જરૂરિયાતો (આર્થિક) : અર્થપરાયણ માનવીને તેના સંજોગોના સંદર્ભમાં તુષ્ટિગુણ આપે તેવી વસ્તુઓ અને સેવાઓ પ્રાપ્ત કરવા માટેની અસરકારક રીતે કાર્યાન્વિત થઈ શકે તેવી ઇચ્છા. તે સાધનોની ઉપલભ્યતા વગર કાર્યાન્વિત થઈ શકતી નથી, કારણ કે આવી વસ્તુઓ અને સેવાઓ પ્રાપ્ત કરવા માટે કિંમત ચૂકવવી પડે છે અને તે માટે ઉત્પાદક પ્રવૃત્તિઓ વડે આવકનું ઉપાર્જન કરવું પડે છે. અર્થપરાયણ માનવીની આર્થિક પ્રવૃત્તિઓનો હેતુ જરૂરિયાતો સંતોષવાનો હોય છે.

જરૂરિયાતો ત્રણ વર્ગોમાં વહેંચી શકાય છે : (1) જીવન-જરૂરિયાતો (necessities) જેના વગર જીવન જીવવું સંભવી શકે નહિ; દા.ત., અન્ન, વસ્ત્ર અને રહેઠાણ એ માનવીની પ્રાથમિક જરૂરિયાતો ગણાય છે. આધુનિક જમાનામાં શિક્ષણ અને સ્વાસ્થ્યને પણ આ વર્ગમાં મૂકવામાં આવે છે. આ જરૂરિયાતો સંતોષવાથી માનવીની કાર્યક્ષમતા અને ઉત્પાદકમાં વધારો થાય છે. આ સિવાય સામાજિક પરંપરાઓ, રૂઢિઓ, રીતરિવાજો સાથે સંકળાયેલી જરૂરિયાતો પણ આ વર્ગમાં ઉમેરવામાં આવે છે. (2) સુખસગવડો (comforts) – જેમનો આશય જીવનમાં સુખચેન, રાહત, સ્વસ્થતા અને આરામ પ્રાપ્ત કરવાનો હોય છે, દા. ત., લખવા-વાંચવા માટે ખુરશીટેબલ, ગરમ પ્રદેશોમાં વીજળીના પંખા, રાચરચીલું, રસોઈ કરવા માટે રાંધણ-ગૅસ, સંદેશવહન માટે ટેલિફોન વગેરે. (3) મોજશોખની વસ્તુઓ (Iuxuries) જે ખૂબ મોંઘી હોય છે અને તેથી તેની વપરાશ મહદ્અંશે ધનિકવર્ગ પૂરતી જ મર્યાદિત રહે છે. દેખાદેખીથી ખરીદાતી વસ્તુઓ આ જૂથમાં મુકાય છે; જેમાં સૌંદર્યપ્રસાધનનાં સાધનો, કીમતી રાચરચીલું, ઘરેણાં, સજાવટની વસ્તુઓ વગેરે ગણાય છે. દેખાદેખી સાથે સંકળાયેલી વસ્તુઓમાં ફૅશનની ચીજવસ્તુઓ વિશેષ સ્થાન ધરાવે છે.

જરૂરિયાતોનું ઉપર જણાવેલ વર્ગીકરણ કાયમી નથી. તેનો સંબંધ ગ્રાહકનો વ્યવસાય, સામાજિક મોભો, વપરાશનું સ્થળ તથા વપરાશના સમય પર આધાર રાખે છે. કોઈ એક વસ્તુ એક વ્યક્તિ માટે મોજશોખની હોય તો તે જ વસ્તુ બીજી વ્યક્તિ માટે સુખસગવડની કે ક્યારેક જીવનજરૂરિયાતની વસ્તુ પણ હોઈ શકે; દા.ત., કાંડાનું ઘડિયાળ ખેતમજૂર માટે મોજશોખની વસ્તુ ગણાય; શિક્ષક, ડૉક્ટર માટે તે જીવનજરૂરિયાતની વસ્તુ બની જાય છે.

કેટલીક જરૂરિયાતો એકબીજીને પૂરક (દા.ત., મોટર અને પેટ્રોલ) તો કેટલીક પ્રતિસ્પર્ધી (ચા અને કૉફી) હોય છે. ઘણી જરૂરિયાતો સામાજિક કે ધાર્મિક રીતરિવાજો અને પરંપરાઓમાંથી ઉદભવે છે તો કેટલીક ટેવોમાં પરિણમે છે (દા.ત., ધૂમ્રપાન). આવકની સપાટી, સંપત્તિનો જથ્થો, ભાવસપાટી, જાહેરખબરો જેવાં પરિબળો મનુષ્યની જરૂરિયાતો નક્કી કરે છે.

જરૂરિયાતો અનંત હોય પરંતુ તે સંતોષવા માટેનાં સાધનો મર્યાદિત હોય છે. આર્થિક સમસ્યાનું મૂળ બંને વચ્ચેની આ વિષમતામાં રહેલું છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે