જયાદિત્યનું મંદિર : નગરા(તા. ખંભાત)માં આવેલું મંદિર. હાલમાં આ એક નાના ખંડ સ્વરૂપનું મંદિર જોવામાં આવે છે. તેમાં સૂર્યની તેમજ સૂર્યાણીની 1.83 મી. ઊંચી મૂર્તિઓ છે. આ મૂર્તિઓ પર સં. 1292 (ઈ. 1236)નો લેખ કોતરેલો છે. તેમાં જણાવ્યા અનુસાર જયાદિત્યનું મંદિર અતિવૃષ્ટિને લઈને પડી જવા જેવું થવાથી મહામાત્ય વસ્તુપાલે એ સમરાવ્યું હતું. પ્રતિમાનું પ્રમાણમાપ જોતાં જયાદિત્યનું મંદિર તેરમી સદી પહેલાંનું અતિ ભવ્ય હશે. રત્નમણિરાવ જોટેના મતે એ એક કાળે મોઢેરાના સૂર્યમંદિર જેવું ભવ્ય અને મહિમાવંતું મંદિર હોવું જોઈએ.
પ્રવીણચંદ્ર પરીખ