જર્ને, નીલ્સ કાજ (જ. 23 ડિસેમ્બર 1911, લંડન) : પ્રતિરક્ષાતંત્ર(immune system)ના વિકાસ અને નિયમનની ચોક્કસ (specificity) તથા એકકોષગોત્રી પ્રતિદ્રવ્યો(monoclonal antibodies)ના ઉત્પાદનના સિદ્ધાંતની શોધ માટે 1984ના નોબેલ પુરસ્કારના સહવિજેતા. તેઓ મૂળ ડેનિશ વિજ્ઞાની છે. તેમની સાથેના અન્ય વિજેતા હતા જૉર્જેઝ જે. એફ. કૉહલર તથા સીઝર મિલ્સ્ટેન. વિવિધ પ્રકારના બાહ્ય પદાર્થો સામે લડવા માટે પ્રતિરક્ષાતંત્રના
જુદા જુદા પ્રકારના કોષો જુદા જુદા પ્રકારની પદ્ધતિઓ અપનાવે છે; જેમ કે, લસિકાકોષો (lymphocytes) પ્રતિદ્રવ્યો બનાવે છે. જુદા જુદા પ્રતિજન (antigen) સામે ચોક્કસ પ્રકારનું પ્રતિદ્રવ્ય પ્રક્રિયા કરે છે; માટે પ્રતિદ્રવ્યોના અસંખ્ય પ્રકાર છે. જે તે પ્રતિજનના સંસર્ગમાં આવવાથી તેની સામેના પ્રતિદ્રવ્યનું ઉત્પાદન કરાય છે. આ સમગ્ર સંકલ્પનાને તથા પ્રતિરક્ષાતંત્રના સંકુલ વ્યવસ્થાતંત્રને સ્પષ્ટ કરવામાં જર્નેએ, કૉહલરે તથા મિલ્સ્ટેને મહત્વનો ફાળો આપ્યો છે.
શિલીન નં. શુક્લ