જર્બેરા : લે. Gerbera gamesonii તથા બીજી જાતિઓ. કુળ : Astenaceae (compositae) સહસભ્યો : એસ્ટર, ઝીનીઆ વગેરે. અંગ્રેજીમાં એને Transval Daisy of Barberton daisy કહે છે.
લગભગ 30થી 40 સેમી. ઊંચા થતા આ બહુવર્ષાયુ છોડના થડનો ભાગ દેખાતો નથી. જમીનમાંથી ચારે બાજુ લાંબાં પાન નીકળતાં હોય તેમ દેખાય છે. પાન 25થી 30 સેમી લાંબાં, 5થી 7 સેમી. પહોળાં અને વચ્ચે વચ્ચે થોડા ખાંચાવાળાં હોય છે. વચમાંથી લાંબી દાંડી ઉપર તારા જેવા આકારનાં છૂટી લાંબી પાંખડીવાળાં 5થી 7 સેમી. વ્યાસનાં આકર્ષક ફૂલ આવે છે. દરેક ફૂલને જુદી દાંડી હોય છે. ફૂલ ઘણા રંગનાં આવે છે, પણ એક છોડ ઉપર એક જ જાતનાં ફૂલ આવે છે. ફૂલ કટફ્લાવર તરીકે પણ વપરાય છે. હવે તો બે પાંખડીવાળાં ફૂલ હોય તેવા સુંદર છોડ પણ મળે છે.
છોડ ક્યારામાં અથવા કૂંડામાં ઉછેરી શકાય છે. છોડ 2થી 3 વરસ સુધી ટકે છે. પછી એને કાઢી એના પીલા છૂટા કરી ફરી રોપવાથી છોડ સારા થાય છે. બીમાંથી પણ આ છોડ ઉછેરી શકાય છે. પણ એ ત્રણેક માસ પછી ઊગતા નથી. બી રોપતી વખતે એનો અણીદાર ભાગ નીચેની બાજુએ જાય તે રીતે રોપવું પડે છે.
બગીચામાં બૉર્ડર પ્લાન્ટ તરીકે એ ખૂબ જ આકર્ષક લાગે છે.
મ. ઝ. શાહ