જલિયાંવાલા બાગ હત્યાકાંડ : ભારતમાં સ્વાતંત્ર્યસંગ્રામનો શરૂઆતનો સૌથી ગોઝારો અને ઘાતક બનાવ જેમાં 1200નાં મૃત્યુ થયાં તથા 3600 જેટલા ઘવાયા. આ ઘટના અમૃતસરમાં 1919માં બની.
પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ બ્રિટિશ સરકાર ભારતને નક્કર સુધારા આપશે તેવી આશાથી ગાંધીજીએ બ્રિટિશ સરકારને પ્રથમ વિશ્વયુદ્ધમાં પ્રત્યેક પ્રકારની સહાય કરી; પરંતુ યુદ્ધ પૂરું થતાં જ સરકારે વ્યક્તિસ્વાતંત્ર્ય અને વાણીસ્વાતંત્ર્યને હણી લેતો દમનકારી રૉલેટ કાયદો પસાર કર્યો.
લગભગ તમામ બિનસરકારી સભ્યો તથા મોટા ભાગના રાજકીય પક્ષોના સખત વિરોધ છતાં સરકારે પોતાની બહુમતીથી કેન્દ્રીય ધારાસભામાં અન્યાયી રૉલેટ કાયદો માર્ચ, 1919માં પસાર કરાવ્યો. આ કાયદા પ્રમાણે અપરાધીઓ સામે દાવો ચલાવવા ત્રણ વરિષ્ઠ ન્યાયાધીશોની બનેલી અદાલતની જોગવાઈ કરવામાં આવી. આ અદાલતે ફરમાવેલી સજા સામે અપરાધીને અપીલ કરવાની છૂટ ન હતી. આ ધારા મુજબ પ્રાંતિક સરકાર કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરી શકતી તથા આ માટે કારણો આપ્યાં વગર તેને યોગ્ય લાગે તેટલો સમય કારાવાસમાં રાખી શકતી. આવી વ્યક્તિને અપીલ કરવાનો કોઈ હક હતો નહિ.
આ ધારાના અમલ સામે મહાસભા તથા મુસ્લિમ લીગ સહિતના મોટા ભાગના પક્ષોએ પ્રચંડ વિરોધ વ્યક્ત કર્યો. મહાસભા તથા ગાંધીજીના આદેશ મુજબ આ જુલમી ધારા સામે 6ઠ્ઠી એપ્રિલ, 1919ના રોજ દેશભરમાં સભાઓ, સરઘસો, દેખાવો તથા હડતાળોનું આયોજન કરવામાં આવ્યું. દિલ્હી, અમૃતસર, મુંબઈ, અમદાવાદ તથા અન્ય સ્થળોએ તોફાનો ફાટી નીકળ્યાં. કેટલાક લોકોએ જાન ગુમાવ્યા તથા લાખોની મિલકતને નુકસાન કરવામાં આવ્યું.
રૉલેટ કાયદાના સૌથી ગંભીર પ્રત્યાઘાતો પંજાબમાં પડ્યા. પંજાબના લેફ્ટનન્ટ ગવર્નર માઇકલ ઓડવાયરે લોકોને ધારા સામેના કોઈ પણ પ્રકારના આંદોલનથી દૂર રહેવા સખત ચેતવણી આપતાં પરિસ્થિતિ વધારે બગડી. અમૃતસર તથા પંજાબનાં અન્ય શહેરોમાં 6ઠ્ઠી એપ્રિલ, 1919થી લોકોએ વિશાળ સભાઓ, સરઘસો, દેખાવો તથા હડતાળો દ્વારા ધારાનો ઉગ્ર વિરોધ કર્યો. આના અનુસંધાનમાં માઇકલ ઓડવાયરે પંજાબના લોક-આગેવાનો ડૉ. કિચલુ તથા ડૉ. સત્યપાલની 8મી એપ્રિલે ધરપકડ કરીને પંજાબની સરહદ બહાર અજાણ્યા સ્થળે મોકલી દીધા. લોકોએ આના ઉગ્ર પ્રત્યાઘાતો આપ્યા. અમૃતસર તથા પંજાબનાં અન્ય શહેરોમાં બૅંકો, સરકારી મકાનો, સ્ટેશનો વગેરે લૂંટવામાં આવ્યાં. બે-ચાર અંગ્રેજોની પણ હત્યા કરવામાં આવી. પોલીસ ગોળીબારમાં થોડાં માર્યાં ગયાં તથા અમુક ઘવાયાં. અમૃતસરની પરિસ્થિતિ કાબૂ બહાર જતાં માઇકલ ઓડવાયરે 12મી એપ્રિલના રોજ શહેર લશ્કરને હવાલે કરી દીધું.
લશ્કરી અધિકારી જનરલ ડાયરે તુરત જાહેર સભાઓ, સરઘસો, દેખાવો પર પ્રતિબંધ મૂકતો આદેશ બહાર પાડ્યો; પરંતુ હંટર કમિટીના અહેવાલ મુજબ આ આદેશની યોગ્ય જાહેરાત થઈ ન હોવાથી મોટા ભાગના લોકોને તેની જાણ થઈ નહિ. તેથી અન્યાયી રૉલેટ કાયદા તથા સરકારી દમનનીતિ સામે વિરોધ વ્યક્ત કરવા અમૃતસરના જલિયાંવાલા બાગમાં 13-4-1919ના રોજ સાંજે ચાર વાગ્યે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સ્ત્રી, પુરુષો તથા બાળકો મળીને આશરે 10,000 લોકો એકત્રિત થયા. જલિયાંવાલા બાગ તે ખરેખર બાગ નથી; પરંતુ ચારે તરફ ફરતી આશરે પાંચેક ફૂટ ઊંચી દીવાલ સહિતની વિશાળ ખુલ્લી જગા છે. તેને ફક્ત એક જ પ્રવેશદ્વાર છે અને એક સાંકડી ગલીમાંથી તેમાં પ્રવેશી શકાય છે.
સભા શરૂ થતાં જ જનરલ ડાયર લશ્કરી ટુકડી સાથે બાગના પ્રવેશદ્વારે આવી પહોંચ્યો. નિયમ અનુસાર લોકોને વીખરાઈ જવાની તેણે કોઈ ચેતવણી આપી નહિ અને પોતાના સૈનિકોને લોકો પર ગોળીબાર કરવાનો હુકમ આપ્યો. એકાએક ગોળીઓ છૂટતાં લોકોમાં નાસભાગ થઈ. કેટલાક યુવાનોએ દીવાલો કૂદીને પોતાના જાન બચાવ્યા. આજુબાજુનાં મકાનોમાં રહેતા લોકોએ દોરડાં નાખીને અમુકને બચાવી લીધા; પરંતુ નાસવા અશક્ત એવા મોટા ભાગનાં વૃદ્ધો, બાળકો તથા સ્ત્રીઓ ગોળીબારનાં ભોગ બન્યાં. કુલે 1650 રાઉન્ડ છોડવામાં આવ્યા. સરકારી આંકડા પ્રમાણે માર્યા ગયેલા લોકોની સંખ્યા 376 તથા ઘવાયેલાઓની સંખ્યા 1200ની હતી. સરકાર નિયુક્ત હન્ટર સમિતિની બહુમતીનો અહેવાલ પણ એકપક્ષીય હતો; પરંતુ કૉંગ્રેસે નિયુક્ત કરેલી સમિતિએ સ્થળની મુલાકાત લઈને, આજુબાજુના 1700 જેટલા લોકોનાં નિવેદનો લઈને આધારભૂત રીતે તપાસ કર્યા બાદ જાહેર કર્યું કે મૃત્યુ પામેલાની સંખ્યા આશરે 1200ની હતી તથા ઘવાયેલાઓની સંખ્યા લગભગ 3600 જેટલી હતી. ઘવાયેલાઓ માટે સારવારની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી.
જલિયાંવાલા બાગની અમાનુષી કતલના પ્રત્યાઘાત રૂપે પંજાબનાં શહેરો— લાહોર, શેખપુરા, ગુજરાનવાલા, કસુર વગેરે—માં મોટા પાયે તોફાનો ફાટી નીકળ્યાં. સરકારી કચેરીઓ, સરકારી શાળાઓ, પોસ્ટ ઑફિસો, તારઘરો, રેલવે વગેરેને ટોળાએ ભારે નુકસાન પહોંચાડ્યું. સરકારે માર્શલ લૉ જાહેર કર્યો, આકાશમાંથી બૉમ્બવર્ષા કરી, અનેકને ભારે ચાબખાની સજા કરી. વિશેષત: યુવાનો તથા વિદ્યાર્થીઓ પર ભારે દમન ગુજારવામાં આવ્યું. પંજાબનાં જુદાં જુદાં શહેરોમાંથી 608 જેટલી વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી જેમાંથી 218 જેટલી વ્યક્તિઓ પર કેસ કરવામાં આવ્યા, તેમાંથી 51ને ફાંસી, 108ને દેશનિકાલ તથા અન્યને 2થી 10 વર્ષ સુધીની સખત કેદની સજા કરવામાં આવી. આવા સરકારી અત્યાચારોના વિરોધમાં કવિવર રવીન્દ્રનાથ ટાગોરે પોતાનો નાઇટહૂડનો ખિતાબ સરકારને પાછો મોકલી આપવા અંગે વાઇસરૉયને ઘણો કડક પત્ર લખ્યો.
આવા કૃત્ય બદલ જનરલ ડાયરને હિન્દના અંગ્રેજોએ ફંડ એકત્ર કરીને 20,000 પાઉન્ડ તથા તલવારની ભેટ આપી, જ્યારે ઇંગ્લૅન્ડની આમસભાએ જનરલ ડાયરને હળવો ઠપકો આપીને તેને સક્રિય સરકારી સેવામાંથી મુક્ત કર્યો; પરંતુ ઇંગ્લૅન્ડની અમીરસભાએ બહુમતીએ આમસભાના આ પગલા સામે નારાજગી વ્યક્ત કરીને ડાયરને 12,000 પાઉન્ડ તથા તલવારની બક્ષિસ આપી. જોકે થોડાં જ વર્ષોમાં એક હિન્દી મારફત જનરલ ડાયરની હત્યા થઈ. અન્યાયી રૉલેટ કાયદા તથા અમાનુષી જલિયાંવાલા બાગની કતલના પ્રત્યાઘાત રૂપે બ્રિટિશ સરકારની ન્યાયબુદ્ધિમાંથી ગાંધીજીની શ્રદ્ધા ચલિત થઈ ગઈ અને તેમને અસહકારનું આંદોલન (1920) શરૂ કરવાની ફરજ પડી. લોકોની રાજકીય જાગૃતિ તથા રાષ્ટ્રીય ચેતનાને વેગ મળ્યો.
રમણલાલ ક. ધારૈયા