જળવ્યાળ (hydra) : મીઠાં જળાશયોમાં રહેતું એક કોષ્ઠાંત્રી (Coelenterata) સમુદાયનું પ્રાણી. તે 0.2થી 2.0 સેમી. લાંબું નળાકાર પ્રાણી છે. તેનો આગલો છેડો ખુલ્લો હોય છે જે મુખ કે અધોમુખ (hypostomium) કહેવાય છે. અધોમુખને ફરતે 8થી 10 લાંબાં, પાતળાં અને સંકોચનશીલ એવાં સૂત્રાંગો (tentacles) આવેલાં હોય છે. શરીરનો બીજો છેડો બંધ હોય છે. તેને આધારબિંબ (basal disc) કહે છે. આધારબિંબની મદદથી તે હાઇડ્રિલા જેવી જલજ વનસ્પતિને ચોંટીને સ્થાયી બને છે.
સૂત્રાંગો પર તેમજ શરીરની બાહ્ય સપાટીએ આવેલા કેટલાક કોષોને ડંખકોષો (cnidoblasts) કહે છે. ડંખકોષો ઉપર કેશ જેવા આકારની ડંખિકાઓ (cnidocils) આવેલી હોય છે અને તે હિપ્નોટૉક્સિન નામના ઝેરી પ્રવાહીનો સ્રાવ કરે છે. આ ઝેરી પદાર્થની મદદથી સૂક્ષ્મજીવોને બેભાન કરી તે સૂત્રાંગો વડે તેમને પકડે છે અને મોંમાં ધકેલે છે.
કોષ્ઠાંત્રીઓ દ્વિગર્ભસ્તરી (diploblastic) પ્રાણીઓ હોય છે. તેમની શરીર-દીવાલ પણ દ્વિસ્તરી હોય છે જે અનુક્રમે બાહ્યસ્તર (ectoderm) અને અંત:સ્તર(endoderm)ની બનેલી હોય છે. શરીરમાં માત્ર એક જ પોલાણ હોય છે. તે પાચનગુહા અને શરીરગુહા બંનેની ગરજ સારે છે. તેની સપાટી અંત:સ્તરથી આવરાયેલી હોય છે. ખોરાક કોષ્ઠાંત્રમાં પ્રવેશે ત્યારે અંત:સ્તરના કેટલાક કોષો સક્રિય બની ખોરાકના કણોને ખોટા પગો (pseudopodia) વડે ઘેરે છે. ખોરાકનું પાચન કોષ્ઠાંત્રમાં પણ થાય છે. પચેલો ખોરાક પ્રસરણ દ્વારા બધા કોષોમાં પ્રવેશે છે.
જળવ્યાળ આધારબિંબ અથવા તો સૂત્રાંગોની મદદથી ચાલે છે.
ખોટા પગ દ્વારા આધારબિંબ ખસી જવાથી ચલનક્રિયા થાય છે. આધારબિંબ તેમજ સૂત્રાંગો વડે તલસ્થ પ્રદેશનો આધાર લઈને ગુલાંટ ખાતાં ખાતાં તે આગળ ખસે છે.
બાહ્યસ્તર અને અંત:સ્તર વચ્ચે ચેતાકોષોની જાળ આવેલી હોય છે. આ ચેતાકોષો બધા કોષોના સંપર્કમાં હોય છે અને તેઓનાં કાર્યોનું નિયમન કરે છે.
પ્રજનનમાં તે અલિંગી (asexual) અને લિંગી (sexual) પ્રકારોને અપનાવે છે. અલિંગી પદ્ધતિમાં શરીરની બાહ્ય સપાટીએથી એક ફણગો ફૂટે છે. તેને કલિકા (bud) કહે છે. કલિકાનો વિકાસ થતાં તે એક નવા જળવ્યાળમાં રૂપાંતર પામે છે. જે પ્રજનકના શરીરથી અલગ બનીને સ્વતંત્ર જીવન પસાર કરે છે. Hydro oligactis એકલિંગી પ્રાણી છે. જ્યારે અન્ય જળવ્યાળ દ્વિલિંગી હોય છે. પ્રગલ્ભાવસ્થા પ્રાપ્ત થતાં શરીર પર શુક્રપિંડ (testes) અને અંડપિંડ (ovary) વિકસે છે. જનનકોષો બાહ્યફલનથી ફલિતાંડમાં રૂપાંતર પામે છે.
જળવ્યાળની H. fusca (અથવા ઑલિગૅક્ટિસ) અને H. viridis ભારતમાં પ્રચલિત છે. ઑલિગૅક્ટિસ વર્ણમાં બદામી જ્યારે વિરિડિસ રંગે લીલા હોય છે.
રા. ય. ગુપ્તે