જલક્રમક અથવા જલાનુક્રમણ (hydrosere) : તળાવ કે જળાશયોમાં પ્રારંભિક અવસ્થાથી માંડીને ચરમાવસ્થા સુધી જટિલ પર્યાવરણને અનુકૂળ બની સજીવ સમૂહમાં તથા પ્રગતિશીલ અનુક્રમિક ફેરફારો.
તળાવ કે જળાશયોમાં જલાનુક્રમણનો પ્રારંભ કેટલાક વનસ્પતિ સૂક્ષ્મજીવો(phytoplanktons)ના સંસ્થાનીકરણથી થાય છે. તે સૌપ્રથમ વનસ્પતિસમાજ બનાવે છે અને અંતે વનમાં પરિણમે છે, જે વનસ્પતિના મુખ્ય ઘટકો સહિતની ચરમાવસ્થા છે.
અન્ય પ્રાથમિક સ્વાવલંબી અનુક્રમણોની જેમ, જલાનુક્રમણમાં પણ વનસ્પતિઓ અને પ્રાણીઓના જીવનક્રમમાં અનુક્રમિક પરિવર્તનો થાય છે; પરંતુ આ પરિવર્તનો પ્રાણીઓ કરતાં વનસ્પતિઓમાં વધારે સ્પષ્ટ હોવાથી તે માત્ર વનસ્પતિઓનું અનુક્રમણ હોય તેમ લાગે છે. જલાનુક્રમણની વિવિધ અવસ્થા નીચે પ્રમાણે છે :
(1) વનસ્પતિ સૂક્ષ્મજીવ અવસ્થા : તે તળાવ કે સરોવરમાં સૌપ્રથમ ઉદભવતો વનસ્પતિસમાજ બનાવે છે જેમાં નીલહરિતલીલ, હરિતલીલ, ડાયેટૉમ્સ, બૅક્ટેરિયા વગેરેનો સમાવેશ થાય છે. તે પાણીમાં મુક્ત રીતે તરી શકતી સૂક્ષ્મ વનસ્પતિઓ છે.
(2) મૂળયુક્ત નિમજ્જિત અવસ્થા : વનસ્પતિ સૂક્ષ્મજીવોનો નાશ થતાં તેમનો કોહવાટ થાય છે અને તે વરસાદને લીધે ઘસડાઈ આવેલી અથવા તળાવની કિનારીએ થતાં મોજાંના મારાને લીધે આવેલી માટીમાં ભળે છે અને તળાવને તળિયે પોચો કાદવ ઉત્પન્ન થાય છે. તેથી તળાવ થોડુંક છીછરું બનતાં તેના પાણીમાં પ્રકાશ સહેલાઈથી પ્રવેશે છે. આ પ્રકારનો વસવાટ સિરેટોફાઇલમ, મિરિયોફાઇલમ, ઇલોડિયા, હાઇડ્રિલા, પોટેમોગેટોન, વેલિસ્નેરિયા જેવી મૂળ ધરાવતી નિમજ્જિત જલોદભિદ વનસ્પતિઓ માટે અનુકૂળ પડે છે. આ વનસ્પતિઓનો નાશ અને કોહવાટ થતાં તળાવનું તળ વધારે ઊંચું આવે છે અને તળાવ વધારે છીછરું બને છે, જેથી મૂળયુક્ત પ્લવિત અવસ્થાના વિકાસ માટેનું પર્યાવરણ સર્જાય છે.
(3) મૂળયુક્ત પ્લવિત અવસ્થા : આ સ્થિતિમાં પાણીની ઊંડાઈ 0.5થી 1.75 મી. જેટલી જોવા મળે છે. જેમાં પાણીની સપાટીએ તરતાં મોટાં પર્ણો ધરાવતી મૂળયુક્ત જલોદભિદ વનસ્પતિઓ ઊગે છે; દા.ત., કમળ, પોયણાં, લિમેન્થીમમ, એપોનોગેટોન, શિંગોડાં, મૉનોકેરિયા. ક્ષારો અને અન્ય ખનિજતત્વો વધારે પ્રમાણમાં પ્રાપ્ય બનતાં આ વનસ્પતિઓની સાથે મુક્ત રીતે તરતી જાતિઓ અઝોલા, લૅમ્ના, વુલ્ફિયા, પિસ્ટિયા, સ્પાઇરોડેલા, સાલ્વિનિયા પણ ઉત્પન્ન થાય છે. તળાવના પાણીની ઊંડાઈ હવે ઘટતી જાય છે અને તળાવ વધારે ને વધારે છીછરું બને છે. તેમાં થતી વનસ્પતિઓના નાશ અને કોહવાટથી તેનું ભૂમિતલ વધારે ઊંચું આવે છે અને તે વિસ્તારમાં પ્લવિત જાતિઓ પછી અર્દશ્ય થાય છે.
(4) નરકુલ અવસ્થા (reed-swamp stage) : તેને ઉભયજીવી અવસ્થા પણ કહે છે. આ અવસ્થામાં થતી વનસ્પતિઓમાં સ્કિરપસ, ઘા-બાજરિયું, સેજિટેરિયા અને ફ્રેગ્માઇટિસનો સમાવેશ થાય છે. તે મૂળયુક્ત હોવા છતાં તેમના પ્રરોહો હવામાં વિકસતા હોય છે. તે સુવિકસિત ગાંઠામૂળી ધરાવે છે અને ખૂબ ગાઢ વનસ્પતિસમૂહ બનાવે છે. પાણીની સપાટી હવે ઘણી ઘટી જાય છે અને ઉભયજીવી અવસ્થાના વસવાટ માટે પ્રતિકૂળ બને છે.
(5) સેજ-મેડો અવસ્થા : જલસપાટીમાં ક્રમિક ઘટાડો થતાં અને ભૂમિતલમાં સંખ્યાબંધ પરિવર્તનો થતાં હવે સાઇપ્રેસી અને ગ્રૅમિની કુળની કેટલીક જાતિઓ જેવી કે કેરેક્સ, સાઇપ્રસ, ઇલિયોકેરીસ તેમજ જંક્સ વગેરે આ વિસ્તારમાં સંસ્થાનીકરણ કરે છે. તે તળાવની મધ્યમાં તેમના બહુશાખિત ગાંઠામૂળીયુક્ત તંત્ર દ્વારા અત્યંત ઝડપથી પ્રસરે છે. તેમની ઝડપી ઉત્સ્વેદનની પ્રક્રિયાને લીધે પાણીનો પુષ્કળ વ્યય થાય છે અને કાદવ હવામાં ખુલ્લો બને છે. પરિણામે એમોનિયા અને સલ્ફાઇડ જેવાં પોષકદ્રવ્યોનું ઑક્સિડેશન થતાં નાઇટ્રેટો અને સલ્ફેટો બને છે. આ પ્રકારની ભૂમિ કાં તો તૃણભૂમિ બની શકે અથવા અન્ય મરુસ્વરૂપો તેમાં વિકાસ પામી શકે. ભેજવાળી આબોહવામાં વનઅવસ્થા પણ વિકસતી હોય છે.
(6) વનઅવસ્થા (wood land stage) : દલદલભૂમિનો વનસ્પતિસમૂહ નાશ પામતાં વર્ષ દરમિયાનનો મોટા ભાગનો સમય ભૂમિ વધારે શુષ્ક રહે છે. આવી ભૂમિમાં વરસાદનું પાણી ભરાતાં નવી જાતિઓનો પ્રવેશ સરળ બને છે. આવી જળસંતૃપ્ત પરિસ્થિતિમાં ઊગતાં સ્વરૂપોમાં ક્ષુપ અને વૃક્ષોનો સમાવેશ થાય છે; દા.ત., સેલીક્ષ, કોર્નસ, પોપ્યુલસ, ઍલ્મસ. આ સમયે ભૂમિમાં જીવાણુઓ, ફૂગ અને અન્ય સૂક્ષ્મજીવો પુષ્કળ પ્રમાણમાં વૃદ્ધિ પામતાં સેન્દ્રિય પદાર્થો પણ પુષ્કળ પ્રમાણમાં એકત્રિત થાય છે. ભૂમિમાં ક્ષારો વધતાં આ વિસ્તારમાં વૃક્ષની નવી જાતિઓનો પ્રવેશ શક્ય બને છે.
(7) ચરમાવસ્થા (climax stage) : ભૂમિની સમૃદ્ધિ વધતાં ગાઢ જંગલ રૂપે સમાજ વિકાસ પામે છે. વૃક્ષની નવી જાતિઓના પ્રવેશની સાથે છાંયો પણ વિશેષ સર્જાય છે. જેમ જેમ વૃક્ષો સઘન બનતાં જાય છે તેમ તેમ કેટલાંક વર્ષો પછી અત્યંત સહનશીલ છાયાપ્રિય (sciophytes) જાતિઓ જ સ્થાયી વસવાટ સર્જી જીવંત રહી શકે છે. આ પ્રમાણે એક સમયે જે વિસ્તાર પાણીની નીચે હતો તે જંગલોમાં પરિણમે છે.
પુષ્કળ વર્ષાયુક્ત ઉષ્ણપ્રદેશમાં ઉષ્ણકટિબંધનાં વર્ષાનાં જંગલો, જ્યારે મધ્યમ વર્ષાયુક્ત ઉષ્ણપ્રદેશોમાં ઉષ્ણકટિબંધનાં પાનખરનાં જંગલો વિકાસ પામે છે. સમશીતોષ્ણ પ્રદેશોમાં ઍલ્મસ, એસર અને ક્વીર્કસનાં મિશ્ર જંગલોનો વિકાસ થાય છે.
તળાવની ઉંમર વધતાં અને દલદલભૂમિના વિકાસની સાથે સાથે પ્રાણીજીવનમાં પણ નીચે પ્રમાણેના ક્રમિક ફેરફારો જોવા મળે છે :
પેરામિસિયસ, એમીબા, યુગ્લીના જેવા પ્રજીવો સૌપ્રથમ ઉત્પન્ન
થાય છે; પરંતુ સૂક્ષ્મજીવોનાં વિવિધ સ્વરૂપો પુષ્કળ પ્રમાણમાં હોય તો અન્ય પ્રાણીઓ બ્લૂ ગીલ ફિશ, સન ફિશ, પહોળા મોંવાળી બાસ વગેરે દેખાવાની શરૂઆત થાય છે. કેટલીક કૅડ્ડિસ-ફલાઇઝ પણ જોવા મળે છે.
નિમજ્જિત અવસ્થામાં કેડ્ડિસ-ફ્લાઇઝનું સ્થાન ડ્રૅગન-ફ્લાઇઝ, મે-ફ્લાઇઝ અને કેટલાક સ્તરકવચીઓ – દા.ત., એસેલ્લસ, ગેમેરસ, ડેફનિયા, સાયપ્રીસ, સાયક્લૉપ્સ વગેરે લે છે.
પ્લવિત અવસ્થામાં હાઇડ્રાની જાતિઓ ઝાલરો દ્વારા શ્વસન કરતી ગોકળગાયો, દેડકાં, સાલામાન્ડર, ડૂબકીઓ મારતા (diving) ભમરા, ચકરી ખાતા (whirtgig) ભમરા અને બીજા કીટકો ઉપરાંત કેટલીક વાર કાચબા અને સાપ પણ જોવા મળે છે.
ઉભયજીવી અવસ્થામાં તળાવ વધારે છીછરું બને છે અને ભૂમિતળ ખુલ્લું બને છે. તેથી હવે પ્લવિત પ્રાણીઓને સ્થાને મે ફ્લાઇઝ અને ડ્રૅગન-ફ્લાઇઝની બીજી જાતિઓ જોવા મળે છે. ઝાલરો દ્વારા શ્વસન કરતી ગોકળગાયોના સ્થાને ફેફસાં દ્વારા શ્વસન કરતી ગોકળગાયો – લિમ્નિયા, ફાઇસા, ગાયરોલસ વગેરે આવે છે. કીટકોમાં પાણીમાં થતા વીંછી, મહાકાય જલીય માંકડ, ભમરા વગેરે થાય છે. તળાવમાં હવે નૂપુરક, લાલ પાંખવાળાં કાળાં પક્ષી, કિંગફિશર, કાદવમાં થતી ચકલી, બતક, ઉંદર વગેરે સામાન્ય રીતે જોવા મળે છે.
સેજ-મેડો અવસ્થા દરમિયાન એનોડોન્ટા, સિડિયમ જેવી ગોકળગાયો સામાન્ય છે. અંતે, વનઅવસ્થામાં ભૌમિક સ્થિતિ સર્જાતાં તે વિસ્તારમાં પ્રાણીઓનાં વિવિધ સ્વરૂપો જોવા મળે છે.
આમ, અંતે એક જલજ નિવસનતંત્રમાંથી ક્રમશ: સ્થળજ નિવસનતંત્રનું નિર્માણ થાય છે.
ટુંડ્ર તેમજ શીતકટિબંધ પ્રદેશોમાં જ્યાં કાયમ બરફ પીગળતો રહે છે, ત્યાં શૂન્યથી પણ નીચે અથવા 30થી 50 સે. તાપમાન કાયમ રહેતું હોય છે. અહીં કળણ(bog)ભૂમિની ઊંડાઈ ક્યારેક અગાધ રહે છે. બરફ ઓગળતાં પાણીનો ભરાવો તથા વરસાદને કારણે આ કળણ કાયમ રહે છે અને તેને કળણ(bog), અનૂપ(swamp), ખરાબો(moor), કીચડ(mire) કહેવામાં આવે છે. અહીં લાઇકન્સ તથા સ્ફેગ્નમ નામની શેવાળ જ ઊગી શકે છે. આ જાતનું અનુક્રમણ અપૂર્ણ જ રહે છે. ક્યારેક કળણ સુકાતાં ત્યાં ઝૂલતા પુલ જેવું બની રહે છે જેને કંપિત કળણ (quaking bogs) કહેવામાં આવે છે. ઉત્તર યુરોપ, અલાસ્કા વગેરે સ્થળોએ તેમજ ધ્રુવપ્રદેશોમાં આ કાયમી નિવસનતંત્ર જોવા મળે છે. આ પ્રકારનું અનુક્રમણ વિચલિત (deflected) હોય છે.
બળદેવભાઈ પટેલ