જલતાણ : વનસ્પતિમાં ભૂમિજલની અલ્પતા કે હિમપાત જેવાં બાહ્ય પરિબળોને લીધે ઉદભવતી હાનિકારક અસર. જલતાણને લીધે પ્રકાશસંશ્લેષણમાં ઘટાડો, વૃદ્ધિદરમાં ઘટાડો, ક્ષારોના પ્રમાણમાં વધારો, રંધ્રોનું બંધ થઈ જવું, સુકારો વગેરે હાનિકારક અસરો ઉદભવે છે. તેની તીવ્રતા વધારે હોય તો નાશ પણ સંભવી શકે.
જલતાણનું મુખ્ય કારણ ભૂમિજલનો અલ્પ પુરવઠો છે. સાથે સાથે ઉત્સવેદનનો દર મૂળ દ્વારા થતા પાણીના અભિશોષણ કરતાં વધે છે. આમ છતાં, વનસ્પતિને પૂરતું પાણી આપ્યા પછી પણ દિવસ દરમિયાન તાપમાન વધારે ઊંચું હોય તો ઉત્સ્વેદનનો દર અભિશોષણના દર કરતાં વધી જતાં જલતાણ ઉદભવે છે. તાપમાનમાં ક્રમશ: ઘટાડો થાય અને ઠારણબિંદુની નજીક પહોંચે અથવા તેથી નીચું જાય ત્યારે આંતરકોષીય અવકાશમાં (જ્યાં ક્ષારોની સાંદ્રતા ખૂબ ઓછી હોય છે) બરફના સ્ફટિક બનવા માંડે છે. આ સ્થિતિમાં કોષમાંથી પાણી આંતરકોષીય અવકાશમાં જાય છે, કેમ કે બરફનો જલવિભવ પ્રવાહીમય પાણી કરતાં ઓછો હોય છે. આ પ્રક્રિયા લાંબો સમય ચાલુ રહે તો જલતાણ વધારે તીવ્ર બને છે. ફરીથી તાપમાન ઊંચું જાય તો આ પ્રકારની જલતાણની અસરમાંથી વનસ્પતિ મુક્ત થઈ શકે. જોકે કુદરતમાં આમ ભાગ્યે જ બને છે. તાપમાન એકદમ ઝડપથી ઠારણબિંદુની નજીક કે તેથી નીચું જાય તો કોષમાં પણ બરફના સ્ફટિક બનવા લાગે છે. આ સ્થિતિ મોટે ભાગે વિનાશક હોય છે કેમ કે જીવરસમાં ફાટ (ચીરા) ઉત્પન્ન થાય છે. કોષને થતું આ નુકસાન અપ્રતિવર્તી હોય છે. કુદરતમાં આ પ્રકારનું ઠારણ ઘણી વખત જોવા મળે છે.
એચ. એલ. શાન્ટ્ઝે (1927) મરુનિવાસી વનસ્પતિઓનું જલતાણના સંદર્ભમાં શુષ્કતાનિવૃત્ત (draught-escapers), શુષ્કતા અવરોધક (draught-resistant), શુષ્કતા ટાળતી વનસ્પતિઓ (draught-avoiders) અને શુષ્કતાસહિષ્ણુ (draught-tolerant) એમ વર્ગીકરણ કર્યું છે.
રણદ્વીપમાં થતી ખજૂરી જેવી વનસ્પતિઓનાં મૂળ ભૂમિમાં ઊંડે રહેલા પાણી સુધી વૃદ્ધિ પામે છે. Prosopis glandulosa અને Medicago sativaનાં મૂળ 50 મી. ઊંડે વૃદ્ધિ પામે છે અને તેમને અત્યંત ઋણ જલવિભવની અસર થતી નથી.
રણપ્રદેશમાં થતી એકવર્ષાયુ વનસ્પતિઓ શુષ્કતા દરમિયાન નાશ પામે છે. શુષ્ક ઋતુ દરમિયાન માત્ર સુષુપ્તબીજ દ્વારા તેમનું અસ્તિત્વ ટકી રહે છે. તે શુષ્કતાનિવૃત્ત વનસ્પતિઓ છે.
કેક્ટસ, રામબાણ અને ક્રૅસ્યુલેસિયન ઍસિડ મેટાબલિઝમ (CAM) જેવી કેટલીક માંસલ જાતિ જલસંગ્રાહી વનસ્પતિઓ છે. તે જલસંગ્રાહક પેશી દ્વારા પાણીનો સંગ્રહ કરે છે. તે રક્ષકત્વચાનું જાડું પડ ધરાવે છે અને નિમગ્નમુખ રંધ્ર દિવસ દરમિયાન બંધ રહે છે. તેમના જીવરસને અત્યંત ઋણ જલવિભવનો સામનો કરવાનો નહિ હોવાથી તે શુષ્કતા ટાળતી કે શુષ્કતા-અવરોધક છે; પરંતુ શુષ્કતાસહિષ્ણુ નથી.
કેટલીક મરુનિવાસી વનસ્પતિ શુષ્કતાસહિષ્ણુ હોય છે. તેમનો જીવરસ અત્યંત ઋણ જલવિભવનો સામનો કરી શકે છે; દા.ત., larrea divericata મરુનિવાસી ક્ષુપ વનસ્પતિ છે. તેમાં 30 % જેટલું પાણી હોય તોપણ જીવંત રહી શકે છે. મોટા ભાગની વનસ્પતિમાં 50 %થી 75 % પાણીની સ્થિતિ પણ વિનાશક સંભવી શકે છે. કેટલીક શેવાળ અને હંસરાજની જાતિઓ (દા.ત., Selaginalla Lepidophylla અને Polypodiumની જાતિઓ) તેમજ ઘાસની કેટલીક જાતિઓ પણ આ પ્રકારની છે.
જલતાણની એક મહત્વની હાનિકારક અસર તે ક્ષારોની સાંદ્રતામાં વધારો. આ ક્ષારો કોષની ચયાપચયની પ્રક્રિયાનું નિયમન કરનાર ઉત્સેચકોને નુકસાન પહોંચાડે છે. કેટલાક સજીવોમાં જલતાણને પરિણામે સુક્રોઝ, પ્રોલિન અને બીજાં કાર્બનિક સંયોજનોનું એકત્રીકરણ થાય છે, જેથી કોષમાં આસૃતિવિભવ ઘટતાં જલવિભવમાં ઘટાડો થાય છે અને ઉત્સેચકના કાર્ય પર અસર થતી નથી. આને આસૃતિપ્રબંધ કે આસૃતિનિયમન કહે છે.
બળદેવભાઈ પટેલ