયો છે. જાટ એક જ ગામમાં કે કુળમાં લગ્ન કરતા નથી. જાટ લોકોની જાટૂ કે બાંગરૂ ભાષા છે. તેની ઉપર પંજાબી અને રાજસ્થાનીની વિશેષ અસર છે. આ લોકબોલી હશે.
જાટ લોકો વિનોદી અને ઉત્સવપ્રિય સ્વભાવના હોય છે. તેઓ દાઢી મૂંડાવતા નથી કે માથાના વાળ કપાવતા નથી. તેમની સ્ત્રીઓ નાક વીંધાવતી નથી કે કાચની બંગડીઓ પહેરતી નથી. તેઓ કાળી ગાયનું દૂધ પીતા નથી. તેઓ ગોળના શોખીન છે. શનિવારે જાટ લોકો લગ્ન કરતા નથી.
જાટ લોકગીતોનો વારસો સમૃદ્ધ છે. લોકગીતોના અનેક પ્રકાર છે. તેમનાં ગીતોનું પ્રેરણાસ્થાન ‘સુગી’ છે. આ ગીતોમાં માનવની નબળાઈઓ, આળસ, બેફિકરાઈ, ઉલ્લાસ-વિનોદ, ઉપવાસ ઉપરાંત પ્રેમ અને યૌવનના વિષયોનું પ્રાધાન્ય પણ જોવા મળે છે.
જાટમાં લોકગીતોને સારંગી, રાવણહથ્થો વગેરે જેવાં લોકવાદ્યો વગાડી ગાનાર કલાકારો હોય છે.
શિવપ્રસાદ રાજગોર